#revoihero

જીવનમાં લક્ષ્ય હોવું જરૂરી છે તેના વગર ક્યાંય પહોંચાતું નથી: ડૉ. બળદેવ દેસાઈ

વિનાયક બારોટ

આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેણે પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી ન કર્યું હોય. આપણી જ ગુજરાતી ભાષામાં કહેવત છે કે જીવનનો આધાર જ લક્ષ્ય છે અને લક્ષ્ય વગરનું જીવન આધારહીન છે. જીવનમાં લક્ષ્ય કેવું છે એ તો બીજા નંબરની વાત છે પણ જીવનમાં કોઈ એક લક્ષ્ય હોવું તે અત્યંત જરૂરી છે.

તો આજે વાત છે ડૉ. બળદેવ દેસાઈની કે જેમણે પોતાના અનમોલ વિચારથી અસંખ્ય બાળકોનું ભવિષ્ય બનાવ્યું છે અને પોતાના જીવનને પણ સફળ બનાવ્યું છે. બળદેવભાઈ દેસાઈ હાલ પાટણની શાળા શ્રી બી.ડી.સાર્વજનિક વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમણે M.A, MPE અને Ph.Dની ડિગ્રી મેળવી છે.

પોલીસ ન બનીને શિક્ષક બની રહેવાનું પસંદ કર્યું તેમાં થી આચાર્ય સુધી સફર ખેડી…

પ્રગતિના પંથે કોને દોડવું ન ગમે.. આ પ્રશ્ન એવો છે કે જે તમને વિચારમાં મુકી દેશે પણ પ્રગતિના પંથે દોડવું અને હકીકતમાં પ્રગતિને સમજવી તેમાં ઘણું અંતર છે અને આ વાત ડૉ. બળદેવ દેસાઈએ સમજી..

વર્ષ 1998 માં અમદાવાદ ખાતે પોલીસમાં પસંદગી થઈ પણ તેઓ શિક્ષક બનવા નું લક્ષ નક્કી કરેલ એટ્લે વર્ષ 1999માં શારીરિક શિક્ષણ વિષય ના શિક્ષક તરીકે સેવા ચાલુ કરી તેઓ અન્ય નાની શાળામાં વર્ષ 2003માં ઈન્ટરવ્યૂ પ્રથાથી બનાસકાંઠામાં વતનથી નજીકની શાળામાં આચાર્ય તરીકે પસંદગી પામ્યા અને તે બાદ ત્યાં હાજર ન થતા શિક્ષક તરીકેની નોકરી જે તે શાળામાં ચાલુ રાખી. આ પાછળનું કારણ છે કે તેમને જે નવી શાળામાં આચાર્ય બનીને કામ કરવાની તક મળવા ની હતી તે શાળા ઘોરણ 9 અને 10 માટે જ હતી અને તેમાં બાળકોની સંખ્યા પણ ઓછી હતી જેથી તેમણે વધારે બાળકોને ભણાવવાનો નિર્ણય કર્યો અને આચાર્ય બનવાની તકનો સ્વીકાર કર્યો નહી.

વર્ષ 2011માં આચાર્યની પરીક્ષા પદ્ધતિ આવતા તે પરિક્ષામાં જિલ્લામાં પ્રથમ મેરિટથી પાસ કરી અને જે સંસ્થામાં શિક્ષક હતા ત્યાં જ આચાર્ય બનવાનો નિર્ણય કર્યો.

શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરી અને સફળતા

ડૉ. બળદેવ દેસાઈએ એક જ શાળામાં 13 વર્ષથી વધારે સમય સુધી શિક્ષક તરીકે કામ કર્યું અને પોતા ના લક્ષ ને સિધ્ધ કરવા તે શાળાના આચાર્ય ની ધુરા સંભાળી અને અન્ય સહકર્મીઓના સાથ સહકારથી એ જ શાળામાં બાળકોની સંખ્યા 3 વર્ષમાં 50 ટકા વધારવામાં તેઓ સફળ રહ્યા છે.

આ દેશના દરેક બાળકને ભણવાનો અધિકાર છે અને આવી વિચારધારા ડૉ. બળદેવ દેસાઈમાં પણ છે. પોતાનાથી શક્ય એટલા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે ડૉ.બળદેવ દેસાઈએ શ્રી પાટણજૈન મંડળને સૂચન કર્યુ અને તેમના સહયોગથી કોલેજ શરૂ કરાવી. આ કોલેજમાં 1200થી 1500 જેટલા વિદ્યાર્થીઓ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સમાં ભણી રહ્યા છે. કોલેજ શરૂ કરવા પાછળનો ઉદેશ્ય માત્ર એ જ હતો કે વિદ્યાર્થીઓનું શાળાનું શિક્ષણ પૂર્ણ થાય પછી આગળનું ભણવા માટે શહેરની બહાર ભણવા ન જવું પડે.

આ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિયેશન પણ શરૂ કરાવી, શાળાના વિકાસમાં એમનો પણ સતત સહયોગ મેળવ્યો છે અને કેજીથી કોલેજ સુધીની શિક્ષણની જ્યોત જલાવી છે

આજ કાલ ટેક્નોલોજીનો જમાનો છે અને આજકાલના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવું પણ ગમી રહ્યું છે તો આ વાતને લઈને કેટલાક વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે ઓનલાઈન ભણવા માટે વધારે પૈસાની જરૂર પડે.. તો ગરીબ બાળકોને પણ આધુનિક રીતે શિક્ષણ મળે તે માટે શાળામાં તમામ ઉપકરણોના ઉપયોગ કરવામાં આવે છે. ડૉ. બળદેવ દેસાઈ માને છે કે આર્થિક કારણોસર કોઈને શિક્ષણ ન મળે તેવું થવું જોઈએ નહી.

શિક્ષક અને શિષ્યનો સંબંધ

વિશ્વમાં માતાપિતા અને પુત્ર બાદ જો કોઈ નિસ્વાર્થ ભાવનો સંબંધ હોય તો તે છે ગુરૂ અને શિષ્યનો.. ડૉ. બળદેવ દેસાઈ માટે દરેક વિદ્યાર્થીની પ્રગતિ એ જ તેમનો ઉદેશ્ય છે અને આ કામને તેઓ દેશસેવા પણ માને છે. તો ડૉ. બળદેવ દેસાઈને તેમના હાથ નીચે ભણેલા અને હાલ સારી એવી પોસ્ટ પર ફરજ નિભાવતા મોટા ભાગના વિદ્યાર્થીઓના નામ મોઢે યાદ છે.

એક પ્રસંગને યાદ કરાવતા તેમણે જણાવ્યું કે તેમની જ શાળામાં ભણતી વિદ્યાર્થીના પિતાનું અચાનક અવસાન થતા તેને ભણવાનું મુકવાનો વારો આવ્યો હતો. જો કે ડૉ. બળદેવ દેસાઈની શાળામાં અન્ય શિક્ષકો પણ શિક્ષણને ખૂબ મહત્વ આપે છે તેથી તે બાળકીનો ભણતરનો ખર્ચ વિધાલય પરિવાર દ્રારા વ્યવસ્થા કરવામાં આવી છે આજે સંગીતમાં નેશનલ કક્ષા સુધી ગૌરવ અપાવેલ છે અને તે બાળકીને શિક્ષણ આપી રહ્યા છે.

ડૉ. બળદેવ દેસાઈ કહે છે કે તેમના હાથ નીચે ભણી ગયેલા બાળકોમાં આજે કોઈ આર્મી , પોલીસ વિભાગમાં છે, કોઈ દેશ માટે ક્રિકટ અને ટેનિસ રમી રહ્યું છે, કોઈ સંગીત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરી રહ્યું છે જે તેમના માટે ગર્વની વાત છે.

જીવનમાં લક્ષ્યનું મહત્વ

ડૉ. બળદેવ દેસાઈને જીવનમાં લક્ષ્યનું મહત્વ ત્યારે સમજાયું જ્યારે તેઓ ધોરણ-10માં હતા. આ બાબતે તેમણે કહ્યું કે જ્યારે તેઓ ધોરણ 10માં હતા ત્યારે તેમના પિતાજીએ કહ્યું હતું કે “બળદેવ તુ 70 ટકા લાવીશ, તો તને તું જે કઈશ એ લાવી દઈશ.” આ વાત પછી તેમણે નક્કી કર્યું કે 70 ટકા લાવવા છે અને તે આવ્યા પણ ખરા.

આ પહેલા તેઓ માનતા હતા કે લક્ષ્ય વગર જીવન તો ચાલ્યા જ કરે છે પણ તેનું કોઈ મુકામ હોતું નથી પણ લક્ષ્ય સાથે જીવન જીવો તો સફળતા પણ મળે છે કે અને કામ કરવાનો આનંદ પણ આવે છે.

જીવનમાં મહત્વના નિર્ણય

ડૉ. બળદેવ દેસાઈના પીઠ પર સાથ સહકાર માટે જો સૌથી મોટો હાથ હોય તો એ તેમના માતા પિતાનો છે. તેમના પિતાજી રાજાભાઈ તેમને હંમેશા કહેતા કે જ્યાં રોજી છે અને જ્યાં કામ કરીએ છીએ તેની સાથે હંમેશા પ્રામાણિકતા અને વફાદારી રાખવી. જીવનમાં બસ આ એક જ વાક્ય છે જે આજે પણ ડૉ. બળદેવ દેસાઈને જીવનના મહત્વના નિર્ણય લેવામાં મદદ કરી રહ્યું છે.

યાદગાર શિષ્ય

એક શિક્ષક માટે તેના શિષ્યની પ્રગતિથી વધારે કાંઈ જ ન હોય, આ બાબતે ડૉ. બળદેવ દેસાઈ માને છે કે ચાણક્ય મજબૂત હતા તો ચંદ્રગુપ્ત પેદા થયા હતા. આ જ પ્રકારે તેમના ભણાવવાના જીવનકાળ દરમિયાન એક વિદ્યાર્થી આવ્યો હતો જે પોતાના ઘર કરતા ડૉ. બળદેવ દેસાઈના ઘરે વધારે રહેતો હતો.. આ વિદ્યાર્થીના પોલીસ બનવા પર તેમને જે ખુશી થઈ હતી તેમના જીવનની યાદગાર ક્ષણ હતી.

જીવનનો સિદ્ધાંત

દરેક માણસના જીવનમાં કોઈને કોઈ સિદ્ધાંત હોય અને તેના આધારે જ તે વ્યક્તિ કામ કરતો હોય છે. ડૉ. બળદેવ દેસાઈના જીવનનો એક જ સિદ્ધાંત છે અને તે છે રાષ્ટ્રદેવો ભવ:

તેઓ જ્યાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે તે એકમાત્ર શાળા છે કે જ્યાં ભારતમંદિર અને શહીદ સ્મારક બનાવ્યું છે. આ પાછળનું કારણ પણ એક જ છે કે આવનારી પેઢીમાં પણ દેશપ્રેમ બન્યો રહે.

ઓનલાઈન એજ્યુકેશનને લઈને પોતાનો અભિપ્રાય

ડૉ. બળદેવ દેસાઈ શાળામાં વિદ્યાર્થીઓને સારામાં સારી ટેક્નોલોજીથી શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી છે પણ કોરોનાકાળમાં શિક્ષણમાં આવેલા બદલાવ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું, તેમણે કહ્યું કે શિક્ષક અને વિદ્યાર્થીની સામસામે આંખો મળે, વિચાર વિમર્શ થાય અને તે થાય તો જ શિક્ષણ આપ્યું કહી શકાય બાકી જમવાની ડિશનો ફોટો જોઈને તેના સ્વાદ નક્કી કરી શકાય નહી.

આ તમામ કામગીરી ની કદર કરી ને સરકારશ્રી શ્રેષ્ઠ આચાર્ય પારિતોષિક એનાયત કરેલ તથા સ્કાઉટ ગાઈડ માટે મહામહીમ રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી સાહેબ ના હસ્તે થેન્ક્સ બેઝ એવોડ પણ એનાયત થયેલ છે.

શાળામાં 12 વર્ષ સુધી સ્કાઉટ ગાઈડને વેગવંતી બનાવી અને વિદ્યાર્થીઓને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચાડ્યા. સ્કાઉટ ગાઈડની પ્રવતિને વેગવંતિ બનાવવવા બદલ ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી દ્વારા રાજ્યભવનમાં થેનકસ બેઝ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું અને ચાલુ વર્ષે એટલે કે 2020માં શ્રેષ્ઠ આચાર્યના પારિતોષિક માટે ગુજરાત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ શિક્ષક દિનના દિવસે એવોર્ડ એનાયત કરવામાં આવશે

Related posts
#revoihero

લોકોની સેવાએ જ માનવધર્મ માનીને દર્દીઓની સેવા કરતા ભરતભાઈ લેઉવા

કોરોના મહામારીમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આ કપરા સમયમાં અનેક સેવાભાવી…
#revoihero

મન વિચલીત કર્યા વિના સતત પ્રેકટીસથી સફળતાના શિખર સર કરી શકાયઃ જીત જાની

કુંગફુ-કરાટેનું નામ પડતા જ સૌ પ્રથમ હોલીવુડના સુપર સ્ટાર બ્રુસલી અને જેકી ચેનનું નામ સૌ પ્રથમ મોઢા ઉપર આવે છે. આજે દુનિયામાં…
#revoihero

દરેક વ્યક્તિને કામ કેટલુ કરવુ, કેવુ કરવુ અને કેવી ભાવનાથી કરવુ તેના વિશે ખબર હોવી જોઈએ: એસ.બી.દંગાયચ

– વિનાયક બારોટ જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોય છે. તમામ વ્યક્તિ પોતાની આત્મશક્તિ અને પોતાની વિચારધારા પ્રમાણે…

Leave a Reply