રાજકોટઃ શહેરમાં મહિલા ASI અને પોલીસ કર્મચારીની આત્મહત્યાના ચકચારી બનાવમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન પોલીસની તપાસમાં મહિલા ASIના ઘરમાંથી બીજી સરકારી સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. જેથી પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મહિલા ASI સરકારી આવાસ યોજનાની જે વિંગમાં રહેતી તે વિંગના પાર્કિંગમાંથી રાત્રે 3 કલાકે એક શંકાસ્પદ કાર નીકળી હોવાનું તપાસમાં ખુલ્યું છે. કાર કોની છે અને કારમાં કોણ સવાર હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ASIના ઘરમાં મહિલા ASIખુશ્બુ અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજની લાશ મળી આવી હતી. બન્ને પોલીસ કર્મચારીઓ પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યાનું પોલીસ માની રહી છે. પોલીસને મહિલા ASIની લાશ પાસેથી તેની સર્વિસ રિવોલ્વર પણ મળી આવી હતી. જેથી કોન્સ્ટેબલે તેની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાનું મનાઈ રહ્યું છે. દરમિયાન પોલીસની તપાસમાં મકાનમાંથી અન્ય રિવોલ્વર મળી આવી હતી. આ રિવોલ્વર ખુશ્બુના સાથી ASI વિવેક કુછડિયાની હોવાનું સામે આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિરાજ, ખુશ્બુ, વિવેક કુછડિયા અને તેમના પત્ની સાથે જમવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન વિવેક પોતાની રિવોલ્વર ખુશ્બુના ઘરે જ ભૂલી ગયા હતા. જો કે પોલીસે સર્વિસ રિવોલ્વર બાબતે વિવેક કુછડિયાની પૂછપરછ આરંભી છે.
આ ઉપરાંત મહિલા ASI ખુશ્બુ સરકારી આવાસના જે વિંગમાં રહેતા હતા તે વિંગના પાર્કિંગમાંથી રાત્રે 11થી 3 કલાક સુધીની સમયગાળામાં એક કાર 3 વખત નીકળી હોવાનું સામે આવ્યું હતું. આ કાર પોલીસ કોન્સ્ટેબલ રવિરાજની બાજુમાં જ પાર્ક કરવામાં આવી હતી. એટલું જ નહીં રાત્રે 3 કલાકે કાર પૂરઝડપે પાર્કિંગમાંથી ચાકલ લઈને નીકળ્યો હતો. જ્યારે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત રાત્રે 2થી 3ના સમયગાળામાં થયું હતું. જેથી પોલીસે કારના માલિકની શોધખોળ આરંભી છે.