- તા. 23-24 નવેમ્બરે યોજાશે હેરિટેજ ફેસ્ટિવલ
- તા. 23મી નવેમ્બરે સવારે હેરિટેજ વોકનું આયોજન
- કવિતા તથા ગઝલ પઠનનો કાર્યક્રમ યોજાશે
અમદાવાદઃ ભારતની એકમાત્ર હિરેટજ સિટી અમદાવાદમાં હેરિટેજ વીક અંતર્ગત હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટના સહયોગથી તા. 23-24 નવેમ્બરે યોજાનારા ફેસ્ટિવલમાં હેરિટેજ વૉક, વિસરાતી રમતો, હેરિટજ ટ્રેઝર હન્ટ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ટોક શો ને ગુજરાતી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 23મી નવેમ્બરે સવારે 7 વાગ્યે માણેક ટુ માણેક હેરિટેજ વૉક યોજાશે. આ કાર્યક્રમમાં માણેક બુર્જથી શરૂ કરી માણેક ચોક સુધીના વિસ્તારમાં અમદાવાદના ઇતિહાસથી લઈને આધુનિકતાની સફરની માહિતી આપવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી અમદાવાદના પોળમાં આવેલી વિવિધ જગ્યાઓને સાંકળીને એક હેરિટેજ ટ્રેઝર હન્ટ યોજાશે. સાંજે 7થી 10 દરમિયાન કવિ દલપતરામ ચોક જેવી જગ્યાઓમાં ગુજરાતભરમાંથી આવતા પ્રતિભાશાળી કવિઓ દ્વારા કવિતા તથા ગઝલ પઠનનો કાર્યક્રમ યોજાશે. 24મી નવેમ્બરે સવારે 8.00 વાગ્યે અમદાવાદના ઐતિહાસિક વારસાની સાથે અમદાવાદના ફૂડની માહિતી આપતી હેરિટેજ ફૂડ વૉક યોજાશે. બપોરે 3.00થી 5.00 દરમિયાન લખોટી, ભમરડા, ગીલીડંડા, છાપ, સતોડિયા, નદીપર્વત,થપ્પો, ઉભીખો, બેઠી ખો, દોરડા કૂદ ખુચાણણી જેવી વિવિધ રમતો રમાડાશે. સાંજે 8 કલાકથી અમદાવાદના હેરિટેજ વારસાને ધ્યાનમાં રાખીને જાણીતા લોક કલાકારો દ્વારા એક ડાયરો યોજાશે.