in , ,

SCO સમિટ : પાકિસ્તાનને બાઈપાસ કરીને પીએમ મોદી કિર્ગિસ્તાન રવાના, આજે જિનપિંગને મળશે

નવી દિલ્હી  : અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં યોજાઈ રહેલી શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની શિખર બેઠકમાં ભાગ લેવા માટે રવના થયા છે. આ શિખર સંમેલનમાં પીએમ મોદી પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન વચ્ચે આમનો-સામનો તો થશે, પરંતુ બંને વચ્ચે દ્વિપક્ષીય મુલાકાતની કોઈ સંભાવના હાલના સંજોગોમાં દેખાઈ રહી નથી.

પીએમ મોદીએ કિર્ગિસ્તાન જવા માટે પાકિસ્તાનના સ્થાને ઓમાનનો હવાઈ માર્ગ પસંદ કરીને શિખ સંમેલન પહેલા પાકિસ્તાનને આકરો સંદેશો આપવાની કોશિશ કરી છે.

એસસીઓની 19મી શિખર સમિટ 13-1 જૂનના રોજ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પણ આ સમિટમાં સામેલ થવાના છે. એસસીઓ ચીનના નેતૃત્વવાળું આઠ સદસ્ય દેશોનું આર્થિક અને સુરક્ષા જૂથ છે. તેના સંસ્થાપક સદસ્યોમાં ચીન, રશિયા, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજબેકિસ્તાન છે. ભારત અને પાકિસ્તાનને 2017માં એસસીઓની પૂર્ણ સદસ્યતા આપવામાં આવી હતી.

આ સપ્તાહે એસસીઓ શિખર સંમેલન પહેલો મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ હશે, જેમાં ફરીથી વડાપ્રધાન બન્યા બાદ મોદી સામેલ થશે. તેઓ શિખર સંમેલનથી અલગ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન સાથે મુલાકાત કરશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે ચીને કહ્યું છે કે આ શિખર સંમેલનનો ઉદેશ્ય કોઈ દેશને નિશાન બનાવવાનો નથી. એસસીઓ શિખર સંમેલનમાં સુરક્ષા અને અર્થવ્યવસ્થા સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેની સાથે આતંકવાદના મુકાબલા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે એસસીઓના બે મુખ્ય ઉદેશ્ય સુરક્ષા અને વિકાસ છે.

શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની છે. માનવામાં આવે છે કે મોદી અને જિનપિંગ વ્યાપાર અને રોકાણના મુદ્દાઓ પર વાતચીત કરશે અને તેને આગળ વધારવા પર ભાર મૂકશે. ચીને સંકેત આપ્યા છે કે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપાર સંરક્ષણ અને એકતરફી રીતે ટેરિફને હથિયાર બનાવવાની વિરુદ્ધ એક સંયુક્ત મોરચો બનાવવા પર ભાર મૂકે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે ચીન અને અમેરિકા વચ્ચે ગત વર્ષથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. અમેરિકાએ ચીની ટેલિકોમ કંપની હુવેઈની સામે પ્રતિબંધ લગાવ્યો છે.

ચીનના અધિકારીઓને આશા છે કે અમેરિકા ભારતને આપવામાં આવેલા જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સિસ એટલે કે જીએસપીને સમાપ્ત કરવા જઈ રહ્યું છે. તેવામાં ભારત ટ્રમ્પની સામે આ મોરચામાં સામેલ થાય તેવી શક્યતા છે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે પણ મુલાકાત કરવાના છે. તે વખતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સિવાય અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાને ડોલરમાં ચુકવણી કરવામાં આવી રહેલી અડચણો પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

મહત્વપૂર્ણ છે કે ભારતે રશિયા સાથે ઘણાં સંરક્ષણ સોદા કર્યા છે. પરંતુ તેના માટે ધન ચુકવવામાં અડચણો આવી રહી છે. આ સિવાય અમેરિકા ભારતને રશિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના સ્થાન પર પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે દબાણ બનાવી રહ્યું છે.

ભારતે પીએમ મોદીના બિશ્કેક પ્રવાસ માટે તેમનું વિમાન પાકિસ્તાન ઉપરથી નહીં લઈ જવાનો નિર્ણય કરીને તેને એકરો સંદેશો આપવાની કોશિશ કરી છે. ભારતે આવું ત્યારે કર્યું છે કે જ્યારે પાકિસ્તાને કહ્યું હતું કે પીએમ મોદીના વીવીઆઈપી વિમાન માટે પોતાના એરસ્પેસને વિશેષરૂપે ખોલશે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પણ બિશ્કેકમાં એસસીઓના સંમેલનમાં ભાગ લઈ રહ્યઆ છે. ત્યારે અટકળો હતી કે તેઓ અને મોદી સંમેલનથી અલગ મુલાકાત કરે તેવી શક્યતા છે. જો કે ભારતે આવી અટકળોને રદિયો આપ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે બંને નેતાઓની વચ્ચે આવી કોઈ બેઠક નિર્ધારીત થઈ નથી. ભારતે ઈમરના ખાન દ્વારા કરવામાં આવેલી અપીલને ઠુકરાવી દીધી હતી. જેમાં ઈમરાનખાને વાતચીત દ્વારા મામલાઓના ઉકેલવાની વાત કહી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં ફરીથી કહ્યું છે કે આતંક અને વાતચીત સાથેસાથે ચાલી શકે નહીં. મહત્વપૂર્ણ છે કે પુલવામા એટેક બાદ દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ છે. પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ પોતાના હવાઈ ક્ષેત્રને સંપૂર્ણપણે બંધ કર્યું હતું. જો કે બે હવાઈ ક્ષેત્ર તેણે બાદમાં ખોલ્યા હતા અને બાકીના નવ હવાઈ ક્ષેત્ર મામલે નિર્ણય લેવાનો બાકી છે.

એસસીઓ શિખર સંમેલન એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે રશિયા અને ચીન વચ્ચે ઘનિષ્ઠતા ઘણી વધી રહી છે. જ્યારે ભારત આ બંને દેશોના ઘોર વિરોધી દેશ અમેરિકા સાથે પોતાના સંબંધોને પ્રગાઢ બનાવી રહ્યું છે. રશિયાએ ભારતને એસસીઓમાં એઠલા માટે સામેલ કરવા પર ભાર મૂક્યો હતો કે જેથી ચીનને સંતુલિત કરી શકાય. પરંતુ 2014 બાદ આ ક્ષેત્રમાં ભૂરાજકીય સમીકરણ ઘણાં બદલાઈ ચુક્યા છે. ભારત મધ્ય એશિયામાં ચીનને સંતુલિત કરવા માટે મોટી ભૂમિકા નિભાવી શકે છે. જે પોતાની બેલ્ટ એન્ડ રોડ યોજના દ્વારા આ વિસ્તારમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે.

રશિયન અખબાર કોમ્મેરસંત પ્રમાણે, મધ્ય એશિયાના દેશો પણ ચાહે છે કે ભારત આ વિસ્તારમાં મોટી ભૂમિકા નિભાવે. જો કે ભારતે આના પહેલા પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવી પડશે. ભારતનો મધ્ય એશિયા અને રશિયા સાથેનો વ્યાપાર બેહદ ઓછો છે. જ્યારે ચીન સાથે આ દેશોનો કારોબાર અબજો ડોલરનો છે. ઓઈલ અને ગેસથી સમૃદ્ધ આ દેશોની સાથે વેપારમાં ભારતને સંપર્કની મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. મધ્ય એશિયામાં દુનિયાની  42 ટકા વસ્તી વસવાટ કરે છે અને ભારત માટે તે એક મોકો હોઈ શકે છે. ભારતે મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનને જોડવા માટે ઈરાનના ચાબહાર પોર્ટમાં ઘણું રોકાણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુ વાવાઝોડુ પોરબંદર નજીકથી થશે પસારઃ પવન સાથે ભારે વરસાદની આગાહી

વાયુ વાવાઝોડાની અસરઃ દરિયાએ રોદ્રસ્વરૂપ ધારણ કરતા ઉછળ્યાં ઉંચા મોજા