Site icon Revoi.in

અમેરિકામાં ટ્રમ્પે શટડાઉન સમાપ્ત કરવાનું કર્યું એલાન

Social Share

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દીવાલ બનાવવા માટે ફંડિંગ નહીં મળવા છતાં સરકારી કામકાજને હંગામી ધોરણે ફરીથી શરૂ કરવા માટે શટડ઼ાઉનને સમાપ્ત કરનારા ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ 15મી ફેબ્રુઆરી સુધી સરકારી કામકાજને હંગામી ધોરણે ફરીથી શરૂ કરવા માટે ડેમોક્રેટ્સની સાથે સમજૂતી કરવાની ઘોષણા કરી હતી.

આ શટડાઉને અમેરિકાની ફેડરલ સરકારના ઘણાં મુખ્ય વિભાગોના કામકાજને એક પ્રકારે પંગુ બનાવી દીધા હતા. 35 દિવસોથી ચાલી રહેલા આ શટડાઉને માનવીય સંકટની સ્થિતિ પણ પેદા કરી હતી. તેના કારણે અમેરિકામાં આઠ લાખ જેટલા ફેડરલ ગવર્નમેન્ટના કર્મચારીઓને એક માસ સુધી પગાર પણ મળ્યો નથી. હવે ટ્રમ્પના આ પગલાથી અમેરિકાને હંગામી ધોરણે મોટી રાહત મળી છે.

શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે રોઝ ગાર્ડનમાં પોતાના ભાષણમાં શટડાઉનને સમાપ્ત કરવાનું એલાન કર્યું હતું. અમેરિકન કોંગ્રેસના બંને ગૃહોએ પણ તેને ધ્વનિમતથી મંજૂરી આપી હતી અને બાદમાં બંને ગૃહો સ્થગિત પણ થઈ ગયા હતા. બાદમાં શુક્રવારે મોડી રાત્રે 35 દિવસ સુધી ચાલેલા શટડાઉનને સમાપ્ત કરવામાં આવ્યું હતુ.

અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું છે કે સ્પીકર નેન્સી પેલોસી માટે આ એક મોટી જીત છે. તેમણે ત્રણ સપ્તાહ પહેલા જ અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાની કમાન સંભાળી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે આ સમજૂતી બાદ પેલોસીએ કહ્યુ છે કે આપણી વિવિધતા આપણી શક્તિ છે. પરંતુ આપણી એકતા આપણી શક્તિ છે અને કદાચ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ શક્તિને ઓછી આંકી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી શટડાઉનને સમાપ્ત કરવાના બિલ પર હસ્તાક્ષર જરૂર કર્યા છે. પરંતુ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દીવાલ બનાવવાની પોતની માગણી પર તેમણે સમજૂતી કરી નથી.

મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકો બોર્ડર પરથી ઘૂસણખોરીને રોકવા માટે દીવાલ બનાવવા માટે કોંગ્રેસ સમક્ષ 5.7 અબજ ડોલરનું ફંડ મંજૂર કરવા માટેની માગણી કરી છે. પરંતુ અમેરિકન કોંગ્રેસ તેને મંજૂરી આપી રહી નથી. હાલમાં અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાં વિપક્ષી દળ ડેમોક્રેટિકની બહુમતી છે. ડેમોક્રેટ મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવા માટે ફંડને મંજૂર કરવાના પક્ષમાં નથી. આ ફંડને મંજૂરી નહીં મળવા છતાં ટ્રમ્પે 15મી ફેબ્રુઆરી સુધી સરકારી કામકાજને અસ્થાયીપણે ફરીથી શરૂ કરવા માટે ડેમોક્રેટ્સ સાથે એક સમજૂતી કરવાની ઘોષણા કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ છે કે તેમની ઈચ્છા છે કે લોકો અમેરિકા અને મેક્સિકો બોર્ડર પર દીવાલને લઈને તેમના વિચારોને સાંભળે અથવા વાંચે. આને કોઈપણ પ્રકારની છૂટ માનવામાં આવે નહીં. આમ લાખો લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આવા લોકો શટડાઉનથી ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ રહ્યા હતા અને આ સમજની સાથે કે જો આ 21 દિવસોમાં કોઈ સમંતિ બનતી નથી, તો તમામ કોશિશો વ્યર્થ બની જશે.