Site icon Revoi.in

ભોપાલ: ‘હિંદુત્વ વિરોધી’ દિગ્વિજયસિંહ માટે સાધુસંતોએ કર્યો હઠયોગ, કોમ્પ્યુટર બાબાએ ધખાવી ધૂણી

Social Share

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ભોપાલમાં થનારા જંગ ઉપર દરેકની નજરો રહેલી છે. હિંદુત્વ અને કથિત હિંદુ ટેરર જેવા મુદ્દાઓ પર છેડાયેલા ચૂંટણી ઘમસાણની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે નવો દાવ રમ્યો છે. ભોપાલમાં કોમ્પ્યુટર બાબાના નેતૃત્વમાં દિગ્વિજયના સમર્થન માટે સાધુઓએ ધૂણી ધખાવી છે. જ્યારે બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ આ વાતને લઈને દિગ્વિજય પર પલટવાર કર્યો છે.

દિગ્વિજય સિંહ પોતાની પત્ની અને કોમ્પ્યુટર બાબાની સાથે ભોપાલમાં પૂજા કરવા માટે પહોંચ્યા, જ્યાં અનેક સાધુઓ ભેગા થયા હતા. ભાજપ સાધ્વી પ્રજ્ઞાને હિંદુ અસ્મિતાના ચહેરાના રૂપમાં પ્રસારિત કરી રહી છે, ત્યારે કોંગ્રેસના આ પગલાને સાધ્વી વિરુદ્ધ કાઉન્ટર તરીકે લેવામાં આવી રહ્યું છે. દિગ્વિજયે આ દરમિયાન સાધુઓની હાજરીમાં પોતાની પત્ની સાથે પૂજાપાઠ અને હવન કર્યો. અહીંયા સાધુઓ માટે ધૂણીસ્થળ બનાવવામાં આવ્યું છે, જ્યાં સાધુસંત હઠયોગ સહિત તમામ યોગ મુદ્રાઓમાં જોવા મળ્યા.

ભોપાલમાં પૂજાસ્થળ પર એક બોર્ડ પણ લગાવેલું છે. આ બોર્ડ પર લખ્યું છે- ‘દિગ્વિજયસિંહની જીત માટે હજારો સંતોનો હઠયોગ.’ આમ ભોપાલની ચૂંટણીમાં હવે સંપૂર્ણપણે હિંદુત્વની અસર જોવા મળી રહી છે. ભોપાલમાં સભાઓ અને રેલીઓમાં ધર્મયુદ્ધની માફક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હિંદુત્વને મુદ્દો બનાવીને ચૂંટણીના પાસાઓ ફેંકવામાં આવી રહ્યા છે. ચૂંટણી એનાલિસ્ટ્સ સંભાવનાઓ દર્શાવી રહ્યા હતા કે દિગ્વિજયને હિંદુ વોટ્સનો સપોર્ટ ઓછો મળશે. જાણકારોનું માનવું છે કે પ્રજ્ઞાના પડકાર સામે લડવા માટે દિગ્વિજયે અહીંયા હિંદુ કાર્ડ રમ્યું છે.

કોમ્પ્યુટર બાબાએ મીડિયા સાથેની વાતચીતમાં બીજેપી પર નિશાન સાધ્યું છે. ભોપાલમાં હઠયોગ માટે સાધુઓ સાથે આવેલા કોમ્પ્યુટર બાબાએ કહ્યું, “બીજેપી સરકાર પાંચ વર્ષોમાં રામમંદિર પણ ન બનાવી શકી. હવે રામમંદિર નહીં તો મોદી નહીં.” ઉલ્લેખનીય છે કે કોમ્પ્યુટર બાબાને શિવરાજ સરકારના કાર્યકાળમાં દરજ્જા સાથે મંત્રીનો હોદ્દો મળ્યો હતો.

દિગ્વિજયના સમર્થનમાં 8 મેના રોજ ભોપાલમાં એક મોટી શોભાયાત્રા પણ નીકળશે. આ અભિયાનની કમાન પણ કોમ્પ્યુટર બાબાના જ હાથમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોડ શૉની જેમ થનારી આ શોભાયાત્રામાં આશરે 7 હજાર સાધુ-સંતો સામેલ થશે. ભોપાલ સીટ પર છઠ્ઠા તબક્કા માટે 12 મેના રોજ મતદાન થવાનું છે. આ સીટ પર લાંબા સમયથી બીજેપીનો કબ્જો છે.