Site icon Revoi.in

વારાણસી: આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા વ્યક્તિએ 3 દીકરીઓ સાથે ઝેર ખાઇને કરી લીધી આત્મહત્યા

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી હૃદય ખળભળાવી દેનારી ઘટના સામે આવી છે. અહીંયા એક બાપે પોતાની ત્રણ દીકરીઓ સાથે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યાનું કારણ આર્થિક તંગી જણાવવામાં આવી રહ્યું છે. મૃતક દીપક ગુપ્તા વારાણસીના લક્સા પોલીસસ્ટેશનની નવી સડક ગીતા મંદિર વિસ્તારનો રહેવાસી હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે દીપક ગુપ્તાએ તેની 9 વર્ષની દીકરી નવ્યા, 7 વર્ષની દીકરી અદિતિ અને 5 વર્ષીય દીકરી રિયા સાથે આત્મહત્યા કરી, તો તે સમયે તેની પત્ની ઘરે નહોતી. દીપક ગુપ્તાએ પોતાની પત્નીને મારીમારીને પિયર મોકલી દીધી હતી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આત્મહત્યાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પરિવારજનોને દીપક ગુપ્તાના ઝેર ખાવા અંગે જાણકારી મળી તો તેમને તાત્કાલિક પહેલા કબીરચૌરા અને પછી ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ઇલાજ દરમિયાન ચારેય જણાએ દમ તોડી નાખ્યો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, મૃતક દીપક ગુપ્તા પર દેવાનો બોજ હતો, જેના કારણે તે પરેશાન રહેતો હતો. જોકે આજુબાજુના કેટલાક લોકો આઇપીએલમાં સટ્ટાબાજીની વાત કરી રહ્યા છે.

મૃતક દીપક ગુપ્તાની ભત્રીજી સાક્ષીએ જણાવ્યું કે બુધવારે રાતે કાકા દીપકની 3 દીકરીઓ નવ્યા, અદિતિ અને રિયા બહાર આંગણામાં સૂતી હતી. આ દરમિયાન દીપક ગુપ્તા આવ્યો અને તેમને ઉઠાવીને રૂમમાં લઇ ગયો. ત્યારબાદ તે દાદીના રૂમમાં ટીવી જોવા લાગ્યો. થોડીવાર પછી નાની દીકરી રિયા બહાર આવી અને દાદીને કહ્યું કે પપ્પાએ તેમને કંઇક પીવડાવી દીધું છે.

સાક્ષીએ જણાવ્યું કે આ સાંભળીને દાદી રૂમમાં ગયા અને ત્રણેય દીકરીઓ અને કાકા દીપકને પોતાની સાથે બહાર લઇ આવ્યા. પછી કાકા ટોયલેટ જતા રહ્યા અને દીકરીઓને ઉલ્ટી શરૂ થઈ ગઈ. ત્યારબાદ બાળકીઓને તાત્કાલિક કબીરચૌરા લઈ જવામાં આવી. બીજી બાજુ દીપક ગુપ્તા પણ ટોયલેટમાંથી નીકળ્યા અને બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. તેમને પણ કબીરચૌરા લઈ જવામાં આવ્યા. ચારેયની તબિયત વધુ બગડતી જોઈને નવ્યાના મામા બધાને ટ્રોમા સેન્ટર લઈ ગયા, જ્યાં બધાનું મોત થઈ ગયું.

આ સનસનાટીભરી ઘટનાથી આખું બનારસ સ્તબ્ધ છે. આ ઘટના તે સમયે સામે આવી છે, જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં અંતિમ તબક્કામાં 19 મેના રોજ વોટિંગ કરવામાં આવશે. અહીંયાથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી મોદી બીજીવાર લડી રહ્યા છે.