- ટ્રકમાં FCIના ગોદામમાંથી ભરેલી સરકારી મગફળીની બોરીઓ રોડ પર વેરવિખેર થઈ,
- રોડ પર જતા વાહનચાલકો અને આજુબાજુના લોકો મગફળીની બેરીઓ ઉઠાવી ગયા,
- અકસ્માતના બીજા બનાવમાં બે કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ નજીક ધોળેશ્વર ફાટક પાસે મગફળીના બોરીઓ ભરેલો એક ટ્રક રેલવે વિભાગ દ્વારા મુકાયેલા બેરીકેટ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં FCI ગોડાઉનમાંથી ભરેલી સરકારી મગફળીની બોરીઓ હતી.અકસ્માતને કારણે મગફળીની બોરીઓ રસ્તા પર વેરવિખેર થઈ જતા આજુબાજુના લોકો તેમજ કેટલાક વાહનચાલકોએ મગફળી ભરેલી બોરીઓની લૂંટ ચલાવી હતી. થાનગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માતનો બીજો બનાવ લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો. હાઈવે પર કટારિયા ચેક પોસ્ટ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, થાનગઢ નજીક ધોળેશ્વર ફાટક પાસે મગફળીના બોરીઓ ભરેલો એક ટ્રક રેલવે વિભાગ દ્વારા મુકાયેલા બેરીકેટ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મગફળી ભરેલી બોરીઓ રોડ પર વિખેરાય જતા આસપાસના રહીશો અને અન્ય લોકો મોટી સંખ્યામાં રસ્તા પર પડેલી મગફળીની બોરીઓ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.આ ઘટનામાં ડિસ્ટ્રીબ્યુટરના એક કર્મચારીએ પોતાના બંધબોડીના વાહનમાં મગફળીની બોરી લૂંટવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ ઝડપથી ક્ષમતા મુજબ મગફળીની બોરીઓ લઈને નાસી છૂટ્યા હોવાનું લોકોએ પોલીસને જણાવ્યુ હતુ. ઘટનાની જાણ થતાં જ થાનગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ટ્રકમાં કુલ કેટલી બોરીઓ ભરેલી હતી અને તેમાંથી કેટલી બોરીઓની લૂંટ થઈ છે, તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, લીંબડી-અમદાવાદ હાઈવે પર કટારિયા ચેક પોસ્ટ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં અન્ય એક મહિલા સહિત આઠથી વધુ લોકોને ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


