1. Home
  2. Regional
  3. સુરત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ કર્મચારીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર
સુરત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ કર્મચારીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર

સુરત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ કર્મચારીઓ સામે લૂકઆઉટ નોટિસ જાહેર

0

સુરતઃ શહેરના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં અટકાયત કરાયેલા યુવાનનું પોલીસના મારથી મોત થવાની ચકચારી ઘટનામાં પીઆઈ અને પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મચારીઓ પોતાની સંભવિત ધરપકડ ટાળવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર નજર રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે. દરમિયાન મંગળવારે મૃતકના પરિવારના લોકો પણ સુરત સિવિલ ખાતે મૃતદેહ લેવા માટે આવી પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ખટોગરા પોલીસ મથકના પીઆઈ સહિત સાત પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તેમને ઝડપી લેવા માટે તેમના વતન પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પોલીસને તેમને ઝડપી લેવામાં સફળતા મળી નથી. બીજી તરફ મૃતકના પરિવારજનો સુરત આવ્યા હતા.

મૃતક ઓમપ્રકાશના ભાઈ વિશાલ પાંડેયએ જણાવ્યું હતું કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે. અમને ન્યાય જોઈએ છે. મારા ભાઈની પોલીસે માર મારીને હત્યા કરી છે. અમે મૃતદેહ સ્વીકારવા માટે આવ્યા છીએ. અહીં સુરત ખાતે જ તેના અંતિમ સંસ્કાર કરીશું. મારા ભાઈના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેની પત્ની હાલ ગર્ભવતી છે અને તેણીને નવમો મહિનો ચાલી રહ્યો છે. તેનું સંતાન આ ધરતી પર અવતરે તે પહેલા જ તેના માથેથી પિતાનું સુખ છીનવાઈ ગયું છે.

સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં થયેલી બે ચોરી અને ઉધના પોલીસ મથકની હદમાં થયેલી એક ચોરીમાં સંડોવણીની શંકામાં પોલીસની ટીમ પાંડેસરા વિસ્તાર રહેતા રામગોપાલ બિસમ્બર પાંડે, ઓમપ્રકાશ અને જયપ્રકાશ પાંડેને તારીખ તા. 31-5-19ના રોજ પૂછપરછ માટે પોલીસ મથક લાવી હતી. પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી માહિતી કઢાવવા માટે ત્રણેયને ઢોર માર માર્યો હતો. મારને કારણે ત્રણમાંથી ઓમપ્રકાશ પાંડેનું મોત થઈ ગયું હતું. આ મામલે ખટોદરા પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિત સાત લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જોકે, ગુનો દાખલ થતાં જ તમામ આરોપીઓ રાત્રે જ ફરાર થઈ ગયા હતા. આ મામલે તપાસ કરવામાં આવ્યા છતાં સાતેય પોલીસ કર્મીઓની કોઈ ભાળ ન મળતા દેશના એરપોર્ટ્સ અને બંદરો પર લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT