Site icon Revoi.in

ઈસ્લામને “ચાઈનિઝ” બનાવશે પાકિસ્તાનના મિત્ર જિનપિંગ, ચીને બનાવી પંચવર્ષીય યોજના

Social Share

ભારતમાં મુસ્લિમો બંધારણીય રીતે તમામ અધિકારો અને આઝાદી ભોગવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન ભારતમાં મુસ્લિમો સાથે કથિત ઘૃણાની વાત કાશ્મીરના બહાને કે ગૌહત્યાના મામલે થનારા મોબ લિંચિંગના મામલે યુનોથી માંડીને મોટાભાગના આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવી રહ્યું છે. મુસ્લિમ મદસરસાઓમાં વંદેમાતરમ ગાવા પર અથવા તો રાષ્ટ્રગાન ગાવા પર વિવાદ ભારતમાં કોઈ નવી વાત નથી. ધર્મના નામે ભારતમાં યોગ જેવી ભારતીય પરંપરાઓના વિરોધ અને સૂર્યનમસ્કારના વિરોધની ઘટનાઓ પણ ભારતમાં બને છે. પરંતુ ચીન પોતાના દેશમાં મુસ્લિમોની આવી કોઈપણ અલગ દેખાવાની વૃત્તિને સ્વીકારવા માટે તૈયાર નથી. આખી દુનિયામાં ઈસ્લામના રહેનુમા હોવાની ગલતફેમીમાં રાચતા પાકિસ્તાનના સદાબહાર મિત્ર ચીને ઈસ્લામની તોહીનમાં એક એવી હરકત કરી છે કે જેને કારણે ચીનમાં મુસ્લિમોના ધાર્મિક અધિકારો પર જોખમ પેદા થયું છે. પરંતુ તેમ છતાં ચીન દ્વારા પોતાને ત્યાં રહેતા મુસ્લિમો પર કરવામાં આવતા અત્યાચાર પર પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનના કથિત જેહાદી જૂથોના આતંકી આકાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર લગભગ ચુપ છે.

ચીન પોતાને ત્યાં લઘુમતી મુસ્લિમો પર નિયંત્રણોને વધુ મજબૂત કરવા માટે એક રાજકીય અભિયાનની શરૂઆત કરવાનું છે. તેના માટે ચીન એક પંચવર્ષીય યોજના બનાવી રહ્યું છે. તેના પ્રમાણે ઈસ્લામના ચીનીકરણ દ્વારા તેનું ચાઈનિઝ સંસ્કરણ તૈયાર કરી શકાય. આની પાછળનો ઉદેશ્ય ચીનમાં ઈસ્લામને અહીંની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના વિચારોને અનુરૂપ બનાવી શકાય.

આવી પંચવર્ષીય યોજનાઓને હજી સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ તેના મુસદ્દાને લઈને છ જાન્યુઆરી અને સાત જાન્યુઆરીએ બેઠક બાદ ચાઈનિઝ ઈસ્લામિક એસોસિએશનની વેબસાઈટ પર એક પ્રેસ રિલિઝમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઈસ્લામના ચીનીકરણની આવી નવી કોશિશ આંતરરાષ્ટ્રીય તપાસને તેડું આપનારી સાબિત થવાની સંભાવના છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે ચીનમાં લાખો ઉઈઘૂર મુસ્લિમોને શિનજિયાંગ પ્રાંતની રાહત શિબિરોમાં રાખવાના અહેવાલો સામે આવ્યા છે. શિનજિયાંગ એક સ્વાયત્તત ક્ષેત્ર છે અને ચીનના પશ્ચિમ વિસ્તારમાં મધ્ય એશિયાની સરહદ પર આવેલું રાજ્ય છે. 2015માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની જોરદાર અપીલ બાદ સીપીસીનું એક યુનિટ યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપોર્ટમેન્ટ વિદેશી ધ્મો, ઈસ્લામ, ખ્રિશ્ચાનિટી અને બૌદ્ધ ધર્મોના ચીનીકરણ માટે મુખ્યત્વે કામ કરી રહ્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું આ યુનિટ ચીનમાં અસ્થિરતા પેદા કરતા કારણોને શાંત કરવાનું કામ કરે છે.

જિનપિંગની ઈચ્છા મુજબ તૈયાર થયેલી પંચવર્ષીય યોજનાના મુસદ્દાનો ઉદેશ્ય કથિતપણે ઈસ્લામને વધુ ચીની બનાવવાનો છે. રાષ્ટ્રીય સ્તર પર મુસ્લિમોને સંગઠિત કરવા અને તેમનું પ્રતિનિધિત્વ કરનારા એક ઔપચારીક નિગમ ચાઈનિઝ ઈસ્લામિક એસોસિએશનનું કહેવું છે કે આ યોજના હેઠળ  ઈસ્લામમાં ચીનના સામ્યવાદી સિદ્ધાંતો મુજબ પરિવર્તનો કરવામાં આવશે. બીજિંગમાં ચાઈના ઈસ્લામિક ઈન્સ્ટિટ્યૂટના વાઈસ ડીન ગાઓ જૈનુફે છ જાન્યુઆરીએ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં આવા પરિવર્તન સંબંધિત વાતચીત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ઈસ્લામાના ચીનીકરણનો અર્થ તેમની માન્યતાઓ, રીતિ-રીવાજો અને વિચારધારા બદલવાનો નથી. પરંતુ તેને સામ્યવાદી સમાજને અનુકૂળ બનાવવાનો છે.

ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે ચીનમાં જ હાલ ઈસ્લામિક સમુદાયોએ પોતાના રાજકીય વલણમાં સુધારો કરીને પાર્ટીના નેતૃત્વનું અનુસરણ કરીને તેમના ધર્મના ચીનીકરણ માટે આગ્રહ કર્યો છે. કેટલાક રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચીનીકરણની આ પંચવર્ષીય યોજનામાં કઈ-કઈ બાબતોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

ચાઈના ઈસ્લામિક એસોસિએશનના પ્રમુખ યંગ ફેમિંગે કહ્યુ છે કે આમા મૂળ સામાજિક મૂલ્યો, કાયદા અને પરંપરાગત સંસ્કૃતિ પર લેક્ચર્સ અને તાલીમ આપવામાં આવશે. એક સકારાત્મક લાગણી સાથે વિભિન્ન કહાનીઓના માધ્યમથી મુસ્લિમોનું માર્ગદર્શન કરવામાં આવશે. તો ગાઓ જૈનફુનું કહેવું છે કે મદરસાઓમાં પુસ્તકો રાખવામાં આવશે, જેથી લોકો ઈસ્લામના ચીનીકરણને વધુ સારી રીતે સમજી શકે છે.


જો કે ઈસ્લામના ચીનીકરણની યોજના સંદર્ભે વધારે જાણકારી આપવામાં આવી નથી. હાલ આ યોજનાને ગુપ્ત રાખવામાં આવી છે. ગ્લોબલ ટાઈમ્સ મુજબ, આખી યોજના આગામી સમયગાળામાં સામે આવશે.

ખ્રિશ્ચયાનિટીનું પણ થઈ રહ્યું છે ચીનીકરણ-

ઈસ્લામના ચીનીકરણની જિનપિંગની સરકારની યોજના ગત વર્ષે ચીનના ખ્રિસ્તીઓ પર લાગુ કરવામાં આવેલી એક અન્ય પંચવર્ષીય યોજનાની યાદ અપાવે છે. કુલ પાંચ અભિયાનો સાથે આ યોજના હેઠળ ખ્રિસ્તીઓને તેમના ધર્મ અને સામ્યવાદી મૂલ્યોની વચ્ચે સંબંધોને વધારવા માટે ધર્મશાસ્ત્રના પાયાને વધુ ઉંડો કરવા, ધાર્મિક શિક્ષણને વિનિયમિત કરવા, ચીનની વિશેષતાઓ પર વિશ્વાસ વિકસિત કરવો અને પરોપકાર પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ અહેવાલ જેવી રીતે મીડિયામાં આવ્યા તેના પણ ખાસ અર્થો કાઢવામાં આવે છે.

ઈસ્લામનું ચીનીકરણ અને ચીનનું મીડિયા-

ઈસ્લામના ચીનીકરણની યોજનાઓને લઈને થયેલી બેઠકના અહેવાલ ચીનની ભાષામાં પ્રકાશિત થનારા અખબારોએ આપ્યા નથી. પરંતુ વિચિત્ર વાત એ છે કે ચીનનું મીડિયા આખું વર્ષ ઈસ્લામના ચીનીકરણના અહેવાલ આપતું રહ્યું છે. ખાસ કરીને ચીનના અધિકારીઓએ તેને નૈતિક-ધાર્મિક કટ્ટરતાથી પ્રેતી આતંકવાદ પર નિયંત્રણને મુખ્ય પાસું માન્યું છે. ઈસ્લામના ચીનીકરણને લગતી બેઠકના અહેવાલ ગ્લોબલ ટાઈમ્સના અંગ્રેજી સંસ્કરણમાં આપવામાં આવ્યા હતા. પરંતુ ગ્લોબલ ટાઈમ્સના ચીની સંસ્કરણમાં આવી બેઠકના સમાચારને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. આનો સીધો અર્થ એવો કાઢવામાં આવે છે કે ચીનની સરકાર આખા મામલા પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આકર્ષિત કરવાનો ઈરાદો ધરાવે છે.

ગ્લોબલ ટાઈમ્સના તંત્રી હુ શીજિન ગત અડધું વર્ષ શિનજિયાંગને લઈને ચીનનો દ્રષ્ટિકોણ મુખ્યરૂપથી રજૂ કરતા રહ્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાએ ઉઈગૂર મુસ્લિમોને આ વિસ્તારમાં શિબિરોમાં નજરબંધીનો મામલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. તે વખતે અખબારને શિનજિયાંગમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. હુ શીજિન ખુદ ત્યાં ગયા અને તેમણે જણાવ્યુ હતુ કે આ શિબિર માત્ર વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર છે. તેને કટ્ટરવાદને સમાપ્ત કરવાના ઉદેશ્યથી બનાવવામાં આવી છે.

ચીનમાં વાર્ષિક ઈસ્લામિક બેઠક રાજધાની બીજિંગ ખાતે યોજાઈ હતી. જેમાં પ્રતિનિધિત્વ બીજિંગ, શંઘાઈ અને અન્ય છ પ્રાંતો- આંતરીક મોંગોલિયા, જિયાંગ્સુ, હુનાન, ગુઆંગડોંગ, યુન્નાન અને ક્વિંગહાઈના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. જો કે ચીનમાં વાર્ષિક ઈસ્લામિક બેઠકમાં તેના મુસ્લિમ બહુલ સ્વાયત્તત પ્રદેશ શિનજિયાંગમાંથી એકપણ પ્રતિનિધિને સામેલ કરવામાં આવ્યો ન હતો.

જિનપિંગનું સંબોધન પ્રેરણાસ્ત્રોત-

પહેલીવાર ઈસ્લામના ચાઈનિઝ સંસ્કરણનો ઉલ્લેખ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે 2015માં યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટમાં પોતાના ભાષણ દરમિયાન કર્યો હતો. આ ભાષણની વિષયવસ્તુઓ મુજબ વિદેશમાં રહેતા ચીની નાગરિકો, ધાર્મિક સંગઠનો, બુદ્ધિજીવીઓ અને ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા લોકોના સમુહો નિશાને રહેવાના છે. પોતાના ભાષણમાં જિનપિંગે વિભાગ માટે ધર્મ સંબંધિત એજન્ડાની રૂપરેખા રજૂ કરી અને ચાર મુખ્ય ક્ષેત્રમાં કામ કરવાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. આમા સૌથી પહેલી જરૂરિયાત ઈસ્લામના ચીનીકરણની હોવાનું જિનપિંગે જણાવ્યું હતું. અન્ય ત્રણ બાબતોનો પણ જિનપિંગે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. જેમાં કાયદાના શાસનને પ્રોત્સાહન આપવું, સમાજમાં ધર્મોના ઉપયોગના આકલન માટે માર્ક્સવાદી દ્રષ્ટિકોણનો ઉપયોગ કરવો અને સામાજિક સદભાવના તથા આર્થિક વિકાસને આગળ વધારવા માટે મુખ્ય ધાર્મિક વ્યક્તિત્વોની ભૂમિકાને પ્રોત્સાહિત કરવી. જિનપિંગના આ સંબંધોન બાદ યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટે મસ્જિદો પર વધુ નિયમો તથા કાયદા લાગુ કરવાનું શરૂ કરી દીધું હતું. આમા મુખ્યત્વે ચાર બાબતોને અપનાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો- જેમાં ચીનના રાષ્ટ્રીય ધ્વજ, ચીનનું બંધારણ અને કાયદો, સમાજવાદના મૂળભૂત મૂલ્યો અને પરંપરાગત ચીની મૂલ્યોનો સમાવેશ થાય છે.

આનું જમીની સ્તર પર પાલન કરવા માટે મુખ્યત્વે રાષ્ટ્રીય ધ્વજ લગાવવો, મસ્જિદોમાં સમાજવાદ સંદર્ભે જાણકારી આપવી અને અન્ય બાબતો માટે જેવું કે મહિલાઓનું સમ્માન કરવું વગેરે સાથે સંબંધિત નિર્દેશો પણ સામેલ હશે. આ નિયમોને યોગ્ય ઠેરવવા માટે ચાઈનિઝ ઈસ્લામિક એસોસિએશને મે-2018માં એક આર્ટિકલમાં વારંવાર કુરાનનો ઉલ્લેખ કર્યો છે. આ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છ કે કુરાન દેશભક્તિ, વાયદો નિભાવવો, નિષ્પક્ષતા અને પરોપકારને દર્શાવે છે. ખાસ કરીને ચીનને જ્ઞાનના સ્ત્રોત તરીકે રજૂ કરે છે. જો કે આ આર્ટિકલમાં કેટલીક બાબતો સાચી નથી, કારણ કે કુરાનમાં ચીનનો ઉલ્લેખ નથી. જો કે અરબીમાં ઈસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબને ટાંકીને એક કહેવત જરૂરથી કહેવામા આવે છે કે જો તમારે જ્ઞાન જોઈએ, તો ચીન સુધી પણ જાવ.