
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક જનસાળા ગામ પાસે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રકને ઓવરટેક કરવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ રોડ પરના ખાડાંમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના દર્દીનું મોત નિપજ્યું હતું જ્યારે દર્દીના બે સગાને ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસે બનાવના સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરુ કરી છે. જ્યારે ઘાયલોને લીંબડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ એક દર્દીને સારવાર માટે રાજકોટથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અમ્બ્યુલન્સે ટ્રકને ઓવરટેક કરતા સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સમાં જે દર્દીને લઈ જવાતો હતો. તેમનું જ ઘટના સ્થળ પર મોત થઈ ગયું હતું. જ્યારે દર્દીની સાથે રહેલા બે સગા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હાલ લીંબડી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લીંબડી-અમદાવાદ હાઈવે પર સરકારી એમ્બ્યુલન્સ રાજકોટથી અમદાવાદ સિવિલ આવી રહી હતી. ત્યારે જનશાળા ગામના પાટિયા પાસે એમ્બ્યુલન્સને ઓવરટેકિંગ વખતે અકસ્માત નડ્યો હતો અને એમ્બ્યુલન્સ ખાડામાં ઉતરી ગઈ હતી. ઘાયલ થયેલા મૃતકના સગાને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.. આ અકસ્માત પછી ટ્રક ચાલક બનાવના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરુ કરી હતી. એમ્બ્યુલન્સના અકસ્માતના કારણે લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરીને ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઘટનાના કારણે મૃતકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાજકોટથી દર્દીને સારી સારવાર મળે તે માટે અમદાવાદ લાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે, દર્દીને સારવાર મળે તે પહેલા જ અકસ્માતમાં મોત થઈ ગયું છે. આ સિવાય દર્દીની સાથે જઈ રહેલા સગાને પણ ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે.