Site icon Revoi.in

રફાલનો મામલો: રિવ્યૂ પિટિશન અને રાહુલ ગાંધીના નિવેદન પર સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં રફાલ ડીલમાં દાખલ સમીક્ષા અરજીઓ પર શુક્રવારે સુનાવણી સમાપ્ત થઈ ચુકી છે. સુપ્રીમ કોર્ટે પુનર્વિચારણા અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુનાવણીની શરૂઆતમાં જ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યુ છે કે અમે બંને પક્ષોને એક-એક કલાકનો સમય આપી રહ્યા છીએ. આજે ચાર વાગ્યા સુધીમાં સુનાવણીને પૂર્ણ કરવા માંગીએ છીએ.

તેના પછી વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે પુનર્વિચારણા અરજી પર ચર્ચા શરૂ કરી હતી. અરજદારો તરફથી રજૂ થયેલા પ્રશાંત ભૂષણે કહ્યુ હતુ કે ડિસેમ્બર-2018ના સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમે રફાલ ડીલના કોન્ટ્રાક્ટને રદ્દ કરવી માગણી કરી રહ્યા હતા, જ્યારે આમ કંઈ થયું નથી. અમે માત્ર આ મામલામાં એફઆઈઆર દાખલ કરીને તપાસની માગણી કરી રહ્યા હતા. પ્રશાંત ભૂષણે આગળ કહ્યુ છે કે આ ચુકાદો સકરાર તરફથી આપવામાં આવેલી ગેરમાર્ગે દોરનારી ખોટી જાણકારીઓના આધારે છે. તેના કારણે અમે પુનર્વિચારણાની માગણી કરી રહ્યા છીએ.

પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે 18મી સપ્ટેમ્બરે સીસીએસની બેઠકમાં ડિફેન્સ ડીલના આઠ મહત્વપૂર્ણ ક્લોસની અવગણના કરવામાં આવી હતી. ત્યાં સુધી કે એન્ટિ કરપ્શન ક્લોઝની સામે પણ આંખ આડા કાન કરાયા હતા. પ્રશાંત ભૂષણે કહ્યુ હતુ કે રફાલ યુદ્ધવિમાનોનું બેંચમાર્ક મૂલ્ય નક્કી હતું. અહીં પાંચ અબજ યુરો નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રફાલની ફાઈનલ પ્રાઈસ તેના બેન્ચમાર્ક મૂલ્યથી 55.6 ટકા વધારે હતી અને તે સમયની સાથે વધતું ગયું. આ મામલામાં કોઈ બેંક ગેરેન્ટી પણ નથી. તેમાં માત્ર ફ્રાંસ દ્વારા જાહેર કરવામાં આવેલો લેટર ઓફ કમ્ફર્ટ છે.

પ્રશાંત ભૂષણે પોતાની દલીલમાં આગળ કહ્યુ છે કે અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ રફાલ ડીલને લઈ તપાસ કરે. અમે રફાલ ડીલને રદ્દ કરવા ઈચ્છતા નથી. સુપ્રીમ કોર્ટે તેની તપાસની માગણી પર સુનાવણી કરી નથી કે જેના આધારે સુનાવણી કરીને અમે કોન્ટ્રાક્ટને રદ્દ કરાવવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે કોર્ટની સમક્ષ તે વખતે કેગના તે રિપોર્ટને ટાંક્યો હતો કે જે તે સમયે અસ્તિત્વમાં જ ન હતો. તે જાણકારી પ્રમાણે કોર્ટે ચુકાદો આપ્યો.

આના પહેલા કોર્ટે ગત સોમવારે સુનાવણી એમ કહેતા સ્થગિત કરી હતી કે સમીક્ષા અરજીઓ અને રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર હૈ-વાળી ટીપ્પણીને સુપ્રીમ કોર્ટ સાથે જોડવાની વિરુદ્ધ અવગણના મામલા પર એકસાથે 10મી મેના રોજ સુનાવણી કરવામાં આવશે.

રસપ્રદ વાત એ છે કે કોર્ટે આ નિર્દેશ એ જાણ્યા બાદ પણ આપ્યો હતો કે રાહુલ ગાંધી વિરુદ્ધ અનાદરના મામલામાં સુનાવણી અલગ કરી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે અમે થોડા આશ્ચર્યચકિત છીએ કે બે મામલાઓ (રાહુલ ગાંધી દ્વારા અદાલતના અનાદરનો મામલો અને રફાલ સંબંધિત મામલો)ને અલગ કરી દેવામાં આવ્યા છે.

જસ્ટિસ ગોગોઈએ કહ્યુ હતુ કે અદાલત સમીક્ષા અરજીઓ પર સુનાવણી 10મી મેએ નિશ્ચિતપણે પૂર્ણ કરવા માંગે છે. જસ્ટિસ ગોગોઈ સહીત જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ એસ. કે. કૌલની સદસ્યતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે બંને મામલાની સુનાવણી એકસાથે થવી જોઈએ.

રફાલ મામલામાં આ અરજીઓને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંતસિંહા, અરુણ શૌરી અને એડવોકેટ પ્રશાંત ભૂષણે દાખલ કરી છે. આ તમામ સુપ્રીમ કોર્ટના 14મી ડિસેમ્બરના આદેશની સમીક્ષા કરવાની માગણી કરી રહ્યા છે. અદાલતે 14મી ડિસેમ્બરના પોતાના આદેશમાં રફાલ ડીલમાં કથિત અનિયમિતતાઓની તપાસની માગણી કરનારી અજીઓને નામંજૂર કરી હતી.

કેન્દ્ર સરકારે પોતાના તાજેતરના એફિડેવિટમાં 14મી ડિસેમ્બરના પોતાના ચુકાદાની સમીક્ષાનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે રફાલ સોદામાં પ્રત્યક્ષપણે કોઈ ભૂલ થઈ નથી.