Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે તેજબહાદુરની નોમિનેશન રદ કરવા વિરુદ્ધની અરજીને ફગાવી, મોદી વિરુદ્ધ વારાણસીમાં નહીં લડી શકે ચૂંટણી

Social Share

તેજ બહાદુર યાદવના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીથી લોકસભા ચૂંટણી લડવાની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે નોમિનેશ રદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને રદિયો આપીને કહ્યું કે તેમની અરજીમાં કોઈ મેરિટ નથી. કોર્ટના આ નિર્ણયથી વારાણસીમાં વડાપ્રધાન મોદીને મજબૂત પડકાર આપવાની યોજના પર મહાગઠબંધનને મોટો ઝાટકો લાગ્યો છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે બુધવારે તેજબહાદુર યાદવની ફરિયાદ પર સુનાવણી કરીને ચૂંટણીપંચને નિર્દેશ આપ્યો હતો કે તેજબહાદુરની ફરિયાદના દરેક પોઇન્ટ પર ફોકસ કરવામાં આવે અને કાલ સુધીમાં (9 મે) કોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવે. ચૂંટણીપંચે ગત દિવસોમાં વારાણસી લોકસભા સીટ પરથી તેજબહાદુર યાદવનું નોમિનેશન રદ કરી દીધું હતું, જેના વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.                                    

સમાજવાદી પાર્ટી તરફથી નોમિનેટેડ અને બીએસએફના બરતરફ જવાન તેજબહાદુર યાદવની અરજી પર આજે ગુરૂવારે ફરી સુનાવણી થઈ. ચૂંટણીપંચ તરફથી રાકેશ દ્વિવેદીએ પોતાનો પક્ષ રાખ્યો. સાથે જ ચૂંટણીપંચે વારાણસીના ચૂંટણી અધિકારીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.