- સુરતના પૂણેગામ અને વરાછામાં બાતમીને આધારે એસઓજીએ રેડ પાડી
- માખણના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા
- માખણ ભેળસેળયુક્ત કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો કાર્યવાહી કરાશે
સુરતઃ શહેરમાં નકલી પનીરનો જથ્થો પકડાયા બાદ શહેરની એસઓજી પોલીસે મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને શહેરના પૂણાગામ અને વરાછા વિસ્તારની બે ડેરી પર રેડ પાડીને કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી છે, માખણના નમુના પરીક્ષણ માટે લેબ.માં મોકલી અપાયા છે. એનો રિપોર્ટ આવ્યા બાદ ડેરી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. બાતમીના આધારે SOGની ટીમે સુરત મ્યુનિના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પૂણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી છે.ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલાં જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ SOGની ટીમે સૌપ્રથમ દરોડો પૂણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી રેડ પાડી હતી, જ્યાંથી સંચાલક ભુપતભાઇ નારણભાઇ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 11,600 થવા જાય છે. આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલી જનતા ડેરી પર પાડવામાં આવ્યો હતો. જનતા ડેરીના માલિક/સંચાલક ધનશ્યામભાઇ જેરામભાઇ દુધાતની હાજરીમાં અહીંથી 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 17,000 જેટલી થવા જાય છે. આ બંને ડેરીઓમાંથી મળી આવેલો કુલ 143 કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી SOG દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણના જથ્થાને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર જનતાના વપરાશ પહેલાં આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમો અનુસાર જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને રિપોર્ટ અર્થે લેબોરેટરીમાંં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડી.બી. મકવાણાની હાજરીમાં આ સમગ્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.


