નવી દિલ્હી, 27 મે 2026: દેશના મોટાભાગના વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમી અને પ્રચંડ હીટવેવ (લૂ) એ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત સુધીના રાજ્યો તીવ્ર તડકા અને ગરમ પવનોની ચપેટમાં છે. ઉત્તર પ્રદેશનું બાંદા શહેર મંગળવારે 47.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ નોંધાયું હતું. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ સહિતના અનેક રાજ્યોમાં પારો 45 ડિગ્રીની આસપાસ સ્થિર રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી આ આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહિવત છે, પરંતુ 29 મે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન પલટાશે અને ગરમીનો પારો નીચે ઉતરશે.
હવામાન વૈજ્ઞાનિકોના મતે હાલના દિવસોમાં ‘નૌતપા’ ચાલી રહ્યું હોવાથી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નૌતપાના નવ દિવસને વર્ષના સૌથી ગરમ દિવસો માનવામાં આવે છે, જેમાં સૂર્યના કિરણો સીધા મેદાની વિસ્તારો પર પડતા હોવાથી તાપમાનમાં અચાનક મોટો ઉછાળો આવે છે. આ જ કારણોસર ઉત્તર ભારતમાં સતત લૂ વહી રહી છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 28 મે સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નહીં થાય. અસહ્ય તાપને લીધે બપોરના સમયે લોકોને ઘરોની બહાર નીકળવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ ગરમીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો છે. હરિયાણાનું સિરસા શહેર પણ 46 ડિગ્રી તાપમાન સાથે ભઠ્ઠીની જેમ શેકાયું હતું. ગરમીના પ્રકોપને કારણે બપોરના સમયે મોટાભાગના શહેરોના મુખ્ય માર્ગો સુનસાન નજરે પડતા હતા. હવામાન વિભાગે ખાસ ચેતવણી આપી છે કે આ આકરી લૂની સૌથી માઠી અસર વૃદ્ધો, બાળકો અને અગાઉથી બીમાર વ્યક્તિઓ પર પડી શકે છે, જેથી બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતી માત્રામાં પ્રવાહી લેવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે.
-
પૂર્વોત્તર ભારતમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ
જો કે, આ કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે 28 મેથી દેશમાં એક નવું પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવા જઈ રહ્યું છે. જેના પ્રભાવથી દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 28 અને 29 મે દરમિયાન ધૂળભરી આંધી, ગાજવીજ અને વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના 50 થી 60 કિલોમીટર અને કેટલાક વિસ્તારોમાં 70 કિલોમીટર સુધી પહોંચવાની આશંકા છે. પશ્ચિમી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ આ જ પ્રકારે વાતાવરણ પલટાશે, જેના લીધે તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સુધીનો મોટો ઘટાડો નોંધાશે અને લોકોને અસહ્ય બફારામાંથી મુક્તિ મળશે.
બીજી તરફ, પૂર્વોત્તર ભારતમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને ત્યાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. અસમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચેરાપુંજી અને અગરતલામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ગાજવીજ સાથે વરસાદની પ્રબળ સંભાવના છે, જેમાં કેરળ અને તમિલનાડુ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે ખરાબ વાતાવરણ અને વાવાઝોડા દરમિયાન લોકોને મોટા વૃક્ષો તથા ખુલ્લા મેદાનોથી દૂર રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તેજ પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી આદેશ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદી માહોલથી અસ્થાયી રાહત જરૂર મળશે, પરંતુ દેશમાં વિધિવત ચોમાસાનું આગમન ન થાય ત્યાં સુધી વાતાવરણમાં સંપૂર્ણ ઠંડકની આશા રાખવી વહેલી ગણાશે. હાલ બદલાતા હવામાનને પગલે તમામ રાજ્યોના વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

