Site icon Revoi.in

ઈશનિંદાના મામલામાં મુક્ત થયેલી આસિયા બીબીએ છોડયું પાકિસ્તાન, પહોંચી કેનેડા

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટમાંથી ઈશનિંદાના મામલામાં ગત વર્ષ બરી થયેલી ખ્રિસ્તી મહિલા આસિયા બીબી પોતાનો દેશ છોડીને કેનેડા પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સમાં આના સંદર્ભે બુધવારે જાણકારી આપવામાં આવી છે.

આસિયા બીબી 47 વર્ષીય છે અને 2010માં પોતાના પાડોશીઓ સાથેના વિવાદમાં ઈસ્લામનું અપમાન કરવાનો આરોપ લાગ્યા બાદ તેને દોષિત ઠેરવવામાં આવી હતી. જો કે ચાર બાળકોની માતા આસિયા બીબીએ સતત પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. પરંતુ તેમ છતાં તેને આઠ વર્ષ સુધી જેલમાં એકાંતવાસમાં જીવન ગુજારવું પડયું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સૂત્રને ટાંકીને આવેલા મીડિયા અહેવાલ મુજબ, આસિયા બીબીએ દેશ છોડી દીધો છે. તે એક સ્વતંત્ર નાગરીક છે અને પોતાની સ્વતંત્ર ઈચ્છા પ્રમાણે પ્રવાસ કરી શકે છે.

આસિયા બીબીના વકીલ સૈફુલ મલૂકે એ વાતની પુષ્ટિ કરી છે કે તેમની અસીલ કેનેડા પહોંચી ગઈ છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂને આના સંદર્ભે જાણકારી આપી છે. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ગત 31 ઓક્ટોબરે તેને ઈશનિંદાના આરોપોમાંથી મુક્ત કરી હતી. આ નિર્ણયથી પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ દેખાવો ઈસ્લામિક રાજકીય પક્ષ તહરીક-એ-લબૈકે કર્યા હતા અને તેના કાર્યકર્તાઓએ પાકિસ્તાનના ઘણાં વિસ્તારોમાં હાઈવે અને સડકો પર વાહનવ્યવહાર રોક્યો હતો. મહત્વપૂર્ણ છે કે ખુદ આસિયા બીબીના વકીલને પાકિસ્તાન છોડીને નેધરલેન્ડમાં જવાનો વારો આવ્યો છે.