in , , , ,

કરાચીના પૂર્વ મેયરે ખોલી ઈમરાનખાન અને પાકિસ્તાની સેનાની પોલ, 90% લોકોને ગણાવ્યા જાહિલ

  • આઈએસઆઈને કારણે પીએમ
  • ઓઝડી કેમ્પની ઘટના
  • આઈનામાં ચહેરો જોવે ઈમરાન
  • 90 ટકા પાકિસ્તાનીઓ જાહિલ

પાકિસ્તાનના કરાચી શહેરના ભૂતપૂર્વ મેયર આરિફ અજાકીયાનો એક વીડિયો તાજેતરના દિવસોમાં સોશયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થયો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે. સોશયલ મીડિયા અને યૂટ્યૂબ પર રહેલા તેમના વીડિયોને ઘણો જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભારતીયો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. સોશયલ મીડિયા પર રહેલા તેમના વીડિયોઝમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને આઈનો દેખાડવાની કોશિશ કરવામાં આવી છે. ત્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને તેમના કામના વખાણ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ વખાણ કર્યા છે. તેમણે દશેરા પર ટ્વિટ કરીને તમામને વિજયાદશમીની શુભેચ્છાઓ પણ આપી હતી. પોતાના એક વીડિયોમાં તેમણે સેનાના એ શખ્સના નામનો ખુલાસો કર્યો છે કે જેના કારણે આજે ઈમરાનખાન વડાપ્રધાન પદે છે. આ નામ જનરલ ફૈઝ હામિદનું છે. કેટલાક મહીનાઓ પહેલા જ તેને ઈમરાનખાને આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ બનાવીને તેમના કામનું ઈનામ પણ આપ્યું હતું. ઈમરાનખાનને વડાપ્રધાન બનાવવામાં આ શખ્સની મહત્વની ભૂમિકા રહેલી છે.

ઈમરાન આઈએસઆઈને કારણે પીએમ

તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં આઈએસઆઈ એક રાજકીય જમાત છે, જ્યાંથી વડાપ્રધાન બનવાનો માર્ગ પસાર થાય છે. તેમણે પોતાના વીડિયોમાં આઈએસઆઈ અને ભારતીય ગુપ્તચર સંસ્થા રૉની સરખામણી કરતા ત્યાં સુધી કહી દીધું છે કે આઈએસઆઈને મળવનારા અને ખર્ચ થનારા ફંડની કોઈ જાણકારી કોઈને હોતી નથી. ન તો કોઈ આવી જાણકારી મેળવવાની કોઈ હિંમત એકઠી કરી શકે છે. તેની જવાબદારી કોઈની નથી. આ રાજકીય ફાયદા માટે બેગુનાહોના હાથમાં હથિયાર આપીને તેમને આતંકી બનાવે છે, પછી અમેરિકામાંથી તેમના નામે ડોલર લે છે અને તેમને અમેરિકાને સોંપી દે છે. અફઘાન યુદ્ધમાં પણ આ થયું અને હાલ પણ આ થઈ રહ્યુ છે. રૉની વાત કરીએ તો તે ન તો કોઈ રાજકારણ માટે કામ કરે છે અને તેની જવાબદેહી ત્યાંની સરકાર અને સેના માટે હોય છે. રૉ પોતાના અથવા રાજકીય ફાયદા માટે કામ કરતી નથી, જેવું કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ કરે છે.

ઓઝડી કેમ્પની ઘટના

એક વીડિયોમાં તેમણે રાવલિપંડીમાં થયેલી ઓઝડી કેમ્પની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેના પ્રમાણે અહીં પાકિસ્તાને ચોરી કરવામાં આવેલા અમેરિકાના હથિયારોને રાખ્યા હતા. પરંતુ જ્યારે અમેરિકાને તેની જાણકારી મળી, તો તેણે 1987માં આ કેમ્પમાં આગ લગાડાવી દીધી અને તેને તબાહ કરાવી દીધો. આ દુર્ઘટનામાં ત્રણસો લોકો માર્યા ગયા હતા. જેમાથી એક પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહીદ ખક્કાન અબ્બાસીના પિતા પણ હતા. તેઓ ભૂતપૂર્વ સેનેટર પણ રહી ચુક્યા હતા. આઈએસઆઈને પાકિસ્તાનમાં નંબર વન રાજકીય જમાતનો દરજ્જો મળેલો છે. એમક્યૂએમના એક સેનેટરે આનો ઉલ્લેખ યુરોપિયન પાર્લામેન્ટમાં પણ કર્યો હતો.

ભારતની પ્રશંસા

તેમણે પોતાના વીડિયોમાં ભારતને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે વખાણ્યું છે, જ્યારે પાકિસ્તાનને કટ્ટરપંથી ઈસ્લામિક રાષ્ટ્રની છબીને લઈને કોસ્યું પણ છે. તેમનું કહેવું છે કે ભારતમાં જે લઘુમત છે, તેમને ત્યાં સમાન અધિકાર મળેલા છે. જ્યારે પાકિસ્તાનમાં બિનઈસ્લામિક સમુદાયોને કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, તેમને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓને ઘણાં પ્રકારના અત્યાચારોનો સામનો કરવો પડે છે. પાકિસ્તાની સેના અને સરકારની સરપરસ્તીમાં લઘુમતી સમુદાયની મહિલાઓ અને બાળકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને તેમને બાદમાં મારી નાખવામાં આવે છે.

આઈનામાં ચહેરો જોવે ઈમરાન

આ વીડિયોમાં કરાચીના પૂર્વ મેયરે કહ્યુ છેકે જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોટા ઠેરવવાની કોશિશમાં લાગેલા છે, તેમણે એકવાર પોતાની અંદર ઝાંકવું જોઈએ. ભારતમાં જેટલા અધિકાર ત્યાંની લઘુમતીઓને આપવામાં આવ્યા છે, તેટલા તો પાકિસ્તાનમાં વિચારી પણ શકાય તેમ નથી. તો મોદીના રાજમાં હિંદુઓને ફરીથી માથું ઉંચકવાનો મોકો મળ્યો છે. તેમના પ્રમાણે, મોબ લિંચિંગની કેટલીક ઘટનાઓને ન તો ભારતની સરકાર યોગ્ય ગણાવે છે અને ન તો તેનો સભ્ય સમાજ તેને સાચી ગણાવે છે. પરંતુ આવા પ્રકારની ઘટનાઓથી ભારત સરકારને ખોટી ઠેરવવાની કોશિશ કરી શકાય નહીં.

90 ટકા પાકિસ્તાનીઓ જાહિલ

આરિફનું કહેવું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરીને ભારતની બુરાઈઓ કરતા ફરે છે, પરંતુ તેમણે જરા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બલૂચિસ્તાનના સંસાધનો પર કબજો કરવાની કોશિશમાં આ લોકો ત્યાંના લોકોની કત્લેઆમ કરી રહ્યા છે. આ એ માનસિકતા હેઠળ ચાલી રહયું છે કે ક્યારેક પૂર્વ પાકિસ્તાન અને આઝના બાંગ્લાદેશમાં ટીક્કાખાનની હતી. ટીક્કા ખાને કહ્યુ હતુ કે તેમને જમીન જોઈએ બંગાળી નહીં. ટીક્કા ખાનના રાજમાં હજારો બાંગ્લાદેશીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે ભારતને કારણે આજે બાંગ્લાદેશ પ્રગતિના પંથે છે. તેની કરન્સી પાકિસ્તાનથી સારી સ્થિતિમાં છે. તેમનો એક્સપોર્ટ પણ સારો છે. તેમની ક્રિકેટ ટીમ પણ સારી છે. પરંતુ જ્યાં સુધી ત્યાં પાકિસ્તાની આર્મી હતી, ત્યાં સુધી બાંગ્લાદેશ એક પછાત દેશ હતો. જ્યાંથી નાણાં વ્હોરીને પાકિસ્તાનના પંજાબમાં લાવવામાં આવતા હતા.કરાચીના ભૂતપૂર્વ મેયરના કહેવા પ્રમાણે, પાકિસ્તાની આર્મીએ બાંગ્લાદેશીઓને દાણા-દાણા માટે મોહતાજ કરી દીધા હતા. તેમમે એક વીડિયોમાં વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે તેઓ બલૂચિસ્તાનના લોકો માટે પણ નીતિ બનાવે. તેમણે ત્યાં સુધી કહ્યુ છે કે પાકિસ્તાનમાં 90 ટકા લોકો જાહિલ છે, જે વગર વિચાર્યે મૌલવીઓની વાતો પર વાહ-વાહ કરવા લાગે છે.

પાકિસ્તાની આર્મીનો નફો

પાકિસ્તાનની પોલ ખોલતા તેમણે કહ્યુ છે કે કરાચી જેવા શહેરમાં પાણી માફિયા જબરદસ્ત રીતે ફાલી-ફૂલી રહ્યા છે પાઈપલાઈન દ્વારા જો પાણી આપવામાં આવશે, તો નફો ઓછો થશે. તેના માટે પાણીની સપ્લાય ટેન્કરોથી કરાઈ રહી છે. કરાચીના દરેક વ્યાવસાયિક કામમાં સેનાનો હિસ્સો છે. તેમના પ્રમાણે પાકિસ્તાનમાં માત્ર કરાચી જ નહીં, દરેક નાની-મોટી જગ્યાના આવા જ હાલ છે. આરિફ અજાકીયાનું કહેવું છે કે તેમના ઉપર ભારત સમર્થક હોવા અથવા ગદ્દાર હોવાનો થપ્પો લાગી ચુક્યો છે. માટે તેમને હવે કોઈ ખોફ રહ્યો નથી. મહત્વપૂર્ણ છે કે આરિફ પાકિસ્તાનમાં માનવાધિકારવાદી કાર્યકર્તા છે. તેમણે આઈએસઆઈની પોલ ખોલતા ત્યાં સુધી કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્રના વિભિન્ન સંમેલનોમાં જે ભારતની બુરાઈ કરવાના નામ પર કાશ્મીરથી સંગઠન આવે છે, તે આઈએસઆઈના ચિંધેલા કામ કરે છે. જ્યારે તેમની પાછળ બે-ચાર કાશ્મીરીઓને છોડીને ભારત સામે સૂત્રોચ્ચાર કરતી ભીડ પાકિસ્તાનીઓની હોય છે, તેમને નાણાં આપીને આમ કરાવવા માટે મોકલવામાં આવે છે. એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનનો સૌથી મોટો ફરક પણ અહીં સમજમાં આવે છે. જે લોકો ભારતની વિરુદ્ધ બોલે છે, તે  પાછા ભારત જ ચાલ્યા જાય છે અને મજાથી રહે છે. તેમની સાથે કોઈ ગેરવર્તન થતું નથી. તે જો આમ કોઈ પાકિસ્તાની કરી દે તો તે પોતાના મુલ્ક પાછું જવાનું વિચારી પણ શકે નહીં. બંને દેશો વચ્ચે આ એક મૂળભૂત ફરક છે.

હિંદુઓનું ધર્માંતરણ

તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ કરીને તેમના લગ્ન કરાવવામાં આવે છે. પોલીસ પણ પીડિતોની મદદ માટે આગળ આવતી નથી. તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં મૌલવીઓ સાથે પંગો લેવો ઘણો મોંઘો સાબિત થાય છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં સૌથી નીચલા સ્તરે નોકરીઓ માટે, તેમના સફાઈકર્મી સામેલ છે, માત્ર બિનમુસ્લિમો માટે જ આ કામ નિર્ધારીત કરાયું છે. અહીં લઘુમતીઓને લઈને ઘેરી અને પહોળી ખાઈ છે. તેમના પ્રમાણે, પાકિસ્તાનમાં ઘણાં સ્થાનો પર કાદયાનિયો અથવા અહમદિયાઓને આવવાનું પણ પ્રતિબંધિત છે. તેમની સાથે કારાબોરની પણ મનાઈ ફરમાવાય છે.

પખ્તૂનોને ભૂલનો અહેસાસ

તેમના પ્રમાણે, ભારતમાં 2014માં પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ પખ્તૂનોને આ વાતનો અહેસાસ થયો કે પાકિસ્તાને 1945થી આજ સુધી તેમને માત્ર પોતાના ફાયદા માટે ઉપયોગમાં લીધા છે. તો હવે અફઘાનિસ્તાનમાં પખ્તૂનોનો દેખાવ બદલાય ગયો છે. ત્યાં હવે લોકો ક્રિકેટ રમી રહ્યા છે, દુનિયા તેમને માન્યતા આપી રહી છે. આ બધું પીએમ મોદીના આવ્યા બાદ થયું છે. તેમણે માત્ર દુનિયામાં ભારતની છબી જ નથી બદલી, પરંતુ અન્ય દેશોને પણ સુધારા તરફ લઈ ગયા છે.

ખોલી પાકિસ્તાનની પોલ

આતંકવાદ પર પાકિસ્તાનની પોલ ખોલતા આરીફે ત્યાં સુધી કહી દીધું છે કે દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી ઘટના થશે, તો તેનો સંબંધ પાકિસ્તાન સાથે જરૂરથી હશે. તેનું કારણ છે કે આતંકવાદીઓ માટે પાકિસ્તાન પીએચડી કરવાની એકમાત્ર જગ્યા છે. અહીં તેમને દરેક પ્રકારની સહુલિયત આપવામાં આવે છે. ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં જઈને નમાજ પઢતા મુસ્લિમોને મારનારો પણ પાકિસ્તાન આવીને ગયો હતો. તેમના પ્રમાણે, પાકિસ્તાનની કોઈપણ મદરસામાંથી ઈસ્લામિક આતંકવાદનું શિક્ષણ આસાનીથી લઈ શકે છે. પાકિસ્તાને તમામ મદરસા આઈએસઆઈના મોનિટરિંગમાં આ કામ કરે છે. તેમના પ્રમાણે, લંડન અને ન્યૂઝીલેન્ડ જ નહીં, દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી ઘટનાઓ થાય છે, તો તેના તાર ક્યાંકને ક્યાંક પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આર્થિક મંદીને કારણે વૈશ્વિક સ્પર્ધા સૂચિમાં 10 ક્રમાંક નીચે સરક્યું ભારત, સિંગાપુર યાદીમાં પ્રથમ ક્રમાંકે

અમદાવાદમાં મોટરસાઈકલે અડફેટે લેતા બે જોડિયા બાળકોના મોત