Site icon Revoi.in

અફઘાન સુરક્ષાદળોના ઠેકાણા પર તાલિબાનોના હુમલામાં 65થી વધુના મોત

Social Share

અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોના એક ઠેકાણા પર તાલિબાનોના ભીષણ હુમલામાં ઓછામાં ઓછા 65 લોકોના મોત નીપજ્યા છે. અહેવાલો મુજબ, પૂર્વ અફઘાનિસ્તાનના વરદાક પ્રાંતમાં સુરક્ષાદળોના ઠેકાણા પર તાલિબાનના હુમલામાં ઓછામાં ઓછા અન્ય 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલા 18 લોકોના મોતના અહેવાલ હતા. પરંતુ એક કાટમાળમાંથી 50થી વધુ લાશો કાઢવામાં આવી હોવાની સરકાર તરફથી કબૂલાત બાદ મૃત્યુઆંક વધ્યો હતો.

અહેવાલ  મુજબ, એક આત્મઘાતી હુમલાખોરે સોમવારે સવારે સાત વાગ્યે વિસ્ફોટકોથી ભરેલી એક કારમાં વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્તારના આરોગ્ય વિભાગના પ્રમુખ સલેમ અશગરખેલે કહ્યુ છે કે મેદાન વરદક પ્રાંતમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકો સૈન્યકર્મીઓ હતા. કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રાંતીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલાઓને રાજધાની કાબુલ મોકલવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયના નાયબ પ્રવક્તા નસરત રાહિમીએ કહ્યુ છે કે એક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કરનારા આત્મઘાતી હુમલાખોરે પહેલા સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યો અને તેના પછી આતંકવાદીઓએ અફઘાનિસ્તાની ફોર્સિસ પર ગોળીબાર પણ કર્યો હતો.

અફઘાનિસ્તાની સૈનિકોએ પોતાની કાર્યવાહીમાં બે તાલિબાનોને ઠાર કર્યા હતા. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે મીડિયાને નિવેદન જાહેર કરીને હુમલાની જવાબદારી લીધી હતી.