Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, પુલવામામાં લશ્કરે તૈયબાના ચાર આતંકી ઠાર

Social Share

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ સોમવારે સવારે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પુલવામા જિલ્લાના લસ્સીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબાના ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ઠાર થયેલા દહેશતના સોદાગરોની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.

સૈન્ય સૂત્રોનું કહેવું છે કે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા લસ્સીપોરામાં તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી અને તેમા ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ ચારેય આતંકીઓ લશ્કરે તૈયબાના હતા. તેમની પાસેથી બે એકે- 47 રાઈફલ, એક એસએલઆર અને એક-એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં હજીપણ સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ છે.

પુલવામા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોનું અભિયાન ચાલુ છે. તાજેતરમાં અનંતનાગ જિલ્લામાં સેના અને પોલીસની એક સંયુક્ત કાર્યવાહીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. સુરક્ષાદળોએ આ આતંકીને અનંતનાગના આતંક પ્રભાવિત વિસ્તાર બિજબેહડામાંથી એરેસ્ટ કર્યો હતો અને તેની ઓળખ રમીઝ અહમદ તરીકે થઈ છે. ધરપકડ કરાયેલા આતંકી પાસેથી પોલીસને મોટા પ્રમાણમાં હથિયાર અને અન્ય સામગ્રી પણ મળી આવી છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં પુલવામા કાર બોમ્બ એટેકમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ સહીત ત્રણ સ્થાનો પર આતંકી શિબિરોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા.