in , ,

કાંકરેજ: સામાજીક અને શૈક્ષણિક ઉત્થાનના કાર્યો માટે અવિરત પ્રવૃત અમૃતભાઇ આલ, વાંચો તેમના જીવન વિશે

  • “માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના સૂત્રને વાસ્તવિક જીવનમાં સાર્થક કરનાર શિક્ષણપ્રેમી અમૃતભાઇ આલ
  • કાંકરેજ તાલુકાના પછાત વિસ્તારના ઉત્થાન માટે તેમનું નોંધપાત્ર યોગદાન
  • કાંકરેજ તાલુકાના તમામ ગામોની સ્કૂલોમાં પુસ્તકોનું કર્યું વિનામૂલ્યે વિતરણ
  • સમાજસેવાના ઉદ્દેશ સાથે નાયબ મામલતદારના પદેથી લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

સંકેત મહેતા

“વર્તમાન સમયમાં લોકો સમાજની વ્યાખ્યા સીમિત રીતે કરે છે. લોકો અનુસાર સમાજ એટલે પોતાની જ જ્ઞાતિ કે સમુદાયના લોકો. જો કે સમાજ એટલે સમગ્ર માનવ સમાજ. દરેક જ્ઞાતિ, સમુદાયના લોકો એટલે સમાજ. સમાજમાં કોઇ નાત-જાતનો ભેદ ના હોય તે જ ખરા અર્થમાં સમાજ કહેવાય.” આ શબ્દો છે બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના શિક્ષણપ્રેમી અને સમાજ સેવક અમૃતભાઇ આલના. સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે હરહંમેશ કાર્યરત રહેતા અમૃતભાઇનું કાંકરેજ તાલુકાના પછાત વિસ્તારોમાં યોગદાન વિશેષ રીતે નોંધપાત્ર કહી શકાય.

કહેવાય છે કે સમગ્ર માનવજાતિ કે સમાજના ઉત્થાન માટે શિક્ષણ એ મહત્વનો પાયો છે અને મૂળભૂત આવશ્યકતા પણ છે. આ જ પાયાને વધુ મજબૂત બનાવીને સમાજને ઉન્નત કક્ષાએ પહોંચાડવા માટે અમૃતભાઇ આલ એ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલું છે. અતિ પછાત વિસ્તારમાં આવતા કાંકરેજ તાલુકામાં સમાજના અને વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કંઇક ખૂંટે છે તેવી લાગણીએ જ અમૃતભાઇને આ પછાત વિસ્તારની ઉન્નતિ, ઉત્કર્ષ અને ઉત્થાન કરવા માટે પ્રેરિત કર્યા છે.

શૈક્ષણિક ક્ષેત્રે નિ:સ્વાર્થ યોગદાન

છેલ્લા 15 વર્ષથી અનેક સામાજીક સંગઠનો તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત એવા શિક્ષણપ્રેમી અમૃતભાઇ આલ કાંકરેજ તાલુકાની તમામ શાળાઓમાં વિનામૂલ્યે પુસ્તકોનું તેમજ સ્ટેશનરીનું વિતરણ કરીને તાલુકાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉપર લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. વર્ષ 2006થી અત્યારસુધી અમૃતભાઇએ કાંકરેજ તાલુકાની 45 જેટલી કૉલેજ, હાઇસ્કૂલ, સ્કૂલમાં ભણતા તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પુસ્તકનું વિતરણ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી કાંકરેજ તાલુકાનો ભાગ્યે જ કોઇ વિદ્યાર્થી હશે જે તેમને આપેલા પુસ્તકો કે સ્ટેશનરી વગર ભણ્યો હોય.   

શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પુસ્તક અને સ્ટેશનરી વિતરણ ઉપરાંત તાલુકાની કોઇપણ શાળાઓમાં નાની મોટી સમસ્યાઓને વાચા આપવી જેમ કે પાણીની પરબ કે વોટર કૂલર બંધાવવું કે તેનો કોઇ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવવું, વાંચન માટે લાઇબ્રેરી નિર્માણ કે તેનું સમારકામ, પ્રાર્થના સભાનું નિર્માણ જેવા દરેક કાર્યોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. વિશેષ રીતે ઓગડ વિદ્યામંદિર (થરા)ના નવનિર્મિત બિલ્ડીંગના મુખ્ય દાતા તરીકે આર્થિક યોગદાન રહેલું છે. કોઇપણ શૈક્ષણિક સંસ્થાઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં પણ તેઓની કામગીરી વિશેષ રીતે નોંધપાત્ર રહી છે.

વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીઓની સમસ્યાનું કર્યું પ્રતિનિધિત્વ

કાંકરેજ તાલુકામાં કોઇપણ જ્ઞાતિનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહી જાય અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે આશયથી કાર્યરત અમૃતભાઇ તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન પણ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અમદાવાદ ખાતેના તેમના કોલેજ કાળ દરમિયાન તેઓએ નવગુજરાત કોલેજમાં વર્ગ પ્રતિનિધિ, નવગુજરાત કોર્મસ કોલેજમાં રમત-ગમત મંત્રી, બનાસકાંઠા સ્ટુડન્ટસ એસોસિએશન (અમદાવાદ)ના મહામંત્રી, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, નવગુજરાત લૉ કોલેજના મહામંત્રી રહીને શિક્ષણ ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તે ઉપરાંત તેઓ કાંકરેજ તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકેની પણ સેવા આપી રહ્યા છે. આમ વિદ્યાર્થીકાળથી જ તેઓમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો કે સમસ્યાનું નિરાકરણ લાવવાની ધગશ અને પ્રતિબદ્વતા રહેલી છે. વિદ્યાર્થીઓના સમસ્યાના નિરાકરણ માટેની તેમની પ્રતિબદ્વતાએ જ તેમને કાંકરેજ તાલુકામાં શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉત્થાન માટે દરેક જરૂરી મદદ કરી છૂટવાની પ્રેરણા આપી છે.

નાયબ મામલતદાર તરીકેનો કાર્યકાળ

કાંકરેજ તાલુકાના રાજપુર ગામના વતની એવા સમાજ સેવક અમૃતભાઇ આલ એ ગાંધીનગર ખાતે નાયબ મામલતદાર તરીકે પણ ફરજ બજાવેલ છે. ગુજરાત સરકારમાં ક્લાર્ક તરીકે કારકિર્દી શરૂ કરનાર અમૃતભાઇને વર્ષ 2002માં નાયબ મામલતદાર તરીકે બઢતી મળી અને વર્ષ 2020 સુધી રાજ્ય સરકારમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત રહ્યા. રાજ્ય સરકારશ્રીમાં પણ કાર્યરત રહેવા દરમિયાન તેમણે ગુજરાતના દરેક નાગરિકોના નાના-મોટા પ્રશ્નોને બને ત્યાં સુધી ન્યાય આપવાના સંપૂર્ણ પ્રયાસો કરીને પોતાની સમાજીક જવાબદારી પણ નિભાવી છે.

સામાન્યપણે લોકોમાં એવી વિચારસણી પ્રવર્તિત છે કે સરકારી તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે લોકો કામ નથી કરતા પરંતુ સરકારમાં નાયબ મામલતદાર તરીકેની તેમની ફરજ દરમિયાન આ વિચારસરણીથી વિપરીત અમૃતભાઇ આલ એ લોકોની દરેક સમસ્યા કે પ્રશ્નનું ત્વરિત નિરાકરણ કર્યું છે અને અરજદારોમાં પણ સંતોષ અને સકારાત્મકતાનો સંચાર કર્યો છે. એસોસિએશનમાં ગાંધીનગર જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળના મહામંત્રી તરીકેની જવાબદારી દરમિયાન તેમણે એસોસિએશન અને તેના સભ્યોની દરેક સમસ્યા ઉકેલવા હંમેશા સમર્પિત અને પ્રયત્નશીલ રહ્યા છે.

રાજ્ય સરકારમાં સેવાની સાથોસાથ સામાજીક ઉત્થાનના કાર્યોમાં સતત પ્રવૃત

રાજ્ય સરકારમાં સેવાની સાથોસાથ તેમણે બનાસકાંઠા તથા પાટણ જીલ્લા જેવા પછાત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી સામાજીક તેમજ શૈક્ષણિક ઉત્થાનના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સરકારમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવવાની સાથોસાથ સમગ્ર કાંકરેજ તાલુકાના દરેક સમાજ-વર્ગના લોકોમાં આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસ થાય તેવા કાર્યોમાં સતત પ્રવૃત રહ્યા છે.

સમાજસેવાના સંકલ્પ સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ

“સૌનો સાથ, સૌનો વિકાસ” સૂત્રને સાર્થક કરવાની નીતિ સાથે તમામ સમાજોને સાથે રાખીને સામાજીક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ઉત્થાનના પ્રયાસો માટે પ્રતિબદ્વ એવા અમૃતભાઇએ સરકારમાં તેમની 35 વર્ષની સેવા દરમિયાન સરકારી કામગીરીના અનુભવથી ઘણું શીખ્યું છે. જો કે હવે બાકીનું જીવન તેઓ જે કંઇ પણ શીખ્યા છે તેને સમાજની આવશ્યકતામાં ઉપયોગ કરી શકે તેમજ પોતાની સંપૂર્ણ શક્તિ સમાજ ઉપયોગી કાર્યોમાં લગાડી શકે તે ઉદ્દેશ અને સંકલ્પ સાથે અમૃતભાઇએ સરકારમાંથી 30 એપ્રિલ 2020ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.

સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ અમૃતભાઇએ સરકારનો આભાર માનતા કહ્યું હતું કે “સરકારે જે તેમને કામ કરવાનો મોકો આપ્યો તેમના તે આભારી છે અને સરકારમાં જ રહીને તેઓને સમાજ માટે અનેક કાર્યો કરવાનો અવસર સાંપડ્યો તેના પણ તેઓ સદાય આભારી રહેશે” .

અમૃતભાઇની સ્વૈચ્છિક નિવૃત્તિ પર ગુજરાત સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે.

સ્વૈચ્છિક નિવૃત્તિ પર રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પાઠવી શુભેચ્છા

તેઓની સ્વૈચ્છિક નિવૃત્તિ પર શુભકામના પાઠવતા શ્રી બિજલ શાહ, IAS ‘ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગાંધીનગર’  એ કહ્યું હતું કે “હું અંગત રીતે અમૃતભાઇ આલને એક મૈત્રીપૂર્ણ નાયબ મામલતદાર તરીકે ઓળખું છું, જે હરહંમેશ તેમના ઉપરી અધિકારી, સહકર્મચારીને મદદ કરવા માટે તત્પર રહે છે. ધીરજનો ગુણ ધરાવતા અમૃતભાઇના ચહેરા પર ક્યારેય તણાવ કે ગુસ્સાનો હાવભાવ જોવા નથી મળ્યો જે તેમની સમગ્ર ટીમને તણાવપૂર્ણ સ્થિતિમાં પણ જોશપૂર્વક કામ કરવા માટે પ્રેરિત કરે છે. તેમની સ્વૈચ્છિક નિવૃત્તિથી વિભાગને નુકસાન થશે પરંતુ તેનાથી સમાજને તેમની સેવાથી ઘણું બધું પ્રાપ્ત થશે, તેમને આગામી જીવનમાં પણ સફળતા મળે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ.”

શ્રી હેમાંગ પુરોહિત, નાયબ સચિવ ગુજરાત સરકાર, ગાંધીનગર એ પણ તેમને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, સ્નેહીશ્રી અમૃતભાઇ આલ તા.30-04-2020ના રોજ સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે. તેમના જીવનના આ મહત્વના પ્રસંગે નિવૃત્તિ બાદનું તેમનું જીવન પ્રવૃત્તિમય (હા, પ્રવૃત્તિમય), આરોગ્યપ્રદ, ખુશહાલ અને દિર્ઘાયુ નિવડે તેમ હું ઇશ્વરને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું. શ્રી અમૃતભાઇ આલની નિવૃત્તિ બાદનું જીવન તેમના પરિવાર સાથે વિશ્વની તમામ ખુશીઓની પ્રાપ્તિસહ, તંદુરસ્ત અને પ્રવૃત્તિમય વિતે, તેઓ દિર્ઘાયુ ભોગવે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.”

શ્રી વી એન ગુર્જર, જોઇન્ટ કમિશનર ‘GST’ રાજકોટ એ પણ તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ પર કહ્યું હતું કે “અમૃતભાઇએ નોકરી દરમિયાન સેવા, દાન અને પ્રેમાળ સ્વભાવને કારણે ખૂબ કીર્તિ મેળવી છે તથા યુવાનોના રોલ મોડલ રહ્યા છે. સામાજીક સેવાનું ખૂબ કામ કરતા અમારા મિત્રને સરકારી જવાબદારીમાંથી મુક્તિ મળતી હોવાથી હવે સમાજસેવાનું કામ બમણા વેગથી કરે તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને અમૃતભાઇની જે અદમ્ય ઇચ્છા છે કે તેઓ સમાજની અને વિસ્તારની સેવા કરે તેવી તેમની ઇચ્છાઓ પરિપૂર્ણ થાય અને આ સેવાકાર્ય માટે ભગવાન આપને ખૂબ શક્તિ આપે તથા નિવૃત્ત જીવન દીર્ઘાયુ, નિરોગી તથા સુખદ રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને અંતરથી પ્રાર્થના.”

મહત્વનું છે કે, માનવ સેવા એ જ પ્રભુ સેવા” અને “કર્મ એ જ ધર્મ” એ સૂત્રોને જીવન પર્યત સાકાર કરીને પોતાનું તેમજ તમામનું જીવન સાર્થક થાય અને સમાજનો સર્વાંગી વિકાસ સાધી સ્વર્ણિમ ગુજરાતના વિરાટ સ્વપનને સાકાર કરવાની દિશામાં પ્રતિબદ્વ અને પ્રયત્નશીલ અમૃતભાઇ આલ હવે સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પોતાની સંકલ્પશક્તિથી અને સમાજ માટે સંપૂર્ણ સમર્પણના ભાવ સાથે સમાજ ઉપયોગી કાર્યોમાં અવિરત સક્રિય રહેશે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોરોનાના નવા લક્ષણો : ફેફસાં-ગળું જ નહીં હવે કોરોના મારી રહ્યું છે મગજના કોષો

17 મે બાદ શરૂ થશે અમુક ફ્લાઇટ્સ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કર્યા બાદ જ ફ્લાઇટ્સમાં મળશે પ્રવેશ