in , ,

અમદાવાદમાં 142મી રથયાત્રા: મામેરા બાદ ભગવાન જગન્નાથનું નિજ મંદિર તરફ પ્રસ્થાન

અમદાવાદઃ અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે. આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદ નગરચર્યાએ નીકળેલા જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમનો રથ એક હજાર ખલાસીઓ ખેંચી રહ્યા છે.

ભગવાન જગન્નાથને ‘નંદીઘોષ’ નામના રથમાં, બહેન સુભદ્રાને ‘કલ્પધ્વજ’ અને ભાઈ બલભદ્રને ‘તાલધ્વજ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે. CM વિજય રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે. જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું.

રથયાત્રા નિજ મંદિર પરત ફરી રહી હતી ત્યારે 45 મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકી ગઈ હતી. પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થઇ હતી. પોલીસ રથયાત્રાને જલ્દી દોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રાખી દેવાઈ હતી. મંદિર વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે સમજાવટમાં સમય બગડતા રથયાત્રા મોડી ચાલી રહી છે. હવે રથ કાલુપુર બ્રિજ પહોંચ્યા છે અને અખાડા દરિયાપુર પહોંચ્યા છે.

ભગવાનના રથનું મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભગવાન આસ્ટોડીયા ચકલા પહોંચ્યા હતા. ત્યાર બાદ ભગવાનના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય ભાઈ-બહેનનું મામેરું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભગવાન નિજ મંદિર તરફ રવાના થયા હતા. આ દરમિયાન પ્રેમ દરવાજાએ ઝરમર વરસાદ વરસ્યો હતો.

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહેલી અમદાવાદ પોલીસે ટ્વિટ કર્યું હતું કે, રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. અભૂતપૂર્વ સહકાર આપવા બદલ અમદાવાદીઓનો આભાર. જયહિન્દ

પ્રેમ દરવાજા, સરસપુર અને કાલુપુરમાં ચાલુ વરસાદમાં પણ રથયાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને છત્રી લઈને રથયાત્રા જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન અમુક ભક્તો પડતાં પડતાં રહી ગયા હતા.

142મી રથયાત્રાને પહિંદ વિધિ કરીને ભગવાનને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ બપોરે આ યાત્રા કયાં પહોંચી, તેના પહોંચવાનો નિર્ધારીત સમય, સ્થિતિ અને સમગ્ર રૂટનું વિશ્લેષણ સી.એમ. ડેશબોર્ડની અદ્યતન કમાન્ડ કંટ્રોલ વોલ દ્વારા કર્યુ હતું. મુખ્યમંત્રીએ ધાબા પોઇન્ટ, રથ, ભજન મંડળીઓ પર ફોકસ કરાવી ઝૂમ કરાવીને તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અંદાજે 19 કિ.મી.ના સમગ્ર રથયાત્રા રૂટ ઉપર શહેર પોલીસ, રાજ્ય સરકાર અને મહાપાલિકાએ સંકલનમાં રહીને 45 સ્થળો પર 94 જેટલા હાઇડેન્સિટી કેમેરા ગોઠવ્યા છે. રથયાત્રાની પળેપળની માહિતી અને લોકેશન મળી રહે તે માટે સી.એમ. ડેશબોર્ડ સાથે ત્રિસ્તરીય મોનિટરિંગ કરવામાં આવ્યું છે. તેમાં પાલડી ખાતે અમદાવાદ મહાનગરપાલિકાનો કંટ્રોલ એન્ડ કમાન્ડ રૂમ, સરકીટ હાઉસ એનેક્ષી ખાતે રાજ્ય સરકાર–પોલીસનો કંટ્રોલરૂમ જોડાયેલા છે અને બધી જ માહિતી રિયલ ટાઇમ મોનિટરિંગથી મળે છે.

આ સિવાય રથયાત્રા તેમજ મંદિર-રથ વગેરેની સંપૂર્ણ ટેકનોલોજીકલ સુરક્ષા માટે ઇઝરાયેલ ટેકનોલોજીના એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ગોઠવી પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્તમાં લાગેલી છે અને 25 હજાર જેટલા પોલીસ-સુરક્ષાકર્મીઓ યાત્રા બંદોબસ્તમાં તૈનાત છે. જ્યારે રથ–ટ્રક વગેરે સાથે 2500 જેટલા સુરક્ષાકર્મીઓ સમગ્ર રૂટ દરમ્યાન પગપાળા ચાલતા બંદોબસ્તમાં છે અને સલામતિ જાળવે છે.

ગૃહમંત્રી બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે મંગળા આરતી કરી છે. આ વખતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીનો લ્હાવો લેવા આવ્યા હતા. મંદિર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અને મંગળા આરતી થતાં જ મેઘારાજાએ પણ પોતાની હાજરી નોંધાવી હોય તેમ અમીછાંટણા પડ્યા હતા. રથયાત્રામાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાયા. જાંબુ, ફણગાવેલા મગ સહિતનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

રથયાત્રાને લીધે બીઆરટીએસના ઝુંડાલ સર્કલથી નારોલ, નરોડા ગામતી ઇસ્કોન ચાર રસ્તા, ઓઢવથી એલડી એન્જી. કોલેજ, નરોડા ગામથી વાસણા, આરટીઓ સરક્યુલર, આરટીઓ એન્ટીસરક્યુલર રૂટ બંધ કરવામાં આવ્યા છે. એએમટીએસની 300થી વધુ બસનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાંથી ચાલુ વર્ષે ડીસીપીથી નીચેના તમામ પોલીસ અધિકારીઓની ગાડીઓ નહીં જોડાય. આમ કરવા પાછળના મુખ્ય બે કારણ એ છે કે પોલીસની લગભગ 40 થી 50 ગાડીઓ યાત્રાની સાથે નહીં જોડાવાથી યાત્રાની લંબાઈ લગભગ 400 થી 500 મીટર ટૂંકી થઇ જશે. તે સાથે તે તમામ ગાડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ડીપ પોઈન્ટ વાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે. રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની સાથે તેમની ગાડીઓ પણ જોડાય છે. ચાલુ વર્ષે રથયાત્રાના બંદોબસ્તમાંથી 40 થી 50 ગાડીઓ ઓછી કરાઈ છે. અને તે ડીપ પોઈન્ટ વાળા રોડ ઉપર પેટ્રોલિંગ કરશે.

રથયાત્રા સાથે ભૂતકાળમાં શહેરમાં ફાટી નીકળેલા રમખાણોની પણ યાદ આવી જાય છે. 1946થી 1992 શહેર ચાર વાર રમખાણોની આગમાં સપડાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાણી પીવાની સાચી રીતઃ દિવસ ભરમાં કઈ રીતે અને કેટલું પાણી પીવું

ભાજપના “બેટ્સમેન” આકાશ વિજયવર્ગીયને નોટિસ, પીએમ મોદીએ વ્યક્ત કરી હતી નારાજગી