1. Home
  2. Political
  3. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં “લાઠી, હાથી અને 786”નું સમીકરણ ભાજપના કમળને ખિલવામાં મોટો પડકાર
પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં “લાઠી, હાથી અને 786”નું સમીકરણ ભાજપના કમળને ખિલવામાં મોટો પડકાર

પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં “લાઠી, હાથી અને 786”નું સમીકરણ ભાજપના કમળને ખિલવામાં મોટો પડકાર

0

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના મુલાયમ કાળમાં માય એટલે કે મુસ્લિમ-યાદવના વોટ ગણિતની રાજનીતિ અને કાંશીરામે શરૂ કરેલી બહુજન સમાજ પાર્ટીના માયાવતી કાળમાં તિલક, તરાજૂ ઔર તલવાર..ના તબક્કાથી દલિત-મુસ્લિમ અને દલિત-બ્રાહ્મણ વોટના સોશયલ એન્જિનિયરિંગના રાજકીય કાળને રાજ્યના લોકોએ જોયો છે અને જાણ્યો પણ છે.

2014ની લોકસભા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત દક્ષિણપંથી વિચારધારા ધરાવતા ભાજપને યુપીના લોકોએ ખોબલેને ખોબલે મત આપીને સત્તાસ્થાને બેસાડયા છે. પરંતુ 2018માં થયેલી ગોરખપુર અને કેરાના-ફૂલપુરની પેટાચૂંટણીમાં આવેલા પરિણામોમાં મત સમીકરણો સાધવાથી ભાજપની થયેલી હારે 2019ની લોકસભાની ચૂંટણીમાં ધોવાયેલી રાજકીય જમીન પાછી મેળવવા મથતા સપા-બસપા અને આરએલડી જેવા પ્રાદેશિક પક્ષોને આશા જગાડી ગયા હતા. આમ તો કોંગ્રેસ પણ બિહારની જેમ યુપીના મહાગઠબંધનમાં સામેલ થવાની હતી, અખિલેશ અને માયાવતીએ કોંગ્રેસને મહાગઠબંધનમાંથી બાકાત રાખી.

2019ની લોકસભાની ચૂંટણી વખતે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળનું મહાગઠબંધન ભાજપ અને કોંગ્રેસની સામે ત્રિપાંખિયા જંગમાં ઉતરી રહ્યું છે. આ મહાગઠબંધને કોઈ સત્તાવાર સૂત્ર તો નથી બનાવ્યું, પણ ભાજપ-કોંગ્રેસને પડકારવા અને પોતાના મત સમીકરણોને જનતામાં પ્રસ્થાપિત કરવા માટે લાઠી, હાથી ઔર 786-નું સૂત્ર પ્રસારીત કરી રહ્યા છે.

આમા લાઠી એટલે યાદવ, લોધી અને જાટ જેવી જાતિ સમુદાયોને સાંકળીને જોવામાં આવે છે. હાથી બસપા પાર્ટીનું ચૂંટણીચિન્હ છે અને બસપા દલિત વોટરોને પોતાના ગણાવતી રહી છે. જ્યારે 786 મુસ્લિમ માટેનો પવિત્ર અંક છે, એટલે કે સૂત્રમાં 786થી મુસ્લિમોને સાંકળવાની કોશિશ થઈ છે. કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે મુસ્લિમ વોટ વહેંચાય તો તેનો ફાયદો ભાજપને થવાની પુરી શક્યતાઓ જાણકારો જોઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સવર્ણ મતદાતાઓના વોટ વહેંચાય તો તેનો ફાયદો મહાગઠબંધનને થવાની ગણતરીઓ અને અટકળોની જોરશોરથી ચર્ચાઓ છે.

જો કે સપા-બસપા-આરએલડીના પોતાના પણ ઘણાં પડકારો છે. 90ના દાયકા જેવી માનસિકતામાં 2019માં ઘણું પરિવર્તન પણ જોવામાં આવ્યું છે. સપા અને આરએલડીમાં સીધો વંશવાદ અને રાજકીય પરિવારમાં વર્ચસ્વની લડાઈ પ્રત્યક્ષ કે પરોક્ષપણે ચાલી રહી છે. તો બસપામાં પણ માયાવતીના ભત્રીજાના સક્રિય થવાના મામલે તેના પણ વંશવાદની દિશામાં આગળ વધવાની સ્થિતિ જોવાઈ રહી છે. એટલે કેડરની અંદર આ તમામ પાર્ટીઓમાં ડખ્ખા છે, જેને કારણે બસપામાંથી સ્વામીપ્રસાદ મૌર્ય જેવા નેતા 2014માં ભાજપમાં જોડાયા હતા. તો સમાજવાદી પાર્ટીમાં પિતા મુલાયમસિંહ યાદવને કોરણે મૂકવામાં અખિલેશ યાદવ સફળ થયા છે અને કાકા શિવપાલ યાદવને તો પાર્ટી જ છોડી દેવી પડી છે. એટલે આવા સંજોગોમાં આ ત્રણેય પાર્ટીઓની કોર વોટબેંકો અને કેડરો કેટલું સામંજસ્ય ઉભુ કરીને તેને જીતના સમીકરણમાં ફેરવી શકે છે, તેના ઉપર ખાસી આશંકાઓ છે. વળી ભાજપે પણ પોતાની પહોંચ દલિત, ઓબીસી-યાદવ સહીતના વોટરોમાં વધારી છે. આવા સંજોગોમાં યુપીમાં મહાગઠબંધનના ક્લિન સ્વીપના હોકારા-પડકારા ગાજ્યા મેહ વરસે નહીં તેવા સાબિત થવાની પુરી શક્યતાઓ છે.

યુપીમાં પહેલા તબક્કાના મતદાનને પાંચ દિવસનો સમય છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે દેશભરની 91 અને પશ્ચિમ યુપીની આઠ બેઠકો પર મતદાન થવાનું છે.

પશ્ચિમ યુપીની  આઠ બેઠકો પર જાટ, ગુર્જર, મુસ્લિમ અને દલિત મતદાતાઓની નિર્ણાયક ભૂમિકા રહેવાની છે અને 2014માં આ બેઠકો પર ભાજપે ક્લિન સ્વિપ કર્યુ હતું. બાગપતની બેઠક પરથી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરે સત્યપાલસિંહે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને દિગ્ગજ જાટ નેતા અને આરએલડી પ્રમુખ અજિતસિંહને કારમી હાર આપી હતી. અજીતસિંહ ત્યારે ત્રીજા સ્થાને હતા.

જાટલેન્ડ કહેવાતા પશ્ચિમ યુપીમાં કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં સપા-બસપા-આરએલડીની એકતાને કારણે રાષ્ટ્રીય લોકદળની બેઠક પરથી ચૂંટણી લડનારા તબસ્સુમ હસનને ભાજપના ઉમેદવાર અને હુકુમસિંહના પુત્રી મૃંગાકા સિંહને 45 હજાર વોટથી હરાવ્યા હતા. 2014માં ભાજપે 71 લોકસભાની અને 2017માં 300થી વધુ વિધાનસભાની બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી.

હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં સપા-બસપા અને આરએલડી કેરાના પેટર્ન પર જ ભાજપને પડકારી રહ્યા છે. હાથી, લાઠી અને 786નું સમીકરણ ફૂલપુર, નૂરપુર, કેરાના અને ગોરખપુર બેઠકો પરની પેટાચૂંટણીમાં મહાગઠબંધનને જીત આપી ચુક્યું છે. આના દ્વારા ભાજપને પૂર્વ અને પશ્ચિમ યુપીમાં મહાગઠબંધન સામે પેટાચૂંટણીમાં હાર ખાવી પડી હતી. પશ્ચિમ યુપીમાં આ સમીકરણ જાટ, ગુર્જર, મુસ્લિમ અને જાટવ બની જાય છે.

આમ તો ખેડૂતોના ઘણાં મુદ્દા પશ્ચિમ યુપીમાં સક્રિય છે. પરંતુ ખેડૂત, શેરડી, સડક, વીજળી જેવા મુદ્દાઓ સ્થાનિક છે અને લોકસભા જેવી મોટી ચૂંટણીમાં જાતિ સમીકરણો અને કોમવાદી મુદ્દાઓ જ જમીની સ્તરપર અસર કરતા હોય છે. જાતિગત સમીકરણોના ભાજપ પર હાવી થવાનો સંકેત એ છે કે યુપીના સહારનપુરની રેલીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદને આતંકવાદી મસૂદ અઝહરનો જમાઈ ગણાવ્યા હતા.

આખા યુપીમાં કોમવાદી ધ્રુવીકરણની કોશિશો પરસ્પર થતી રહે છે. 2013ના મુઝફ્ફરનગરના હુલ્લડો બાદ બીએસપીનો ગઢ ગણાતા પશ્ચિમી યુપીમાં ભાજપે કબજો કર્યો હતો. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સ્મશાન અને કબ્રસ્તાનની ટીપ્પણીએ કોમવાદી ધ્રુવીકરણનું કામ કર્યું હોવાનું ઘણાંનું માનવું છે.

આમ તો મહાગઠબંધનને જાતિગત સમીકરણોને કારણે બઢત પ્રાપ્ત થયેલી દેખાઈ રહી છે. પરંતુ ગાઝિયાબાદ,ગૌતમબુદ્ધ નગર અને સહારનપુર જેવી ત્રણ લોકસભા બેઠકો પર ભાજપની સ્થિતિ બેહદ મજબૂત છે. 2013ના મુઝફ્ફરનગરના હુલ્લડો હવે પશ્ચિમ યુપીમાં એટલો અસરકારક મુદ્દો રહ્યા નથી. તો સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દા પણ ખાસ પ્રભાવ જમાવતા દેખાઈ રહ્યા નથી. જો કે સંવેદનશીલ મુદ્દાઓ પર વિપક્ષી નેતાઓની ટીપ્પણી ઘણી મોટી અસરો વોટરોના મનમાં કરી રહી છે.

સહારનપુર બેઠક

ભાજપના રાઘવ લખનપાલ સિટિંગ એમપી છે અને ભાજપે તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. બસપા તરફથી હાજી ફજલુર્રહમાન અને કોંગ્રેસના ઈમરાન મસૂદ ઉમેદવાર છે. 2014માં ઈમરાન મસૂદને ચાર લાખ વોટ મળ્યા હતા. પરંતુ કોંગ્રેસ અને મહાગઠબંધનના ઉમેદવાર મુસ્લિમ હોવાથી સમુદાયના વોટ વિભાજીત થશે.

કેરાના બેઠક

2018ની કેરાના બેઠકની પેટાચૂંટણીમાં આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને જીત મેળવી હતી અને હવે તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ફરી એકવાર અહીંથી ઉમેદવાર છે. ભાજપે પ્રદીપ ચૌધરી અને કોંગ્રેસે હરેન્દર મલિકને ઉમેદવાર બનાવ્યા છે. પેટાચૂંટણીમાં તબસ્સુમ હસને ભાજપના મૃંગાકા સિંહને 45 હજાર વોટથી હરાવ્યા હતા. કેરાના બેઠક પર ત્રિકોણીય જંગમાં ભાજપની સ્થિતિ મજબૂત છે.

મુઝફ્ફરનગર બેઠક

2013ના મુઝફ્ફરનગરના હુલ્લડોના આરોપી રહેલા વર્તમાન સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલિયાન ફરી એકવાર અહીંથી ભાજપના ઉમેદવાર છે. તેમની સામે આરએલડી પ્રમુખ મહાગઠબંધનના ઉમેદવાર અજીતસિંહ ચૂંટણી લડી રહ્યા છે. મહાગઠબંધનને અમેઠી અને રાયબરેલી, તથા કોંગ્રેસે મુઝફ્ફરનગર અને બાગપત સહીત સાત બેઠકો પરથી ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ બેઠક પર મુકાબલો ભાજપ અને મહાગઠબંધન વચ્ચે છે. મુઝફ્ફરનગર બેઠક પર જાટ વિરુદ્ધ જાટ ઉમેદવારના મુકાબલામાં બાલિયાનની સ્થિતિ મજબૂત છે. પરંતુ અજીત સિંહને મુસ્લિમ વોટરોના ટેકાનો પણ ફાયદો મળશે. અહીં 30 ટકા મુસ્લિમ વોટર છે.

બિજનૌર બેઠક

યુપીમાં જે બેઠકો પર મુસ્લિમ વોટરો વધારે છે, તેમા બિજનૌર પણ સામેલ છે. મહાગઠબંધન તરફથી બસપાના મલૂક નાગર અને ભાજપ તરફથી વર્તમાન સાંસદ કુંવર ભારતેન્દ્રસિંહને ફરી એકવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નસીમુદ્દીન સિદ્દીકી પણ મેદાનમાં છે અને તેથી ત્રિપાંખિયા જંગના આસાર છે.

મેરઠ બેઠક

બસપાના હાજી મોહમ્મદ યાકૂબ,ભાજપના વર્તમાન સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ અને કોંગ્રેસને હરેન્દ્ર અગ્રવાલ મેરઠ પરથી ઉમેદવાર છે. 2014માં રાજેન્દ્ર અગ્રવાલે બસપાના મોહમ્મદ શાહીદ અખલાકને અઢી લાખ વોટથી હરાવ્યા હતા. આ વખતે પણ મહાગઠબંધન માટે મેરઠ બેઠક આસાન નથી.

બાગપત બેઠક

કેન્દ્રીય પ્રધાન સત્યપાલસિંહ ભાજપ તરફથી અને આરએલડી તરફથી અજીતસિંહના પુત્ર જયંત ચૌધરી મહાગઠબંધનના ઉમેદવાર છે. અજીત સિંહની પરંપરાગત બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા નથી. તેથી સત્યપાલસિંહ અને જયંત ચૌધરી વચ્ચે આકરી ટક્કર જોવા મળે તેવા આસાર છે.

ગાઝિયાબાદ બેઠક

પશ્ચિમ યુપીમાં ભાજપ મજબૂત સ્થિતિમાં હોય તેવી બેઠક છે. મોટાભાગની વસ્તી શહેરોમાં છે અને તેને ભાજપની કોર વોટરની શ્રેણીમાં ગણવામાં આવે છે. ભાજપ તરફથી સિટિંગ એમપી વી. કે. સિંહ, કોંગ્રેસ તરફથી ડોલી શર્મા અને મહાગઠબંધન તરફથી સમાજવાદી પાર્ટીના સુરેશ બંસલ ચૂંટણી લડી રહ્યા છે.

ગૌતમબુદ્ધ નગર બેઠક

ભાજપના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મહેશ શર્મા ફરી એકવાર ઉમેદવાર છે. મહાગઠબંધન તરફથી સતબીર નાગર અને કોંગ્રેસના અરવિંદસિંહ ચૌહાન ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ માટે મજબૂત ગણાતી બેઠક છે. મહેશ શર્માએ 2014માં સમાજવાદી પાર્ટીના નરેન્દ્ર ભાટીને 2.80 લાખ વોટથી હરાવ્યા હતા.

LEAVE YOUR COMMENT