મધ્યાહન ભોજન યોજનામાં વેતન વધારવા અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા કર્મચારીઓની માગણી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા કર્મચારી મંડળો પોતાના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર બન્યા છે. હવે રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળે વેતન વધારાની માંગ ઉપરાંત એનજીઓ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી છે. અને આ મામલે રાજ્ય સરકાર આગામી 13જૂન સુધીમાં હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરવામાં તેમજ ચૂંટણી દરમિયાન સોંપવામાં આવતી ફરજો નો બહિષ્કાર કરી સામૂહિક રાજીનામાં ધરી દેવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે.
ગાંધીનગર ખાતે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળ પ્રમુખ કિશોરચંદ્ર મોહનલાલ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓને નજીવું વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે આ યોજનાના કર્મચારીઓને આંગણવાડીની બહેનોની જેમ કાયમી હુકમ આપી સમાન વેતન સમાન કામ મુજબ લઘુતમ વેતન આપવા માગણી કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે મધ્યાહન ભોજનની કામગીરી એનજીઓને સોંપવાથી વર્ષોથી કામ કરતા કર્મચારીઓની આજીવિકા છીનવાઈ જવાનો પ્રશ્ન ઊભો થયો છે. ગામડાઓમાં છેલ્લા 36 વર્ષથી નજીવા વેતનથી કર્મચારીઓ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ તબક્કે મંડળ વતી એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે રાજ્ય સરકાર અમારા મુદ્દાઓનું નિરાકરણ 13 જૂન 2022 સુધીમાં નહીં કરે તો ત્યારબાદ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવશે.


