Site icon Revoi.in

‘હુઆ તો હુઆ’ના નિવેદન પર રાહુલ બોલ્યા- પિત્રોડાને શરમ આવવી જોઈએ, તેમણે સાર્વજનિક માફી માંગવી જોઈએ

Social Share

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું વોટિંગ 19મેના રોજ થવાનું છે. આ દિવસે પંજાબની 13 સીટો પર પણ મતદાન છે, પરંતુ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું શીખ દંગાઓ ઉપર આપેલું નિવેદન ‘હુઆ તો હુઆ’ પાર્ટીને ટેન્શન આપી રહ્યું છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબના ફતેહગઢ સાહિબમાં એક રેલી કરી. જેમાં તેમણે પિત્રોડાના નિવેદન પર ન માત્ર સ્પષ્ટતા આપી પરંતુ કહ્યું કે પિત્રોડાને આ નિવેદન પર શરમ આવવી જોઈએ તેમજ તેમણે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પિત્રોડા પોતાના નિવેદન પર મીડિયાની સામે આવીને પહેલા જ માફી માંગી ચૂક્યા છે.

રાહુલ ગાંધીએ ફતેહગઢ સાહિબમાં રેલી દરમિયાન કહ્યું, ‘સેમ પિત્રોડાએ 1984 વિશે જે કહ્યું છે તે એકદમ અયોગ્ય છે. તેમણે આ માટે દેશ પાસે માફી માંગવી જોઈએ. મેં સાર્વજનિક રીતે કહ્યું અને આ જ વાત મેં તેમને ફોન કરીને પણ જણાવી. મેં પિત્રોડાને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ, તમારે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ.’

ઉલ્લેખનીય છે કે રાહુલે આ પહેલા પણ પોતાની ફેસબુક પોસ્ટ પર પિત્રોડાના આ નિવેદનની ટીકા કરી હતી. પોતાની ફેસબુક પોસ્ટમાં રાહુલે કહ્યું હતું કે સેમ પિત્રોડાએ જે કહ્યું છે કે અયોગ્ય છે અને આ માટે તેમણે માફી માંગવી જોઈએ. આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ સેમના નિવેદનને વ્યક્તિગત ગણાવીને હાથ ખંખેરી નાખ્યા હતા.

રાહુલે આગળ લખ્યું હતું, ‘મારું માનવું છે કે 1984 એક બિનજરૂરી ત્રાસવાદ હતો જેનાથી અતિશય પીડા થઈ.’ રાહુલે કહ્યું કે ન્યાય થવો જોઈએ અને જે લોકો 1984ના ત્રાસવાદ માટે દોષી હતા, તેમને દંડ આપવામાં આવવો જોઈએ. રાહુલે ફેસબુક પોસ્ટમાં આગળ કહ્યું, ‘પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે માફી માંગી છે. મારી માતા સોનિયા ગાંધીએ માફી માંગી છે. અમે અમારી સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી છે કે 1984માં એક ભયંકર ત્રાસવાદ થયો હતો અને આવા રમખાણો ક્યારેય ન થવા જોઈએ.’

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની સીઝનમાં વિવાદ વધતા સેમ પિત્રોડાએ માફી માંગી લીધી હતી. તેમણે સફાઇમાં કહ્યું હતું, ‘મારું હિંદી સારું નથી, એટલે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. મારા કહેવાનો અર્થ હતો કે જે થયું તે ખરાબ થયું, હું મારા મગજમાં ‘બુરા’નો અનુવાદ નહોતો કરી શક્યો.’ તેમણે કહ્યું, ‘મને દુઃખ છે કે મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. હું માફી માંગું છું.’ ઉલ્લેખનીય છે કે પંજાબમાં છેલ્લા તબક્કાનું મતદાન છે અને સેમ પિત્રોડાના નિવેદન પર બીજેપી સતત કોંગ્રેસ પર વાર કરી રહી છે.