1. Home
  2. Regional
  3. કેન્દ્રની વિશેષ ટીમ આવશે ગુજરાત, કોરોના સંક્રમણને રોકવાની વ્યૂહરચના અંગે કરશે ચર્ચા

કેન્દ્રની વિશેષ ટીમ આવશે ગુજરાત, કોરોના સંક્રમણને રોકવાની વ્યૂહરચના અંગે કરશે ચર્ચા

0
  • દિવાળી બાદ રાજ્યભરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા કેન્દ્ર સરકારની ટીમ આવશે ગુજરાત
  • આ ટીમ કોરોના સંક્રમણને કાબુમાં રાખવા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને સૂચનો કરશે
  • તે ઉપરાંત કોરોના સંક્રમણને રોકવા અંગેની વ્યૂહરચના પર પણ ચર્ચા વિચારણા કરશે

અમદાવાદ: દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા હવે ભારત સરકારની ટીમ આવતીકાલે ગુજરાત આવી પહોંચશે અને કોરોના સંક્રમણને રોકવા માટે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને કેટલાક સૂચનો કરશે. કોરોના કેસના ટેસ્ટિંગ અંગે પણ વ્યૂહરચના ઘડવામાં આવશે. કોરોના વધુ વકરે નહીં તે માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ.એસ.કે.સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાત ડોક્ટરો ગુજરાત આવશે.

સૂત્રો અનુસાર કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડૉ.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની ટીમ આવતીકાલે ગુજરાત આવશે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા વિચારણા કરાશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશ પણ આપશે.

ગુજરાતની મુલાકાતે આવી રહેલી ભારત સરકારની આરોગ્ય વિભાગની ટીમ આવતીકાલે જ ગુજરાત આવશે તેમ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. તો બીજી તરફ આ ટીમની સાથે રાજ્ય સરકારના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ભારત સરકારની ટીમ સાથે સતત સંકલન કરી તેમણે કરેલા આયોજનો, લેવા ધારેલા પગલાં સહિત તમામ બાબતોથી માહિતગાર કરશે.

નોંધનીય છે કે ગુજરાતમાં ભારત સરકારના એનડીસીના તજજ્ઞો ને ડો.એસ.કે.સિંહની આગેવાનીમાં સમગ્ર મામલે જરૂરી માર્ગદર્શન આપશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT