Site icon Revoi.in

ઈરાનના ઠેકાણાઓ પર ઈઝરાયલના ભીષણ હવાઈ હુમલા, સીરિયાને પણ ચિમકી

Social Share

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષનો તબક્કો સમાપ્ત થવાનું નામ લઈ રહ્યો નથી. સોમવારે પણ ઈઝરાયલ દ્વારા સીરિયામાં આવેલા ઈરાનના ઠેકાણાઓ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે.

અહેવાલો મુજબ, ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે તેમણે સોમવારે સવારે સીરિયામાં ઈરાનના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ઈઝરાયલી સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે તેમણે સીરિયામાં ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કુદ્સ ફોર્સ પર હુમલા કર્યા છે. જો કે આ હુમલાથી થયેલા નુકસાન સંદર્ભે હજી કોઈપણ પ્રકારની જાણકારી સામે આવી નથી.

માત્ર એટલું જ નહીં, ઈઝરાયલી સેનાએ સીરિયાની સરકારી સેનાઓને ચેતવણી આપી છે કે તેઓ ઈઝરાયલના વિસ્તારો અને ઈઝરાયલના દળોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવાથી દૂર રહે. ઈઝરાયલે આ હુમલાઓની વિગતવાર જાણકારી આપી નથી.

ઈઝરાયલની સેનાએ રવિવારે કહ્યું હતું કે તેની હવાઈ સુરક્ષા વ્યવસ્થાએ સીરિયા દ્વારા છોડવામાં આવેલા એક રોકેટને રોકવામાં સફળતા મેળવી હતી. આના પહેલા સીરિયાએ પણ ઈઝરાયલ પર દેશના દક્ષિણી હિસ્સાઓમાં હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઈઝરાયલે પોતાના મુખ્ય શત્રુ ઈરાનના પાડોશી દેશ સીરિયામાં સૈન્ય ઠેકાણાઓને સ્થાપિત કરવાથી રોકવાનો સંકલ્પ લીધો છે. તેના દ્વારા સીરિયા ખાતેના ઈરાનના સૈન્ય ઠેકાણાઓ સામે સેંકડો હવાઈ હુમલાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે મે-2018માં પણ કથિતપણ ઈરાનના હુમલાનો જવાબ ઈઝરાયલે સીરિયામાં તેના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવીને આપ્યો હતો. આ પ્રસંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ હતુ કે ઈરાને લક્ષ્મણરેખા ઓળંગી છે.