Site icon Revoi.in

RSS-BJPના કાર્યકર્તાઓ કેન્દ્રીય દળોની વર્દીમાં કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ : મમતા બેનર્જી

Social Share

કોલકત્તા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ભાજપ સરકાર પર મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કેન્દ્રીય દળોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યા છે કે તેમને આશંકા છે કે ભાજપ અને આરએસએસના કાર્યકર્તા ચૂંટણી કરાવવા માટે કેન્દ્રીય દળોની વર્દી પહેરીને રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છે. બેનર્જીએ અહીં દક્ષિણ પરગણા જિલ્લાના બસંતી વિસ્તારમાં એક રેલીમાં કહ્યું છે કે હું કેન્દ્રીય દળોનું અપમાન કરી રહી નથી. પરંતુ તેમને મતદાતાઓને પ્રભાવિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની નિયુક્તિ કરવાના નામ પર ભાજપ બળજબરીથી આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓને અહીં મોકલી રહ્યું છે.

ભાષાના અહેવાલ મુજબ, મમતા બેનર્જીએ કહ્યું છે કે મને શંકા છે કે આરએસએસના કાર્યકર્તાઓને વર્દીમાં પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવી રહ્યા છે. તેની સાથે જ બેનર્જીએ કહ્યું છે કે ઘાટલ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભારતી ઘોષની સુરક્ષાનો પ્રભાર સંભાળી રહેલા કેન્દ્રીય દળના અધિકારીઓના ગોળીબારમાં ટીએમસીના એક કાર્યકર્તા ઘાયલ થયા છે.

તેમણે કહ્યું છે કે આજે કેન્દ્રીય દળોએ એક કેન્દ્રમાં ગોળીબાર કર્યો. મે સાંભળ્યું કે લઘુમતી સમુદાયમાંથી આવનારા મારો એક ભાઈ ઈજાગ્રસ્ત થઈ ગયો. બેનર્જીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળોના કર્મચારીઓ કતારમાં ઉભેલા મતદાતાઓને ભગવા પાર્ટીના પક્ષમાં વોટ કરવાનું કહી રહ્યા હતા. બેનર્જીએ કહ્યું છે કે તેઓ આવું કેવી રીતે કરી શકે છે? મતદાતાઓને ભાજપ માટે વોટ નાખવા માટે કહેવું શું કેન્દ્રીય દળોનું કામ છે? કેટલાક સેવાનિવૃત્ત અધિકારીઓને મોદી સરકાર તરફથી અહીં મતદાન કરાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે અને તેમને જે સમજાવાઈ રહ્યું છે તે કરી રહ્યા છે.

તેમણે કહ્યું છે કે તમને આવું કામ કરતી વખતે શરમ આવવી જોઈએ, તમે અહીં તમારું કર્તવ્ય નિભાવવા માટે છો. આજે તમે મોદીના તાબા હેઠળ કામ કરી રહ્યા છો, કાલે કોઈ અન્ય હેઠળ હશો. ત્યારે તમે શું કરશો? પશ્ચિમ બંગાળમાં લોકસભાની આઠ બેઠકો પર છઠ્ઠા તબક્કા હેઠળ થયેલી ચૂંટણી માટે કેન્દ્રીય દળોની અંદાજે 770 કંપનીઓને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે તેનાત કરવામાં આવી હતી.