Site icon Revoi.in

બનાસકાંઠામાં બેફામ બન્યા ગુનેગારો, પોલીસને રિવોલ્વર બતાવીને સાગરિતને છોડાવી ગયા બે શખ્સો

Social Share

ડીસાઃ બનાસકાંઠાના લાખાણી નજીક ચોરીની ટ્રક લઈને ફરાર થતા શખ્સને પોલીસે અટકાવ્યો હતો. દરમિયાન મોટરકારમાં આવેલા બે શખ્સો ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીને રિવોલ્વર બતાવીને ચોરને લઈને પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. તેમજ અજાણ્યા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. રાજ્યમાં અવાર-નવાર પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના બને છે ત્યારે બનાસકાંઠામાં પોલીસ કર્મચારીઓને જ રિવોલ્વર બતાવીને ચોરને ભગાડી જવાની ઘટના સામે આવતા લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણામાંથી એક ટ્રકની ચોરી થઈ હતી. આ ટ્રક લઈને ચોર બનાસકાંઠાના લાખાણી પાસેથી પસાર થવાનો હોવાની માહિતીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન બાતમી આધારેની ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. તેમજ તેના ચાલકની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે જ પાછળથી મોટરકારમાં બે શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ ટ્રક ચાલકની પૂછપરછ કરતા પોલીસ કર્મચારીઓને રિવોલ્વર બતાવીને પોતાના સાગરિતને લઈને પલાયન થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. લોકોની સુરક્ષા કરતી પોલીસને જ આરોપીઓ રિવોલ્વર બતાવીને ફરાર થઈ જાય તો પ્રજાની સુરક્ષાનું શું સહિતના પ્રશ્નો ઉભા થયા છે. આ બનાવની ઉચ્ચ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી છે.