Site icon Revoi.in

રોબર્ટ વાડ્રાને જેલના દરવાજા સુધી લઈ આવ્યો છું, આગામી પાંચ વર્ષમાં અંદર કરી દઈશ: પીએમ મોદી

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પરિવાર પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. બુધવારે તેમણે હરિયાણાના ફતેહાબાદમાં એક ચૂંટણીસભાને સંબોધિત કરી છે. આ પ્રસંગે રોબર્ટ વાડ્રાનું નામ લીધા વગર તેમણે કહ્યુ છે કે તે (રોબર્ટ વાડ્રા) ખુદને શહેનશાહ સમજતા હતા. પરંતુ આજે જામીન માટે ચક્કર કાપી રહ્યા છે. કોર્ટમાં એડીયો રગડી રહ્યા છે. મોદીએ આગળ કહ્યુ છે કે હું રોબર્ટ વાડ્રાને જેલના દરવાજા સુધી લઈ આવ્યો છું, આગામી પાંચ વર્ષોમાં અંદર પણ કરી દઈશ.

વાડ્રાની સાથે તેમણે કોંગ્રેસને પણ નિશાને લેતા કહ્યુ છે કે આ પાર્ટીએ ખેડૂતોની જમીન પર ભ્રષ્ટાચારની ખેતી કરી છે. હરિયાણામાં જ્યારે કોંગ્રેસની સરકારહતી, તો તે વખતે સસ્તી કિંમતે ખેડૂતોની જમીન હડપવાનો ખેલ ચાલ્યો હતો. પરંતુ આજે આ ચોકીદાર તમને લોકોને વિશ્વાસ અપાવે છે કે જે લોકોએ દેશને લૂંટયો છે, તેમને વ્યાજ સાથે આનો હિસાબ ચુકવવો પડશે.

આ પ્રસંગે તેમણે 1984ના શીખ વિરોધી રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે તેમણે વાયદો કર્યો હતો કે શીખ વિરોધી રમખાણોના ગુનેગારોને સજા અપાવીને જ રહીશ. આજે તેમને એ વાતની ખુશી છે કે શીખ સમાજને કરવામાં આવેલો વાયદો પુરો થઈ રહ્યો છે. આ હુલ્લડોના મામલામાં દોષિતોને સજા મળવી શરૂ થઈ ચુકી છે. તેમણે આગળ કહ્યુ હતુ કે હુલ્લડોના આ મામલામાં પણ કોંગ્રેસે તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં કોઈ કોરકસર છોડી ન હતી.