Site icon Revoi.in

સુરતમાં 35 વર્ષ જૂની ઈમારત થઈ ધરાશાયીઃ મોટી દુર્ઘટના ટળી

Social Share

સુરતઃ શહેરના પારલે પોઈન્ટ વિસ્તારમાં ચાર માળની ઈમારત એક તરફથી નમી પડ્યાં બાદ અચાનક પતાના મહેલની જેમ ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઈમારતમાં રહેતા 11 પરિવારને સહીસલામત બહાર કાઢીને સુરક્ષીત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં આવેલી ચાર માળના વિશાલ દર્શન એપાર્ટમેન્ટમાં 11 પરિવારના 25થી વધારે લોકો વસવાટ કરતા હતા. દરમિયાન આ ઈમારતનો એક ભાગ નમી પડ્યો હતો. આ અંગેની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઈમારતને ખાલી કરાવીને અંદર રહેતા પરિવારને બહાર કાઢીને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યાં હતા. દરમિયાન આ ઈમારત પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી… આ ઈમારત લગભગ 35 વર્ષ જૂની હોવાનું જાણવા મળે છે. આ ઈમારતમાં આવેલા 16 ફ્લેટમાં લગભગ 11 પરિવાર વસવાટ કરતા હતા. પારલે પોઈન્ટ વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ જતા તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ સુરક્ષાના ભાગરૂપે આસપાસની ઈમારતોને પણ ખાલી કરાવવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.