Site icon Revoi.in

આરટીઈ અંતર્ગત ગરીબ બાળકોને કેટલીક શાળાઓએ પ્રવેશ ન આપતા વાલીઓમાં રોષઃ ડીઈઓને રજુઆત

Social Share

અમદાવાદ: ગરીબ બાળકોને આરટીઆઈ અંતર્ગત ખાનગી શાલાઓ પ્રવેશ આપતી ન હોવાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઉગ્ર રજુઆત કરીને હોબાળો મચાવ્યો હતો. અમદાવાદ સહિતના ચાર મુખ્ય શહેરોમાં ખાનગી શાળાઓમાં આરટીઈ અંતર્ગત બાળકોને પ્રવેશ ન આપતાં ઠેરઠેર હોબાળો થયો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષિણાધિકારીની કચેરીએ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ વાલીઓનો પક્ષ લઈને રજૂઆત કરી હતી. રાજકોટમાં પણ લધુમતી સ્કૂલે પ્રવેશ ન આપતા મામલો ડીઈઓ સુધી પહોંચ્યો હતો. સુરતમાં આરટીઈમાં બાળકોને પ્રવેશ અપાવવા ગયેલા વાલીઓને સ્કૂલોએ પ્રવેશ આવવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે રાજ્યના મુખ્ય શહેરો સહિત વાલીઓનો રોષ સામે આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ પ્રવેશને લઈ વિવાદ ઊભો થયો છે. લઘુમતી સ્કૂલોમાં પ્રવેશ ફાળવણી કર્યા બાદ સ્કૂલોએ પ્રવેશ ન આપતા વાલીઓએ વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ હોબાળો કર્યો હતો. પ્રવેશ ન આપવાને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.જેને પગલે ડીઈઓ કચેરીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. મણીનગરની હેબ્રોન સ્કૂલ, સાબરમતીની ST, ANNS સ્કૂલ સહિતની સ્કૂલોએ બાળકોને પ્રવેશ આપ્યો ન હતો. અત્યાર સુધીમાં 100થી વધુ બાળકોને પ્રવેશ મળ્યો નથી. અમદાવાદની સેન્ટ મેરી નરોડા, સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુર સહિતની સ્કૂલોએ પ્રવેશ આપવા ઈન્કાર કરી દીધો છે. ત્યારે સાબરમતીની ST ANNS સ્કૂલે પ્રવેશ ન આપવા અંગે વાલીઓને પત્ર પણ દીધો હતો. સ્કૂલે તેમાં જણાવ્યું છે કે, લઘુમતી શાળાઓનો કેસ કોર્ટમાં ચાલે છે. કોર્ટનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી તેઓ RTE હેઠળ તે પ્રવેશ આપશે નહીં. આંબાવાડીની અમૃત જ્યોતિ સ્કૂલે બાળકોને પ્રવેશ ન આપતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ ધારાસભ્ય રજૂઆત કરવા પહોંચ્યા હતા. શહેર ડીઈઓ આર સી પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન પોર્ટલ પર અગાઉથી સૂચના આવાપમાં આવી હતી કે લાલ અક્ષર વાળી સ્કૂલો વાલીઓ પસંદ કરશે તો તેમના રિસ્ક પર પસંદ કરશે. તેમ છતાં વાલીઓએ આવી સ્કૂલો પસંદ કરી છે અને તે સ્કૂલોએ પ્રવેશ નથી આપ્યો. પ્રવેશ નથી આપ્યો તેવી સ્કૂલોને અમે પત્ર લખીશું. વાલીઓની રજૂઆત પણ સાંભળીશું. સ્કૂલો પાસેથી લેખિતમાં જવાબ મેળવીને જે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવીશું.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં આરટીઇ હેઠળ મિશનરી સ્કૂલો ગરીબ અને લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા વાલીઓએ ડીઇઓ કચેરીએ દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. પ્રવેશ મળ્યો હોવા છતાં પણ અન્યાય થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. અન્ય શાળાઓમાં પ્રવેશ આપવાની માંગ સાથે વાલીઓએ ડીઇઓને અરજી આપી હતી. અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મિશનરી સ્કૂલોમાં એડમિશન આપવામા આવ્યાં નથી તેની રજૂઆતો છે. તેનો કેસ કોર્ટમાં ચાલે છે. કોર્ટના ચુકાદાની રાહ છે અને બીજો રાઉન્ડ બાકી છે. વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. બીજા રાઉન્ડમાં એડમિશન આપી દેવામાં આવશે. રાજકોટની છ શાળા આવી છે. જેના ચુકાદો આવ્યે આગળની કાર્યવાહી શરૂ કરી દેશું. જ્યારે સુરત શહેરમાં આરટીઈ મુજબ એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. જેમાં વિદ્યાર્થીઓને જે તે સ્કૂલે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતાં વિદ્યાર્થીઓના વાલીઓ એડમિટ કાર્ડ લઇને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. સેન્ટ ઝેવિયર્સ, મદ્રેશા તૈયાબિયા ઈંગ્લિશ સ્કૂલ સહિત અનેક સ્કૂલ સામે વાલીઓએ ડીઈઓ કચેરી ખાતે હાય હાયના નારા લગાવ્યા હતાં. સ્કૂલ દ્વારા એડમિશનની ના પાડતા વાલીઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયોહ તો. સુરતામાં પણ સ્કૂલોએ વાલીઓને કોર્ટ મેટર ચાલે છે એડમિશન ના કરી શકીએ તેવો જવાબ આપી વાત વાળી દીધી હતી. તેમજ વડોદરામાં પણ બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ ન આપતા હોબાળો થયો હતો. શહેરના કારેલીબાગ ખાતેની જિલ્લા શિક્ષિણાધિકારીની કચેરીએ એનએસયુઆઈના કાર્યકરોએ આવેદન આપીને વાલીઓને પડખે ઊભા રહ્યા હતા.