in ,

મુખ્યમંત્રી રૂપાણીએ પહિંદ વિધી કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ નીકળીયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી કરીને ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો. રથયાત્રાનો આરંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમીછાંટણા થયા છે ભગવાનની કૃપા વરસી રહી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો હતો. રથયાત્રા શરૂ  થાય તે અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી. અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 28 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી. ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રસ્તાને સાફ કરીને ભગવાનને રાજમાર્ગ માટે શરૂઆત કરાવી છે. આજે ભગવાન સમગ્ર નગરમાં ફરશે, અને રાત્રે મંદિરમાં પાછા ફરશે. ગઈકાલે રાત્રે અમી છાંટણા પણ થયા હતા. ભગવાનની કૃપા વરસી રહી છે. મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા આનંદમય વાતાવરણમાં ઉત્સાહપૂર્વક શરૂ કરી છે. ભગવાને પણ અમી છાંટણા વરસાવી શોભાયાત્રાને આર્શીવાદ આપ્યા છે. અમે બધાએ દર્શન કર્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રથયાત્રામાં દેશ ભક્તિના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

RSSની બદનક્ષીનો કેસ: કોર્ટમાં રજૂ થયા રાહુલ ગાંધી, મળ્યા આગોતરા જામીન