Site icon Revoi.in

નવસારીમાં વાહન અકસ્માત બાદ મામલો બિચક્યોઃ બે ટોળાં વચ્ચે ભારે પથ્થરમારો

Social Share

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં નવસારી નજીક આવેલા વિજલપોરમાં માર્ગ અકસ્માત બાદ મામલો બિચકતા ટોળા સામ-સામે આવી ગયા હતા. તેમજ ભારે પથ્થરમારો કરતા નાસભાગી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કરતા પોલીસે ટીયરગેસના શેલ છોડીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વિજલપોરમાં વિઠ્ઠલ મંદિર પાસે માર્ગ અકસ્માત થયો હતો. જે બાદ અકસ્માતે મોટુ સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો. એટલું જ નહીં 1000 માણસોનું ટોળુ સામ-સામે આવી ગયું હતું અને ભારે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બળપ્રયોગ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટીયર ગેસના 25 જેટલા શેલ છોડીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પથ્થરમારામાં પોલીસ કર્મચારી સહિત 4 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી.