Site icon Revoi.in

ભાવનગરમાં સ્કૂલવાન, સ્કૂલબસ સહિત વાહનોનું RTO દ્વારા ચેકિંગ, 22 વાહનો દંડાયા

Social Share

ભાવનગર, 9 જુન, 2026 : RTO checks school vans શહેરમાં આજે આરટીઓ દ્વારા સ્કૂલવાન, સ્કૂલબસ અને સ્કૂલરિક્ષાઓનું ચેકિંગ હાથ ધરાતા સ્કૂલવર્ધીના વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરટીઓની આ ઓચિંતી કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો અને સ્કૂલ વાન-બસના એસોસિએશનમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આરટીઓએ 22 જેટલા સ્કૂલ વર્ધીના વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો.

ભાવનગર શહેરમાં આજે બીજા દિવસે પણ શહેરના સરદાર પટેલ સ્કૂલ અને હિલ પાર્ક ચોકડી રોડ પાસે આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા વહેલી સવારથી જ વોચ ગોઠવીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતાં કુલ 22 જેટલા વાહનો સામે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવા, પરમિટનો ભંગ, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, થર્ડ પાર્ટી વીમો ન હોવો તેમજ પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટના અભાવ જેવા ગંભીર પ્રકારના નિયમ ભંગ જોવા મળ્યો હતો. આ તમામ વાહનો પાસેથી આરટીઓ વિભાગ દ્વારા અંદાજે ₹1,20,000 થી વધુનો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારીની કડક સૂચનાથી શહેરની વિવિધ સ્કૂલોની બહાર આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમારો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનોના કાગળો બરાબર છે કે કેમ અને વાહનની યાંત્રિક સ્થિતિ (મેકેનિકલ કન્ડિશન) ફિટ છે કે નહીં તેની ચકાસણી કરાઈ રહી છે. જે ખાનગી વાહનો પાસે વિદ્યાર્થી લાવવા-લઇ જવાની પરમિટ ન હોવા છતાં ગેરકાયદે ફેરા મારતા હતા, તેમની સામે પણ આકરી પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે.

આરટીઓએ વાલીઓને પણ અપીલ કરી છે કે, તમારા બાળકોને જે સ્કૂલ બસ, વાન કે રિક્ષામાં મોકલો છો, તેના નિયમ પ્રમાણેના તમામ દસ્તાવેજો, વીમો, પરમિટ અને વાહનની કન્ડિશન વાલીઓએ જાતે એકવાર ખાસ તપાસી લેવી જોઈએ. પૂરેપૂરી ખરાઈ કર્યા બાદ જ બાળકને શાળાએ મોકલવા માટે પરિવહનનો ઉપયોગ કરવો, જેથી તેમની સુરક્ષા સામે કોઈ જોખમ ન ઊભું થાય. આરટીઓની આ કડક કાર્યવાહીના કારણે હવે સ્કૂલ-કોલેજના સંચાલકો અને વાહન માલિકો પોતાના વાહનોના અધૂરા કાગળો તેમજ સુરક્ષાના માપદંડો પૂર્ણ કરવા માટે દોડતા થઈ ગયા છે.

Exit mobile version