1. Home
  2. ગુજરાતી
  3. ‘વિશ્વ માતૃભાષા દિવસ’ – ગુજરાતી ભાષાની પણ એક અલગ મજા છે,’છેવટે વિચારો કે સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે’
‘વિશ્વ માતૃભાષા દિવસ’ – ગુજરાતી ભાષાની પણ એક અલગ મજા છે,’છેવટે વિચારો કે સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે’

‘વિશ્વ માતૃભાષા દિવસ’ – ગુજરાતી ભાષાની પણ એક અલગ મજા છે,’છેવટે વિચારો કે સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે’

0

સાહીન મુલતાની-

  • વિશ્વ માતૃભાષા દિવસ
  • ગુજરાતી આપણી ભાષા ગૌરવ લેવા જેવી વાત છે
  • જેટલા ગર્વથી અંગ્રેજી બોલો તેટલા જ ગર્વથી ગુજરાતી બોલો
  • ગુજરાતી ભાષા શરમાવાની ભાષા નથી,ગૌરવ લેવાની વાત છે

આજે વિશ્વ કક્ષાએ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે,21મી ફેબ્રુઆરી એટલે માતૃ ભાષા દિવસ,ગુજરાતની માતૃભાષા ગુજરાતી આજે ખુબજ જાણીતી ભાષા બની છે,ગુજરાતીમાં કેમ છો કહેવાની મજા હોય છે,માતૃભાષામાં બોલાયેલા શબ્દોમાં લાગણી હોય છે એહસાસ હોય છે,હાવ આર યુ? અને કેમ છો? આ બન્ને શબ્દોનો અર્થ તો એક જ થાય છે પરંતુ બોલવામાં ખુબ જ અલગ તરી આવે છે.

વર્ષ ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસને ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી લઈને આજ દીન સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે. ભાષાની જાળવણી આવનારી પેઢીઓ માટે એક મહત્વનું સકારાત્મક પગલું છે.આજે સાચવેલી ભાષા આપણી આવનાર પેઢીને એક અનોખી ભેટ હશે,કારણ કે આજે અંગ્રેજી શીખવામાંને શીખવામાં લોકો ગુજરાતીથી દુર થતા જાય છે,અને ગુજરાતીમાં વાત કરવી તો ઘણા લોકો માટે જાણે શરમ જનક હોય તેમ જોવા મળે છે,અનેક મોટી કંપનીઓ કે ક્ષેત્રમાં કાર્ય કરતા ગુજરાતી લોકો જ્યારે ગુજરાતી-ગુજરાતી હોવા છત્તા પણ અંગ્રેજીમાં બોલે છે ત્યારે તેમના બાળકો પણ માતૃભાષાથી વંચિત રહી જતા હોય છે.

આપણે આપણા કાર્યમાં આપણા ફિલ્ડમાં આગળ વધવા માટે અંગ્રેજી આવડવુ જોઈએ એ વાત બરાબર છે,પરંતુ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકોને સાથે સાથે ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ જેથી કરીને આપણું બાળક આપણી માતૃભાષાના ભાવ સાથે જોડાયેલું રહે અને આપણો ગુજરાતી વારસો પણ જળવાઈ રહે.

આજ કાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને આગળ નામના મેળવે ત્યારે આવી ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર રાખતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.બાળકની પ્રથમ શાળા માતા-પિતા હોય છે જેથી કરીને આ વાતનું ધ્યાન આપણા શીરે એક મોટી જવાબદારી બને છે.

આપણી માતૃભાષા ખુબ જ સરસ અને સુંદર છે,અને તેનું જતન કરવું આપણા દરેકની જવાબદારી છે,છેવટે આપણા વિચારો હોય કે આપણે જોયેલા સપનાઓ હોય, જે ક્યારેય અંગ્રેજીમાં નથી આવતા હોતા તે તો આપણી માતૃભાષામાં જ આવતા હોય છે,ગમે તેટલું અંગ્રેજી શિખી લઈએ પરંતુ જ્યારે કુતરુ પાછળ પડે ત્યારે પહેલો શબ્દ આપણા મોઢામાંથી માતૃભાષામાં જ આવતો હોય છે.હુડ હુડ હુડ……ત્યારે ખ્યાલ આવે છે કે, ગુજરાતી જે આપણી માતૃભાષા છે તે આપણા રગેરગમાં સમાયેલી છે,ત્યારે શા માટે ખોટો દંભ,દેખાવ કરવા માટે ગુજરાતી માતા સમાન ભાષાને નાની બનાવવી જોઈએ,માતૃભાષાને પણ એટલી જ ગર્વથી બોલવી જોઈએ જેટલી આજે દેશમાં અંગ્રજી ભાષા ગર્વથી બોલાય છે.

ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે.માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે.આપણે એક બીજાના સંપર્કમાં બધા જોડાયા છે તો તે માતૃ ભાષાને કારણે જ ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.

ગુજરાતી હોવા છત્તાં ગુજરાતી બોલવાનો સંકોચ શાને ?

એક વાત આપણે આજે સહજ અને સરળ રીતે સ્વીકારવી જોઈએ કે,ભરી સભામાં આજે જ્યા મોટા-મોટા અધિકારીઓ કે લોકો બેઠા હોઈ છે ત્યારે આપણે અંગ્રેજી ન આવડતું હોવા છત્તાં અગ્રેજી બોલવાનો પ્રયત્ન કરી લેતા હોઈ છે કારણ કે આપણે શરમ અનુભવીએ છે ગુજરાતી બોલવામાં,પરંતુ તમે મનમાં ગાઠ વાળી લો હવે, જો તમે ગુજરાતમાં જ રહો છો અને તમે કોઈ સભા કે મિટિંગમાં જાવો છો તો ત્યા દરેક લોકોને ગુજરાતી તો આવડતી જ હોય છે તો ગર્વ સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો જ જોઈએ.અને તમારી અંદર છુપાયેલા ડરને બહાર લાવવો જોઈએ.અને એવી જગ્યાઓ કે જ્યા અન્ય ભાષા કે અંગ્રેજીની અનિવાર્યતા છે તો તે ભાષા આપણે શીખવી જ જોઈએ એમા કંઈજ ખોટૂ નથી,પરંતુ કહેવાનો તાત્પર્ય એ જ છે કે,ગુજરાતી હોવાની સાથે ગુજરાતી બોલતા ગર્વ અનુભવો શરમ નહી.

આ સાથે જ વિશ્વભરના અનેક દેશોમાં ગુજરાતી પરિવારના લોકો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં  ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!

LEAVE YOUR COMMENT

Your email address will not be published.