Site icon Revoi.in

નર્મદામાં પાણીની વિકટ સમસ્યાઃ સ્થાનિકો આંદોલનના માર્ગે

Social Share

વડોદરાઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નર્મદાનું પાણી પુરુ પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લામાં સ્થાનિકો માટે પાણી માટે વલખા મારી રહ્યાં છે. જેથી સ્થાનિકો આંદોલન કરી રહ્યાં છે. જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમા આંદોલને વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર રાજ્યને નર્મદાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના લોકો જ પાણી માટે વલખા મારી રહ્યાં છે. જેથી જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો પાણી માટે આંદોલન કરી રહ્યા છે. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી નહી મળે તો નર્મદા ડેમની મેઇન કેનાલના દરવાજા બંધ કરવાનું અલ્ટીમેટમ અપાયુ હતું. જેના પગલે દેડિયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા અને બીટીપીના કાર્યકરો રાજપીપલા નજીક જીતનગર ચોકડી પાસે એકત્ર થયા હતાં. કેવડિયા તરફ આગેકૂચ કરતા નર્મદા મેઇન કેનાલ પર પહોંચે તે પહેલાં જ  તમામની અટકાયત કરી લીધી હતી.

પોલીસે ધારાસભ્ય મહેશ વસાવાની  અટકાયત કરતા જ ટેકેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. અટકાયતના વિરોધમાં ધારાસભ્ય અને ટેકેદારો રસ્તા પર બેસી ગયા હતાં. દેખાવોકારોએ સરકાર અને મુખ્યમંત્રી વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. તમામ દેખાવકારોને જીતનગર હેડ કવાર્ટર ખાતે  તમામને લઇ જવામાં આવ્યા હતાં. અહીં પણ લોકોએ સરકાર વિરૂદ્ધ  સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મહિલાઓએ માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

બીટીપીના આંદોલનને પગલે કેવડિયા જતા તમામ માર્ગો પર પોલીસ અને એસઆરપી સહિત ૪૦૦ થી વધુ અધિકારી જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વડોદરા રેન્જના તમામ જિલ્લાની પોલીસ બોલાવાઇ હતી. જેમાં 2 એસપી, 4 ડીવાયએસપી, 8 પીઆઇ સહિત 400થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી ચેકિંગ  કરાયુ હતું. ધારાસભ્ય મહેશ વસાવાએ આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવેતો ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.