પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની INX મીડિયા કેસ મામલે મુશ્કેલીઓ સતત વધી રહી છે. CBI બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) પણ જો આજે સુપ્રીમમાં ચિદમ્બરમને રાહત નહીં મળે તો તેની કસ્ટડીની સુપ્રીમ કોર્ટમાં માંગ કરીને તેની પૂછપરછ કરશે.
ઇડી પાસે છે પર્યાપ્ત પુરાવા
ઇડીએ આઇએનએક્સ મીડિયા મામલે પી.ચિદમ્બરમ પર સકંજો કસ્યો છે. જો ચિદમ્બરમને આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો ઇડી તેને કસ્ટડીમાં લઇને તેની પૂછપરછ કરવા માંગશે. ઇડીએ તે માટે ઉચ્ચ ન્યાયાલયમાં સોગંદનામુ પણ દાખલ કર્યું છે અને કહ્યું છે કે ચિદમ્બરમે તેના વિશ્વાસુ નિકટવર્તીઓ તેમજ કાવતરાખોરો સાથે મિલીભગત કરીને ભારત અને વિદેશમાં બનાવટી કંપનીઓનો જાળ બિછાવ્યો છે. ઇડી પાસે તેના આ દાવાઓને સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવા છે. બનાવટી કંપનીઓનું સંચાલન કરનારા લોકો ચિદમ્બરમના સંપર્કમાં છે અને તેના પણ પુરાવા છે.
ઑસ્ટ્રિયા, મલેશિયા સહિતના દેશોમાં ચિદમ્બરમની સંપત્તિ
ઇડીએ તેની એફિડેવિટમાં દાવો કર્યો છે કે ચિદમ્બરમ ઑસ્ટ્રિયા, આર્જેન્ટિના, ફ્રાંસ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, મલેશિયા, મોનાકો, ગ્રીસ, ફિલીપાઇન્સ, શ્રીલંકા, સિંગાપુર, સાઉથ આફ્રિકા અને સ્પેનમાં સંપત્તિ ધરાવે છે. INX મીડિયા કેસમાં મની લોન્ડરિંગ થયું છે તેથી તેની વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે તેની પૂછપરછ માટે કસ્ટડી જરૂરી છે.
સોગંદનામામાં કહેવાયું છે કે ચિદમ્બરમ એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમણે ખુદ અને પરિવારથી દૂરી બનાવવા માટે શેલ કંપનીઓ અને શેરહોલ્ડિંગ પેર્ટનમાં ફેરફાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અનુસાર મની લોન્ડરિંગ એક ગંભીર ગુનો છે કારણ કે ભારત ઇન્ટરનેશનલ ફોરમ-ફાઇનાન્સ્યિલ એક્શન ટાસ્ક ફોર્સનું સભ્ય છે. ઇડીએ સુપ્રીમમાં માંગણી કરી હતી કે ચિદમ્બરમ એક પૂર્વ નાણા મંત્રી, ગૃહ મંત્રી કે સામાન્ય નાગરિક હોય તેમ છતાં તેના આગોતરા જામીન મંજૂર ના થવા જોઇએ. જો સર્વોચ્ચ ન્યાયાલય તેની અરજી પર વિચાર કરશે તો તેનાથી ન્યાયની બાબત એક મજાક બની જશે.