Site icon Revoi.in

1984ના શીખ વિરોધી રમખાણો ખૂબ પીડાકારક, સેમ પિત્રોડા માંગે માફી: રાહુલ ગાંધી

Social Share

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984ના શીખ વિરોધી રમખાણો પર કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના નિવેદનની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ સેમ પિત્રોડાને પોતાના નિવેદન પર માફી માંગવા માટે પણ જણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે શીખ વિરોધી હુલ્લડોના દર્દને ક્યારેય ભૂલી શકાય નહીં. મારી માતા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ માફી માંગી ચુક્યા છે. સેમ પિત્રોડાએ બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે જે થયું તે થયું, તમે પાંચ વર્ષોમાં શું કર્યું ?

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મને લાગે છે કે સેમ પિત્રોડાએ જે કહ્યુ છે, તે પાર્ટી લાઈનથી સંપૂર્ણપણે અલગ છે અને તેના માટે તેમણે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યુ છે કે મારું માનવું છે કે 1984 એક એવી દુર્ઘટના હતી જેણે ખૂબ પીડા આપી. ન્યાય થવો જોઈએ. જે લોકો પણ આના માટે જવાબદાર છે, તેમને સજા મળવી જોઈએ.

રાહુલ ગાંધીએ આગળ એમ પણ કહ્યુ છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે માફી માંગી, મારી માતા સોનિયા ગાંધીએ માફી માંગ. અમારા સૌનું પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું કે તે એખ ભયજનક દુર્ઘટના હતી, જે થવી જોઈતી ન હતી.

સેમ પિત્રોડાએ ગુરુવારે કહ્યુ હતુ કે હવે શું છે 84નું ? તમે (નરેન્દ્ર મોદી) પાંચ વર્ષમાં શું કર્યું, તેની વાત કરો. 84માં જે થયું તે થયું. આ મામલા પર વિવાદ ઉભો થયા બાદ પિત્રોડાએ કહ્યુ કે ભાજપ પોતાની નિષ્ફળતાને છૂપાવવા માટે તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે.

ભાજપે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કહ્યુ છે કે તેઓ 1984ના હુલ્લડો માટે શીખ સમુદાયની હાથ જોડીને માફી માંગે. કોંગ્રેસ પાર્ટી સેમ પિત્રોડાને તાત્કાલિક બરતરફ કરે અને એ સ્વીકારવાની પણ માગણી કરી છે કે કોંગ્રેસે સ્વાર્થપરક કારણોથી લોકોના હત્યાકાંડ થવા દીધા.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ છે કે પિત્રોડાએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે, તેની સરખામણી રાજીવ ગાંધીની એ ટીપ્પણી સાથે કરી શકાય છે, જેમાં તેમણે આ હત્યાકાંડ બાદ કહ્યુ હતુ કે જ્યારે મોટું વૃક્ષ પડે છે, તો ધરતી હલે છે.