1. Home
  2. Political
  3. બિહારમાં એનડીએએ ખગડિયા સિવાયની 39 બેઠકો પર ઉમેદવારોનું કર્યું એલાન, શાહનવાઝ હુસૈન- શત્રુઘ્નની ટિકિટ કપાઈ
બિહારમાં એનડીએએ ખગડિયા સિવાયની 39 બેઠકો પર ઉમેદવારોનું કર્યું એલાન, શાહનવાઝ હુસૈન- શત્રુઘ્નની ટિકિટ કપાઈ

બિહારમાં એનડીએએ ખગડિયા સિવાયની 39 બેઠકો પર ઉમેદવારોનું કર્યું એલાન, શાહનવાઝ હુસૈન- શત્રુઘ્નની ટિકિટ કપાઈ

0

બિહારમાં આરજેડી-કોંગ્રેસ-આરએલએસપી-એચએએમના મહાગઠબંધન દ્વારા ઉમેદવારોના નામનું એલાન થઈ ચુક્યું છે અને હવે વારો એનડીએનો છે. પટનામાં ભાજપના કાર્યાલયમાં સવારે અઘિયાર વાગ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા એનડીએએ બિહારમાં પોતાના ઉમેદવારોના નામનું એલાન કર્યું છે.

ભાજપના કાર્યાલયમાં મંચ પરથી ભાજપના બિહાર ખાતેના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મીડિયાને સંબોધિત કરી રહ્યા છે. તે તમામ ઉમેદવારોના નામની એક-એક કરીને ઘોષણા કરી રહ્યા છે.

આની ઘોષણા દરમિયાન જેડીયુ, ભાજપ અને લોકજનશક્તિ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તથા ભૂપેન્દ્ર યાદવ અને સુશીલ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે બિહારમાં જેડીયુ, ભાજપ અને એલજેપી ત્રણેય પાર્ટીઓ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી રહી છે.

એનડીએએ પહેલા જ પોતાની બેઠકોનું એલાન કરી દીધું હતું. તેના પ્રમાણે ભાજપ 17, જેડીયુ 17 અને એલજેપી 6 બેઠકો પર ચૂંટણી લડશે. જેડીયુના મુખ્ય મહાસચિવ કે. સી. ત્યાગીએ શુક્રવારે સંકેત આપ્યા હતા કે શનિવારે ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવશે.

ત્યાગીએ કહ્યુ હતુ કે તેમની યાદી તૈયાર છે અને તેમના ઉમેદવારો પણ તૈયાર છે તથા ટૂંકા ગાળામાં પટનામાં તેમની યાદી જાહેર કરી દેવામાં આવશે. તેના પછી આજે ઉમેદવારોના નામ પર મ્હોર લગાવવામાં આવી છે.

બિહારમાં ભાજપના પાર્ટી પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યુ છે કે પૂર્વ ચંપારણથી ભાજપે રાધામોહનસિંહને ટિકિટ આપી છે.વાલ્મીકિનગરથી જડીયુના બૈદ્યનાથ પ્રસાદ, પશ્ચિમ ચંપારણથી ભાજપના સંજય જયસ્વાલને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ પોતાની ત્રણ યાદીમાં 221 ઉમેદવારોનું એલાન કરી ચુક્યું છે. પરંતુ આ એકપણ યાદીમાં બિહારના ઉમેદવારનો સમાવેશ થતો ન હતો. ભજાપે ગુરુવારે સૌથી પહેલી 184 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ કહ્યુ હતુ કે ભજાપે બિહારના તમામ 17 ઉમેદવારોના નામને આખરી ઓપ આપી દીધો છે અને યાદી બિહાર રાજ્ય એકમને મોકલી દેવામાં આવી છે. તેની ઘોષણા ગઠબંધનના સાથીપક્ષોની સાથે કરવામાં આવશે.

બિહારમાં એનડીએએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપ, જનતાદળ-યૂનાઈટેડ અને લોક જનશક્તિ પાર્ટીના 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એક ખગડિયા લોકસભા બેઠક સંદર્ભે એલાન કરવામાં આવ્યું નથી.

ભાજપે પટનાસાહિબથી બળવાખોર તેવર ધરાવનારા શત્રુઘ્નસિંહાના સ્થાને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે. બિહાર ભાજપના મોટા નેતા ગણાતા શાહનવાઝ હુસૈનની ટિકિટ કાપવામાં આવી છે.

ભાજપે ગત ચૂંટણીમાં નવાદાથી સાંસદ બનેલા ગિરિરાજસિંહને બેગૂસરાયથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈનની કિસનગંજ બેઠક જેડીયુના ખાતામાં જતી રહેવાથી તેમની ટિકિટ કાપવામાં આવી છે. એનડીએમાંથી માત્ર એક જ મુસ્લિમ ઉમેદવાર બિહાર ખાતે ચૂંટણી મેદાનમાં છે. આ ઉમેદવાર છે કિશનગંજથી જેડીયુની ટિકિટ મેળવનાર મહમૂદ અશરફ.

ભાજપના ઉમેદવાર-

પશ્ચિમી ચંપારણથી ડૉ. સંજય જાયસવાલ, પૂર્વી ચંપારણથી રાધામોહન સિંહ, શિવહરથી રમાદેવી, મધુબનીથી અશોક યાદવ, અરરિયાથી પ્રદીપ સિંહ,દરભંગાથી ગોપાલજી ઠાકુર, મુઝફ્ફરપુરથી અજય નિષાદ, મહારાજગંજથી જનાર્દન સિંહ, સારણથી રાજીવ પ્રતાપ રુડી, ઉજિયારપુરથી નિત્યાનંદ રાય. બેગૂસરાયથી ગિરિરાજ સિંહ, પટનાસાહિબથી રવિશંકર પ્રસાદ, પાટલીપુત્રથી રામકૃપાલ યાદવ, આરાથી રાજકુમાર સિંહ, બક્સરથી અશ્વિનીકુમાર ચૌબે, સાસારામથી છેદી પાસવાન અને ઔરંગાબાદથી સુશીલકુમાર સિંહને ટિકિટ આપવામા આવી છે.

જેડીયુના ઉમેદવાર-

બાલ્મીકિનગરથી વૈદ્યનાથપ્રસાદ મહતો, સીતામઢીથી ડૉ. બરુણકુમાર, ઝંઝારપુરથી રામપ્રીત મંડલ, સુપૌલથી દિલેશ્વર કમૈત, કિશનગંજથી મહમૂદ અશરફ, કટિહારથી દુલાલચંદ્ર ગોસ્વામી, પૂર્ણિયાથી સંતોષકુમાર કુશવાહા, મધેપુરાથી દિનેશચંદ્ર યાદ, ગોપાલગંજથી ડૉ. આલોકકુમાર સુમન, સિવાનથી કવિતા સિંહ,ભાગલપુરથી અજયકુમાર મંડલ, બાંકાથી ગિરિધારી યાદવ, મુંગેરથી રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ, નાલંદાથી કૌશલેન્દ્રકુમાર, કરાકટથી મહાબલી સિંહ, જહાનાબાદથી ચંદ્રેશ્વરપ્રસાદ ચંદ્રવંશી અને ગયાથી વિજયકુમાર માંઝીને ટિકિટ આપવામાં આવી છે.

એલજેપીના ઉમેદવાર-

વૈશાલીથી વીણા દેવી, હાજીપુરથી પશુપતિ પારસ, સમસ્તીપુરથી રામચંદ્ર પાસવાન, નવાદાથી ચંદન કુમાર, જમુઈથી ચિરાગકુમાર પાસવાનને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખગડિયા બેઠક પરથી ઉમેદવારનું એલાન કરવામાં આવ્યું નથી.

tags:

LEAVE YOUR COMMENT