Site icon Revoi.in

મોડાસામાં વરઘોડામાં થયેલા ભારે પથ્થર મારા બાદ અજંપાભરી શાંતિ

Social Share

મોડાસાઃ રાજ્યમાં સમરસ સમાજની વાતો કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં અનુસૂચિત સમાજ અને અન્ય સમાજના લોકો વચ્ચેના ઝઘડાઓના બાનાવોમાં વધારો થયો છે. દરમિયાન મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના યુવકના લગ્નેનો વરઘોડો કાઢવાના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ટોળાએ પોલસ ઉપર પણ પથ્થર મારો કર્યો હતો. આ બનાવમાં 10 લોકો ઘવાયા હતા. આ બનાવને પગલે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન આજે ખંભીસરમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ખંભીસરમાં અનૂસુચિત જાતિના પરિવારના દીકરાના લગ્ન હોવાથી પોલીસ બંદબોસ્ત માંગવામાં આવ્યો હતો. અગાઉ સમાજના કોઈનો વરઘોડા નીકળ્યો નહીં હોવાથી બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામમાં વરઘોડો નીકળ્યો હતો ત્યારે અન્ય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો તેમજ રસ્તા ઉપર હવન અને ભજન શરૂ કર્યા હતા. જેથી પોલીસે વરઘોડા શાંતિપૂર્ણ માહોલમાં નિકળે તે માટે બન્ને પક્ષના લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે, બન્ને સમાજના લોકો સમાધાન માટે તૈયારી દર્શાવી ન હતી. દરમિયાન મોડી સાંજે જ્યાં ભજન થતા હતા ત્યાંથી વરઘોડા નિકાળવાનું નક્કી કરાયું હતું.

પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો નીકાળવાનો પ્રયાસ કરતા જ બન્ને સમાજના લોકો સામ-સામે આવી ગયા હતા. તેમજ ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી દોડધામ મચી ગઈ હતી. ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થર મારો કર્યો હતો. આ બનાવમાં 11 લોકોને ઈજા થઈ હતી. તેમજ સરકારી વાહનોને પણ નુકશાન થયું હતું. ગામમાં પથ્થરમારાનો બનાવ બનતા અન્ય પોલીસ ફોર્સ પણ ઉતારવામાં આવ્યો હતો. તેમજ ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તેમજ તોફાનીઓને ઝડપી લેવા માટે કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ગામમાં સવારથી જ અજંપાભરી શાંતિ પ્રવર્તી હતી. તેમજ પોલીસે ફરીથી બન્ને સમાજના લોકોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા.