- શિક્ષણ વિભાગે તપાસના કર્યા આદેશ
- જવાબદારો સામે લેવાશે પગલાઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન રાજકોટ નજીક વીરપુર પાસે ઓવરબ્રિજ પરથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ મળી આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઉત્તરવહીઓ ગુજરાતી માધ્યમની હોવાનું જાણવા મળે છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કર્યા છે. તેમજ કહ્યું હતું કે, આ બનાવમાં જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ રસ્તા ઉપરથી બોર્ડની ઉત્તરવહીઓ મળી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. દરમિયાન ગોંડલ નજીક બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ભરેલા 3 પોટલા પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના વીરપુર નજીક ઓવરબ્રિજ પાસેથી બોર્ડની કેટલીક ઉત્તરવહીઓ મળી આવી હતી. આ ઉત્તરવહીઓ ધો-10ની ગુજરાતી માધ્યમના વિજ્ઞાન અને ટેકનો વિષયનું હોવાનું જાણવા મળે છે. તેમજ ઉત્તરવહીઓ મહેસાણાની હોવાનું પણ જાળવા મળે છે. આ પરીક્ષા તા. 7મી માર્ચના રોજ યોજાઈ હતી. બોર્ડની ઉત્તરવહીઓ સલાતમ સ્થળે લઈ જવાની જવાબદારી શિક્ષણ વિભાગના અધિકારીઓની હોય છે ત્યારે આ ઉત્તરવહીઓ અહીં કેવી રીતે આવી તે અંગે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વીરપુર પાસેથી બોર્ડની લગભગ 13 જેટલી ઉત્તરવહીઓ મળી આવી છે. આ બનાવની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. તેમજ ક્યાં કારણોસર અને કેવી રીતે આ ઉત્તરવહીઓ અહીં પહોંચી તેની તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. તેમજ જવાબદારો સામે પગલા ભરવામાં આવશે. તા. 5મી માર્ચથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ અંગે પરીક્ષા બોર્ડના ચેરમેન એ.જે.શાહે જણાવ્યું કે, ત્રણ પોટલા ગાડીમાંથી પડી ગયા હતા, તે મળી ગયા છે. હાલ તેને વીરપુરની સ્કૂલમાં મૂકી દેવાયા છે.