in ,

સુરતના કોસંબા નજીક ટેન્કર-ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગઃ બેના મોત

  • આગળ જતી ટ્રક સાથે અથડાઈ ટેન્કર
  • ટેન્કરના કેબિનનો ખુરદો બોલી ગયો
  • ટેન્કરનો ચાલક અને ક્લિનર અંદર જ ફસાઈ ગયા હતા

સુરતઃ કોસંબા નજીક પૂરઝડપે પસાર થતી ટેન્કર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. તેમજ ટેન્કરમાં અચાનક આગ લાગતા તેમાં સવાર ડ્રાઈવર અને ક્લિનર આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. સેલવાસમાં કેમેકલ ઉતારીને ટેન્કર વડોદરા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ખાતે આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીની ટેન્કર સેલવાસ ખાતે પીટી નામનો પાવડર કેમિકલ ખાલી કરીને પરત ફરી રહ્યું હતું. ત્યારે સુરતથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર કોસંબા રેલવે ઓવરબ્રિજના નજીક આગળ જઈ રહેલી ટ્રકના પાછળ ટેન્કર ધડાકાભેર અથડાયું હતું.  અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક પાછળ અથડાયેલા ટેન્કરના કેબિનનો ખુરદો બોલી ગયો હતો. તેમાં સવાર ડ્રાઈવર અને ક્લિનર કેબિનની અંદર જ ફસાઈ ગયા હતા. દરમિયાન કેબિનમાં અચાનક આગ લાગી જતા આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. જેમાં અકસ્માતનો ભોગ બનનાર બંને ડ્રાઇવર અને ક્લિનર ટેન્કરના કેબિનમાં ફસાઇ ગયા હોવાથી આગની ઝપેટમાં આવી ગયા હતાં. અકસ્માતના પગલે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો.

આ અંગેની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં ટેન્કર ચાલક પંકજ બ્રીજલાલ યાદન અને ક્લિનર ધર્મેશ જાદવના મોત થયા હતા. ગમખ્વાર અકસ્માત અંગે પોલીસે ટેન્કરના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.