1. Home
  2. revoinews
  3. વિચાર વલોણું: સેવાની સોનોગ્રાફી એટલે પ્રેરણાનું ઝરણું
વિચાર વલોણું: સેવાની સોનોગ્રાફી એટલે પ્રેરણાનું ઝરણું

વિચાર વલોણું: સેવાની સોનોગ્રાફી એટલે પ્રેરણાનું ઝરણું

0

 – દધીચિ એ. ઠાકર

ડૉ. મફતલાલ પટેલ – એક બહુઆયામી વ્યક્તિત્વ ધરાવે છે. શિક્ષણ,લેખન,પત્રકારત્વ અને સમાજસેવા આ મુખ્ય ચાર વિભાગોમાં તેમનું પ્રદાન અનેરું રહ્યું છે. બાળપણથી જ ગાંધીરંગે રંગાયેલા મફતભાઈના જીવનમાં વૈષ્ણવજનના દર્શન થાય છે. આશરે 70 થી પણ વધારે પુસ્તકોનું લેખન- સંપાદન તેમણે કર્યું છે પણ એક એવું પુસ્તક આંખ સામે તરી આવ્યું કે જેમાં તેમના જીવનના હૃદયસ્પર્શી પ્રસંગો છે – ‘ સેવાની સોનોગ્રાફી.’
મુખપૃષ્ઠ ઉપરની તસવીર મફતભાઈના સાર્વજનિક સન્માન સમારોહની છે. ધંધુકા પાસેના હરિપુરા ગામના ‘ગાંધી’ તરીકેની ઉપમા ગ્રામજનોએ તેમને આપી ત્યારે આ પાધ દ્વારા સન્માન કરાયું હતું. આ પુસ્તક ‘સેવાની સોનોગ્રાફી’નો મૂળ વિચાર લેખિકા ડૉ. અનિલાબહેન પટેલની હાજરીમાં એકભાઈ મુ.મફતભાઈને મળવા માટે આવ્યા હતા અને તેમણે બીજે દિવસે સવારે મળવા આવવા કહ્યું. બીજે દિવસે સવારે પેલા ભાઈ સમયસર આવી ગયા અને મફતભાઈને જે તે પ્રશ્નની રજૂઆત કરી, પછી તેઓ રાજી થયા કે સાહેબ, મારું કામ કરી આપશે. આ પ્રશ્નોના નિરાકરણ ટાણે મફતભાઈ એક જ વાક્ય બોલે કે, ‘આ બિચારો ક્યાં જાય ?’

આમ, આ ઘટનાઓ જોતાં લેખિકાને આવા રસપ્રદ અને સત્યઘટનાઓના પ્રસંગો આલેખવાનું મન થયું.
‘મારે પણ કહેવું છે’ શીર્ષક અંતર્ગત પોતાની વાતમાં તેઓ નોંધે છે કે, ‘ જિંદગી દુઃખ કે દુઃખોથી નહીં પણ દુઃખોના ડુંગરોથી ભરેલી છે. એ વાસ્તવિકતા સમજાઈ. માનવતાના કર્યો કરવાથી આંતરિક બળ વધે છે, એ મફતદાદાના જીવનમાંથી જાણવા મળ્યું. ‘ (પૃ – vii) જાણીતા લેખક અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના પૂર્વ કુલપતિ ડૉ.બળવંત જાની પોતાની પ્રાસ્તાવિક વાતમાં નોંધે છે કે – ‘ આસ્વાદ્ય બની રહેવું એટલું જ આ લેખિકાનું લક્ષ્ય જણાતું નથી. સાંપ્રત સમયે શિક્ષણમાં જેનો ખાસ અભાવ છે તે ગુણ સમર્પણતા અહીં આલેખાયેલ તમામ પ્રસંગમાંથી દ્રવે છે. એટલે આ પ્રસંગોની વિષયસામગ્રી અર્થપૂર્ણ છે.’

વ્યક્તિત્વની સાદગી, શિક્ષણ પરત્વેની સમર્પણ ભાવના અને સેવાભાવ જેવા શિક્ષક, રાજકારણીના વ્યક્તિત્વને કેવી ઉંચાઈ આપે તેનું ઉદાહરણ પણ આ પ્રસંગો છે. 100 જેટલાં સત્યપ્રસંગોને શીર્ષકબધ્ધ આલેખવાનો ડૉ. અનિલાબહેનનો હેતુ આ સેવાસાધકની સાધના થકી અન્યોને પ્રેરણા અને ઉત્સાહ મળે તે જ છે.

સામાન્ય માણસને સમજાય તેવી સરળ શૈલીમાં અને લાઘવકળાથી સંપન્ન આ પ્રસંગો વાચકોને નવી દિશા અને માર્ગ પૂરો પાડશે તેની પૂરેપૂરી ખાતરી છે. જાહેરજીવનમાં જનારા નવયુવાનો, સમાજસેવકો અને વાચકો માટે પણ આ પુસ્તક પ્રેરણાનું ઝરણું બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ડૉ. મફતભાઈના નિઃસ્વાર્થી અને સરળજીવનની ઝાંખી વાચકને આ પ્રસંગો વાંચતા થશે જ !!

(પુસ્તકનું નામ – સેવાની સોનોગ્રાફી
લેખક – ડૉ. અનિલા પટેલ
મૂલ્ય : ₹ 290/-
પ્રથમ આવૃત્તિ : 2012 ; પૃષ્ઠ – 240
પ્રાપ્તિ સ્થાન : – રન્નાદે પ્રકાશન, 58/2,બીજો માળ, જૈન દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ – 380001)

LEAVE YOUR COMMENT