Site icon Revoi.in

કચ્છમાં હિટ એન્ડ રનઃ વાહનની અડફેટે બાઈક સવાર 3 યુવાનના મોત

Social Share

ભુજઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન કચ્છના અંજારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરઝડપે પસાર થતા અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં 3 યુવાનોના કરૂણ મોત નિપજ્યાંહતા. અકસ્માત સર્જીને ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર અંજારમાં રહેતો વિરેન્દ્ર ઉર્ફે વિનોદ નાનજી મહેશ્વરી નામનો 24 વર્ષીય યુવાન મિત્રો સાથે બાઈક પર મુંદ્રા હાઈવે પરથી પસાર થતો હતો. ત્યારે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માતને પગલે મોટરસાઈકલ પર સવાર યુવાનો નીચે પટકાયા હતા. જ્યારે અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે એક યુવાનને ઈજા થઈ હતી.

આ બનાવની પગલે આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં તેનું પણ મોત થતા મૃત્યુઆંક 3 પર પહોંચ્યો હતો. મૃતકના પરિવારજનોએ સરકારી હોસ્પિટલના તબીબોએ યોગ્ય સારવાર નહીં આપતા મોત થયાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. તેમજ પરિવારને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.

હિટ એન્ડ રનની ઘટનામાં નીતિન મહેશ્વરી (ઉ.વ.18) અને અશ્વિન મહેશ્વરી (ઉ.વ.18)ના ઘટના સ્થળે તથા વિરેન્દ્ગનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર ફરાર વાહન ચાલકને ઝડપી લેવા કવાયત આરંભી હતી. માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના મોત થતા અંજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ અકસ્માત સર્જનાર વાહન ચાલકને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવા માંગણી કરી હતી.