Site icon Revoi.in

ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં આર્ટસ-કોમર્સમાં પ્રવેશ માટે આજથી પીન વિતરણનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સલગ્ન વિનિયન, વાણિજ્ય (આર્ટસ-કોમર્સ) સહિતની કોલેજોમાં પ્રવેશ માટે આજે સોમવારથી દરેક કોલેજમાં પિન વિતરણ પિન -માહિતી પુસ્તિકા આપવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. જયારે બીએસસી વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ કાર્યવાહી અંતર્ગત બુધવારથી પીન આપવાની કાર્યવાહીનો પ્રારંભ થશે. પ્રવેશ કમિટીએ નિર્ધારિત કરેલી બેન્કની શાખા પરથી પેમેન્ટ આપવાથી વિદ્યાર્થીઓ પિન અને માર્ગદર્શક પુસ્તિકા મેળવી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્ટ્સ, કોમર્સ, લો, અને એજ્યુકેશન સહિતની કોલેજના આચાર્યો અને તેમના પ્રતિનિધિઓની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં પ્રવેશ પ્રક્રિયાની ચર્ચા વિચારણા અંગે નિર્ણય લેવાયા બાદ સ્નાતક કક્ષાના કોર્સ માટે આજથી દરેક કોલેજોમાં પીન વિતરણ કરવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત અનુસ્નાતક કક્ષાના કોર્સ માટે આજે સોમવારથી જે તે કોલેજ અને ભવન ઉપરાંત પી જી સેન્ટર્સ પરથી પીન વિતરણ કરશે. આ વર્ષે પહેલો રાઉન્ડ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કર્યા બાદ તેના મેરિટના આધારે જ બીજા રાઉન્ડમાં જે તે કોલેજો પ્રવેશ આપે તેવું નક્કી કરાયું છે. જયારે ત્રીજા રાઉન્ડમાં અન્ય વિદ્યાર્થીઓ કે જેઓનાં ફોર્મ ભરવાનાં રહી ગયા હોય તેમને સામેલ કરશે. દરેક કોલેજોમાં ૧૨ જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પ્રકારે આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓએ પીન મેળવ્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ભરેલા ફોર્મનું વેરિફિકેશન દરેક કોલેજોમાં થશે. એક વખત વિદ્યાર્થીને એડમિશન મળી જાય અને તે રિપોર્ટિંગ કરાવી લેશે, તેને બીજા રાઉન્ડમાં ભાગ લેવા મળશે નહીં. યુનિવર્સિટીએ કરેલી જાહેરાત અનુસાર બીકોમ, બીબીએ, બીસીએમાં આર્ટ્સના વિદ્યાર્થીઓને બ્રિજ કોર્સ પૂરો કરવાની શરતે પ્રવેશ અપાશે. દરેક કોલેજોએ સેન્ટ્રલાઈઝડ એડમિશનના નિયમ મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરવું પડશે. ઇડબ્લ્યુએસનો ચાલુ વર્ષે અમલ થઈ રહ્યો હોવાથી ૩૩ ટકા બેઠક બહેનો માટે અનામત રખાશે. આ સિવાય શહીદ સુરક્ષા કર્મીઓનાં સંતાનોને પી જી એમ ફીલ કોર્સમાં સુપર ન્યુમેરિક બેઠકો પર પ્રવેશ અપાશે. આ લાભ એક જ વખત અપાશે. યુનિવર્સિટીએ મેરિટ અંગે નક્કી કરેલા નિયમોનો ભંગ કરનારી કોલેજોને એક લાખ સુધીનો દંડ કરાશે પીન ખરીદ્યા પછી પરિણામ આવે ત્યારે વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.