Site icon Revoi.in

રક્ષાબંધન- ભાઈ બહેનના પ્રેમનું અનોખું બંધન-સુતરના ઘાગાથી બંઘાતો પ્રેમના બંધનનો છે પર્વ

Social Share

દેવાંશી-

યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા

અર્થાત – જ્યાં સ્ત્રીનું માન સચવાય છે.ત્યાં દેવોનો વાસ હોય છે.તેવું ભગવાન મનુંનું વચન છે.

બહેનની રાખડી હાથ પર બંધાતા જ ભાઈની દ્રષ્ટિ બદલાઈ જાય છે.તેના રક્ષણની બહેનના રક્ષણની જવાબદારી લે છે. ભાઈના કપાળે તિલક કરે છે.આ કેવળ મસ્તકની પૂજા નથી પણ ભાઈના વિચારો અને બુદ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે.સામાન્ય દ્રષ્ટિથી જગતને જોતી રહેલી બે આંખો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી જગતને જોવા માટે જાણે કે ત્રીજી એક પવિત્ર આંખ આપીને બહેને પોતાના ભાઈને ત્રીલોચન બનાવ્યો હોય એવો સંકેતએ ક્રિયામાં દેખાય છે.

રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હદયનો નિવ્યાજ પ્રેમ ભરેલો હોય છે.રક્ષાબંધન જીવનમાં ઉપયોગી એવા અનેક બંધનોથી રક્ષા કરે છે.લોખંડની મજબુત બેડીને તોડવા સમર્થ એવો ભાઈ બહેને બાંધેલી એ નાનકડી રક્ષાના બંધનને તોડી શકતો નથી..રક્ષાએ કેવળ સુતરનો દોરો નથી..એ તો છે શીલ અને સ્નેહનું રક્ષણ કરતુ તેમજ જીવનમાં સંયમની મહતા સમજાવતું પવિત્ર બંધન

વેદોમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિતે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી. અભિમન્યુની રક્ષા ઈચ્છતી કુંતામાતાએ તેને રાખડી બાંધી હતી, જયારે પોતાના રક્ષણ માટે રાણી કર્ણામાંવતીએ હુમાયુને રાખડી મોકલી હતી.આ રીતે રક્ષામાં ઉભયપક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે.

ભાઈ બહેનને કહે છે ‘ તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે. સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખ એ મહાન સંદેશ આપનાર ભારતીય સંસ્કૃતિના આ શ્રેષ્ઠ પર્વ કુટુંબ પુરતું જ માર્યાદિત રાખવું એ યોગ્ય ન ગણાય.. આવા પર્વોનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઈએ. સમાજમાં સ્ત્રી તરફ જોનાર વિકારી દ્રષ્ટિ બદલાવવી..

બહેને પાઠવેલી શુભકામનાઓ ભાઈને તેના જીવનપથ પર આગળ વધવામાં પ્રેરક અને પોષક કરે છે.બહેનની આંખો ભાઈ ઉપર હમેશા અમીવર્ષા વર્ષાવતી હોય છે.એની વાણી દિલમાં રહેલા કામનાના અંધકારને ઉલેચી ભાઈને કર્તવ્યની કેડીએ આગળ ધપતો કરી મુકે છે.

ટુંકમાં રક્ષાબંધન એટલે સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ બદલાવવી. ભાઈએ લીધેલી બહેનના રક્ષણની જવાબદારી. ભાઈબહેનના વિશુધ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું ! ભાઈ અને બહેન પરસ્પર પ્રેરક, પોષક અને પૂજક છે એ સંદેશો આપનાર આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમુલ્ય દેન છે.