Site icon Revoi.in

INS વિરાટ પર રજાઓ મામલે મોદીના નિવેદન પછી કોંગ્રેસ ગુસ્સામાં, ઉતરી રાજીવ ગાંધીના બચાવમાં

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ પીએમ રાજીવ ગાંધી પર નૌસેનાના INS વિરાટ પર રજાઓ ગાળવાના નિવેદન પછી કોંગ્રેસે પીએમ મોદી પર નિશાનો સાધીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીનો ખુલીને બચાવ કર્યો છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે રાજીવ ગાંધીએ INS વિરાટનો ઉપયોગ રજાઓ માટે નહીં પરંતુ આધિકારિક ઉદ્દેશો માટે કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પિતા પર પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે તેમને ઘેર્યા અને કહ્યું કે પીએમ મોદીએ રાફેલ પર પણ વાત કરવી જોઈએ.

મોદીના આરોપોથી ગુસ્સે ભરાયેલી કોંગ્રેસે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને PM મોદીના આરોપોને નિરાધાર જણાવતા કહ્યું કે આ તેમની ગભરામણ દર્શાવે છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ’30 વર્ષ પછી મૃત વડાપ્રધાન રાજીવ ગાંધી વિશે ટિપ્પણી કરવામાં આવી રહી છે.’ વિરાટ પર રજાઓ ગાળવાના મોદીના આરોપો પર સિંઘવીએ કહ્યું, ‘રક્ષા મંત્રાલય સાથે સંબંધિત મુદ્દાઓ પર ફક્ત ઓફિશિયલ ટ્રિપ હોય છે. એક સિટિંગ વડાપ્રધાન ત્યાં જાય છે. તેમની સાથે જે જાય છે, તેની લિસ્ટ હોય છે.’

પોતાના પિતા રાજીવ ગાંધી પર આપવામાં આવેલા પીએમના નિવેદન પર પલટવાર કરતા રાહુલે કહ્યું, ‘તમારે રાજીવ ગાંધીની વાત કરવી હોય તો કરો, મારી વાત કરવી હોય તો કરો, દિલ ખોલીને કરો પરંતુ જનતાને એ પણ સમજાવી દો કે તમે રાફેલ મામલે શું કર્યું અને શું નથી કર્યું.’

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ પૂર્વ પીએમનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, મોદી, રાજીવ ગાંધી પર હુમલો કરી રહ્યા છે કારણકે તેમની પાસે મતદાતાઓ સમક્ષ રજૂ કરવા માટે તેમની સરકારની કોઈ ઉપલબ્ધિ નથી. તેમણે કહ્યું, ‘વાઇસ એડમિરલ (સેવાનિવૃત્ત) વિનોદ પસરીચાએ ટીવી ચેનલ્સને કહ્યું છે કે આ જૂઠાણું છે. રાજીવ ગાંધી એક અધિકૃત યાત્રા પર હતા. આ રજાઓ નહોતી. તથ્યો મોદી માટે મહત્વના નથી.’

ખેડાએ કહ્યું કે મોદી દેશના પહેલા વડાપ્રધાન છે, જે પોતાની વિફળતાઓ પર વોટ માંગી રહ્યા છે. તેમણે કહ્યું કે નોટબંધી, બેરોજગારી તેમજ રાફેલ વિમાન સોદા જેવા મુદ્દાઓ મોદી માટે ચર્ચાનો વિષય નથી. ખેડાએ કહ્યું, ‘મોદી આ બધાં માટે રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવી શકે છે. સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું છે કે રાફેલ સાથે સંકળાયેલા દસ્તાવેજો ચોરી થઈ ગયા છે. મોદી આ માટે પણ રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવી શકે છે.’