1. Home
  2. Political
  3. પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશના છ સાંસદોની ટિકિટ કાપી, ઉતાર્યા નવા ઉમેદવાર
પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશના છ સાંસદોની ટિકિટ કાપી, ઉતાર્યા નવા ઉમેદવાર

પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશના છ સાંસદોની ટિકિટ કાપી, ઉતાર્યા નવા ઉમેદવાર

0

ભાજપે ધૂળેટીની સાંજે લોકસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. તેમા યુપીની 28 બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. ભાજપે આમાથી પોતાના છ વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. જેમાં કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા રાજ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના ચેરમેન રામશંકર કઠેરિયાનો પણ સમાવેશ થાય છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને રાજનાથસિંહ લખનૌ લોકસભા બેઠક પરથી ફરી એકવાર ઉમેદવારી કરી રહ્યા છે. તો ભાજપે વીવીઆઈપી ગણવામાં આવતી અમેઠી લોકસભા બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મોદી સરકારમાં કૃષિ રાજ્ય પ્રધાન અને શાહજહાંપુરથી લોકસભાના સાંસદ કૃષ્ણા રાજની ટિકિટ કાપીને અરુણ સાગરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગ્રાથી સિટિંગ એમપી અને અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ રામશંકર કઠેરિયાની ટિકિટ કાપીને રાજ્ય સરકારમાં પ્રધાન એસ. પી. બધેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંભલના સાંસદ સતપાલ સૈનીના સ્થાને પરમેશ્વર સૈનીને ઉમેદવાર જાહેર કરવામા આવ્યા છે. તો હરદોઈથી અંશુલ વર્માની ટિકિટ કાપીને જયપ્રકાશ રાવતને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. મિશ્રિખ સાંસદ અંજૂબાલાના સ્થાને અશોક રાવત, ફતેહપુર-સિકરીથી સાંસદ ચૌધરી બાબુલાલના સ્થાને રાજકુમર ચહલને ટિકિટ આપવામાં આવી છે. જે છ લોકોની ટિકિટ કાપવામાં આવી છે. તેમાં ચાર અનુસૂચિત જાતિ અને બે ઓબીસી વર્ગમાં આવતા સાંસદો છે.

ભાજપે ગુરુવારે જાહેર કરેલી પહેલી યાદીમાં અનામત બેઠકો શાહજહાંપુરથી કૃષ્ણા રાજ, આગ્રાથી રામશંકર કઠેરિયા, હરદોઈથી અંશુલ વર્મા, ફતેહપુર-સિક્રીથી બાબુલાલ ચૌધરી અને મિશ્રિખથી અંજૂ બાલાની ટિકિટ કાપી છે. જ્યારે સંભલથી સત્યપાલસિંહની ટિકિટ પણ કાપવામાં આવી છે. નવા ઉમેદવારોમાં એસ. પી. સિંહ બધેલને આગ્રા, પરમેશ્વરલાલ સૈનીને સંભલ, રાજકુમાર ચહરને ફતેહપુર-સિક્રી, જયપ્રકાશ રાવતને હરદોઈ, અશોક રાવતને મિશ્રિખ અને અરુણ સાગરને શાહજહાંપુરની ટિકિટ આપવામાં આવી છે.

તો વીવીઆઈપી માનવામાં આવતી અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઈરાની ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો મુકાબલો કરશે. પીટીઆઈ-ભાષાના એક અહેવાલમાં ભાજપના એક નેતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યુપીમાં 80 લોકસભા બેઠકો છે અને બાકીની બેઠકો પર ઉમેદવારોની ઘોષણા ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.

ભાજપે પ્રથમ યાદીમાં યુપીમાં જે ઉમેદવારોને લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરવાની તક આપી છે. તેમાં સહારનપુરથી રાઘવ લખનપાલ, મુઝફ્ફરનગરથી સંજીવકુમાર બાલિયાન, બિજનૌરથી કુંવર ભારતેન્દ્રસિંહ, મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ, બાગપતથી ડૉ. સત્યપાલસિંહ, ગાઝિયાબાદથી જનરલ વી. કે. સિંહ અને ગૌતમબુદ્ધ નગરથી મહેશ શર્માને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

આમા જનરલ વી. કે. સિંહ વિદેશ રાજ્ય પ્રધાન, મહેશ શર્મા પર્યટન રાજ્ય પ્રધાન સ્વતંત્ર પ્રભાર, જ્યારે સત્યપાલસિંહ રાજ્ય પ્રધાન છે. સિટિંગ એમપી બિજનૌરથી ભારતેન્દ્ર સિંહ, મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, સહારનપુરથી રાઘવ લખનપાલ, મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ, બાગપતથી સત્યપાલ સિંહ, ગાઝિયાબાદથી વી. કે. સિંહ અને ગૌતમબુદ્ધ નગરથી મહેશ શર્માને રિપિટ કરવામાં આવ્યા છે.

ભાજપના સાંસદ સાક્ષી મહારાજને ફરી એકવાર ઉન્નાવ લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તાજેતરમાં સાક્ષી મહારાજે ધમકીભર્યા અંદાજમાં ભાજપ હાઈકમાન્ડને ચેતવણી આપી હતી કે જો તેમને ફરીથી ઉન્નાવતી ટિકિટ આપવામાં નહીં આવે, તો પાર્ટી માટે આનું પરિણામ સારું નહીં હોય. તેના સિવાય પાર્ટીએ પહેલી યાદીમાં જે લોકોને સ્થાન આપ્યું છે, તેમાં કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારને બરેલીથી અને મથુરાથી હેમામાલિનીના નામનો સમાવેશ થાય છે.

2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી નરેન્દ્ર મોદીને 581022 વોટ મળ્યા હતા. તેમના નજીકના પ્રતિસ્પર્ધી અરવિંદ કેજરીવાલને 209238 વોટ મળ્યા હતા. મોદીએ 371784 વોટની સરસાઈથી વારાણસી બેઠક પરથી જીત પ્રાપ્ત કરી હતી.

યુપીના પાટનગર લખનૌની લોકસભા બેઠક પરથી રાજનાથસિંહને 561106 વોટ મળ્યા હતા અને કોંગ્રેસના રીટા બહુગુણા જોશીને 27279 વોટથી તેમણે હાર આપી હતી. રીટા બહુગુણા જોશીને 288357  વોટથી જ સંતોષ માનવો પડયો હતો.

વીવીઆઈપી બેઠક અમેઠીમાં 2014માં કોંગ્રેસના રાહુલ ગાંધીને 408651 વોટ મળ્યા હતા. તો ભાજપના સ્મૃતિ ઈરાનીને 300748 વોટ પ્રાપ્ત થયા હતા. કોંગ્રેસની આ પરંપરાગત બેઠક પરથી રાહુલ ગાંધી 2014માં 107903 વોટથી જીત્યા હતા.

યુપીમાં પ્રથમ ચરણમાં 11 એપ્રિલે બાગપત, બિજનૌર, ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર અને કેરાના ખાતે મતદાન થવાનું છે. ભાજપે હજી કેરાના બેઠક પરથી ઉમેદવારની ઘોષણા કરી નથી. આ બેઠક પર ભાજપની પેટાચૂંટણીમાં હાર થઈ હતી.

LEAVE YOUR COMMENT