revoinews

સંવિધાન: જાહેર હિતની અરજી

મિતેષ એમ. સોલંકી

વર્ષ-1960માં અમેરિકામાં જાહેર હિતની અરજીનો વિચાર ઉદભવ્યો તેમજ વિકાસ પામ્યો. અમેરિકામાં મુખ્યત્વે PILનો ઉપયોગ ગરીબ, પર્યાવરણવિદ, ગ્રાહક, જાતિય લઘુમતી વગેરેને ન્યાય અપાવવા માટે કરવામાં આવતો હતો.

ભારતમાં PILનો જન્મ

ડિસેમ્બર-1979માં કપિલા હિંગોરાણીએ બિહાર જેલમાં રાખવામાં આવેલ કેદીઓની ખરાબ પરિસ્થિતિ વિષે એક પિટિશન દાખલ કરી. આ પિટિશન પર જેલના કેદીઓએ સહી કરી અને સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ પી.એન.ભગવતીની સામે રજૂ કરવામાં આવી. આ પિટિશન સુપ્રિમ કોર્ટમાં હુસૈનઆરા ખાતૂનના નામે દાખલ કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે ઉપરોક્ત પિટિશનના જવાબમાં કહ્યું કે કેદીઓને મફત કાયદાકીય સહાય અને ઝડપી ન્યાયિક પ્રક્રિયા દ્વારા ન્યાય મળવો જોઈએ. કેસના અંતે 40,000 કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને ત્યાર પછી સુપ્રિમ કોર્ટમાં આ પ્રકારના કેસની સંખ્યામાં સતત વધારો થતો ગયો. એસ.પી. ગુપ્તા વી. ભારત સંઘના કેસમાં સુપ્રિમ કોર્ટે સૌપ્રથમવાર “જાહેર હિતની અરજી”ને ભારતીય પરિપેક્ષમાં વ્યાખ્યાયિત કરી.

તેથી ભારતમાં PILનો જન્મ સુપ્રિમ કોર્ટની ન્યાયિક સક્રિયતામાંથી થયો એમ કહી શકાય. ભારતમાં PILનો જન્મ 1980ના દશકમાં થયો. જસ્ટિસ વી. એસ. કૃષ્ણા ઐયર અને જસ્ટિસ પી.એન.ભગવતીને ભારતમાં PILના સ્થાપક માનવામાં આવે છે.

PILને SAL (Social Action Litigation), SIL (Social Interest Litigation) અને CAL (Class Action Litigation) જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.

PILનો અર્થ

કાયદા અનુસાર એ જ વ્યક્તિ અદાલતમાં જઈને ન્યાય માંગી શકે જે વ્યક્તિના અધિકારનો ભંગ થતો હોય – locus standi પરંતુ PIL આ પરંપરાગત નિયમનો ભંગ કરતો એક વિકલ્પ છે. PIL દ્વારા સામાન્ય વ્યક્તિ અથવા કોઈ સામાજિક કાર્ય કરતી કોઈ સંસ્થા પણ તે લોકો / લોકોના સમૂહ માટે અદાલતમાં જઈ શકે છે જેમના અધિકારોનો ભંગ થતો હોય છે. અહીં ખાસ યાદ રાખવું કે સુપ્રિમ કોર્ટે PILની વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે “PIL એક કાયદાકીય પ્રક્રિયા છે જે જાહેર હિત/ સામાન્ય જનહિત / કોઈ સમુદાયના અધિકારોનો ભંગ થતો હોય તેના રક્ષણ માટે શરૂ કરવામાં આવે છે.”

PIL દેશમાં કાયદાના શાસનને જાળવી રાખવા માટે, બંધારણીય ધ્યેયને સાર્થક કરવા માટે અને ન્યાય મેળવવા માટે ઉપયોગી વિકલ્પ છે. બીજા શબ્દોમાં કહીએ તો PILના મુખ્ય ધ્યેય નીચે મુજબ છે.

 • કાયદાનું શાસન જાળવી રાખવા માટે.
 • સામાજિક અને આર્થિક રીતે સમાજના નબળા વર્ગને અસરકારક રીતે ન્યાય મળી રહે.
 • મૂળભૂત અધિકારોને ખરા અર્થમાં નાગરિક સુધી પહોંચાડવા

PILના લક્ષણો

 • માનવતાની દ્રષ્ટિએ ગરીબ વર્ગમાં આવતા સમુદાયોને ન્યાય મળી રહે તે માટે PIL એક વ્યૂહાત્મક અને કાયદાકીય વિકલ્પ છે.
 • PIL એક વ્યક્તિના અધિકાર સામે બીજા વ્યક્તિના અધિકારને સાબિત કરવા માટે નથી પરંતુ જાહેર હિતના રક્ષણ માટે લાગુ કરવામાં આવતો એક કાયદાકીય વિકલ્પ છે.
 • ગરીબ, અવગણવામાં આવતા તેમજ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયના બંધારણીય તેમજ કાયદાકીય અધિકારોના ભંગ સામે રક્ષણ આપતો વિકલ્પ છે.
 • જાહેર હિતને થતું નુકશાન અટકાવવા, જાહેર જવાબદારીને લાગુ કરવા, સામાજિક સુરક્ષા કરવા માટે PIL એક ઉપયોગી વિકલ્પ છે.

PILનું સત્તાક્ષેત્ર

વર્ષ-1998માં સુપ્રિમ કોર્ટે PIL અંગે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેમાં વર્ષ-2003માં કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત માર્ગદર્શિકા અંતર્ગત નીચેની બાબતોનો સમાવેશ PILમાં કરવામાં આવે છે.

 • બંધાયેલ શ્રમિકની બાબતો
 • અવગણવામાં આવતા બાળકો
 • ન્યૂનતમ મહેનતાણું ન ચૂકવવા બાબત તેમજ મજૂર કાયદાના ભંગની ફરિયાદો
 • કારાવાસમાં થતી હેરાનગતિ, 14 વર્ષ જેલમાં થઈ ગયા હોય તેવા કેદીઓ, જેલમાં રાખવામાં આવતી હોય તે પરિસ્થિતી, જેલમાં થતાં કેદીના મૃત્યુની બાબતો તેમજ ઝડપી ન્યાયમાં વિલંબ જેવી બાબતો.
 • ફરિયાદ ન નોંધવા બાબત અને પોલીસ દ્વારા કરવામાં આવતી પજવણી સંબંધિત ફરિયાદ
 • મહિલા સામે કરવામાં આવતો અત્યાચાર ખાસ કરીને મહિલાને સળગાવી દેવી, બળાત્કાર, અપહરણ જેવી બાબતો
 • SC, ST તેમજ OBC સમાજના વ્યક્તિને ગામના બીજા લોકો દ્વારા અથવા પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બાબત
 • પર્યાવરણ સંબંધિત પ્રદૂષણ, જૈવ તંત્રમાં અવરોધ, નશીલા પદાર્થ, ખોરાકમાં ભેળસેળ, સાંસ્કૃતિક વારસા સંબંધિત ઇમારતોના રક્ષણ, ઐતિહાસિક વસ્તુઓના રક્ષણ, જંગલો, જંગલી પ્રાણીઓ વગેરે સંબંધિત બાબતો
 • હિંસા/તોફાન/રમખાણનો ભોગ બનેલ વ્યક્તિ વિષે
 • કુટુંબના પેન્શન વિષેની બાબતો

PILના સિદ્ધાંતો

સુપ્રિમ કોર્ટે PIL સંબંધિત નીચેના સિદ્ધાંતો નક્કી કર્યા છે.

 • જે વ્યક્તિ અદાલતના દરવાજા નથી ખખડાવી શકતો અને પોતાના અધિકારો નથી ભોગવી શકતો તે વ્યક્તિના અધિકાર માટે અદાલત આર્ટીકલ-32 અને આર્ટીકલ-226 અંતર્ગત કરવામાં આવેલ ફરિયાદને સ્વીકારીને ન્યાય કરી શકે છે.
 • જ્યારે જાહેર મહત્વની બાબત હોય, કોઈ સમુદાયના મૂળભૂત અધિકારને લાગુ કરવાની બાબત હોય અથવા રાજ્યની બંધારણીય જવાબદારીઓ લાગુ કરવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે એક સાદી ટપાલ અથવા ટેલિગ્રામ પણ PIL તરીકે સ્વીકારી શકાય છે.
 • જ્યારે મૂળભૂત અથવા માનવ અધિકારના મોટા પાયે ભંગ થવાની બાબત હોય ત્યારે અદાલત આર્ટીકલ-14 અને આર્ટીકલ-21ને આધાર બનાવીને દખલ કરી શકે છે અને ન્યાય પણ કરી શકે છે.
 • દરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે તેથી જો કોઈ વ્યક્તિ માત્ર કોર્ટમાં હાજર નથી તેથી તે ન્યાય મેળવવાનો અધિકારી નથી તે વાત સ્વીકારી ન શકાય. આ પરિસ્થિતીમાં ત્રાહિત વ્યક્તિ/બાબત માટે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ફરિયાદને પણ PIL તરીકે સ્વીકારીને ન્યાય કરી શકાય છે.