- SOGએ કેટરર્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરી,
- SOGએ ‘સુરભિ ડેરી‘ના બે યુનિટ પર દરોડા પાડ્યા હતા,
- નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો
સુરતઃ શહેર ખાણીપીણી માટે દેશભરમાં જાણીતુ છે. ત્યારે ખાદ્ય ચિજ વસ્તુઓમાં કેટલાક વેપારીઓ દ્વારા કરાતી ભેળસેળ કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના એસઓજી ( સ્પેશિયલ ઓપરેશન ગૃપ)એ શહેરની જાણીતી ‘સુરભિ ડેરી’ના બે યુનિટ પર દરોડા પાડી કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો, જ્યારે આ ડેરી રોજેરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ડેરીના સંચાલકે કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. હવે એસઓજી દ્વારા શહેરમાં ઓપરેશન શુદ્ધિ હેઠળ ભાળસેળ કરનારા વેપારીઓને ત્યાં રેડ પાડવામાં આવશે. સ્વાદના શોખીન સુરતીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કેટરીંગ સંચાલકો અને ખાદ્ય પદાર્થો બનાવનારાઓ પર હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બાજ નજર છે.
સુરત શહેરમાં એસઓજી ( સ્પેશિયલ ઓપરેશન ગૃપ)એ શહેરની જાણીતી ‘સુરભિ ડેરી’ના બે યુનિટ પર દરોડા પાડી કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો, આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરત એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમને બાતમી મળી હતી કે શહેરમાં કેટલાંક તત્ત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યાં છે. આ બાતમીના આધારે SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ‘સુરભિ ડેરી’ પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે. સૌપ્રથમ સુરતના ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં આઈ.એન.એસ. હોસ્પિટલની પાછળ આવેલા સોરઠિયા કંપાઉન્ડમાં દુકાન નંબર 434 ખાતેના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ ગોડાઉન ‘સુરભિ ડેરી’ દ્વારા વિતરણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. દરોડા સમયે, ગોડાઉન પર ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ હાજર મળ્યા હતાં.
લગ્નસરાની સિઝન શરૂ થતાની સાથે જ ખાણી-પીણીમાં થતી ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થોનું દૂષણ માઝા મૂકે છે. પરંતુ આ વખતે સુરત પોલીસે આ અસામાજિક તત્વોને તેમની ભાષામાં જવાબ આપવા માટે કમર કસી લીધી છે. સ્વાદના શોખીન સુરતીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કેટરીંગ સંચાલકો અને ખાદ્ય પદાર્થો બનાવનારાઓ પર હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બાજ નજર છે. સુરતમાં નકલી ઘી અને ત્યારબાદ નકલી પનીરનો પર્દાફાશ થયા બાદ એસઓજી સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરના તમામ કેટરર્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.


